Text Size

12. દ્વાદશ સ્કંધ

કલિયુગ વિશે

એકાદશ સ્કંધના છેલ્લા શ્લોકનો વિચાર સુચારુરૂપે કરી લીધો ? તો તો પછી આત્મનિરીક્ષણ માટેનો અવકાશ સારી રીતે અને સહેલાઇથી મળી રહેશે. ભાગવતની કલ્યાણકારક કથાઓ આજ સુધી કેટલીય વાંચી તથા વિચારી ને સાંભળી લીધી. એ કલ્યાણકારક કથાઓની અભિરુચિ છે એ સારું છે, આવકારદાયક છે, ભગવાનની કૃપા છે, પરંતુ એનું પરિણામ શું આવ્યું ને કેટલું આવ્યું એ પણ તપાસવા તથા વિચારવા જેવું છે. કેટલાય વાચકો કે વિચારકો એ નથી વિચારતા. ભગવાનની ભક્તિનો અંતરમાં ઉદય થયો કે ના થયો ? સ્વભાવ ઉદાત્ત બન્યો ? કુસંગને કે કુકર્મને તિલાંજલી આપી ? જીવનને આસુરી સંપત્તિની નાગચૂડમાંથી મુક્ત કરીને દૈવી સંપત્તિથી સુવાસિત કરવાનો પ્રયત્ન કર્યો કે ના કર્યો ? એ પ્રયત્નનું પરિણામ કેવુંક આવ્યું ? બીજાને સારુ શ્વાસ લેતાં ને ઇશ્વરમય જીવન જીવતાં શીખ્યા ? જીવનમાં કથાશ્રવણ, સ્વાધ્યાય તેમ જ સત્સંગનું છેવટનું પરિણામ તો એ જ છે. એ જ હોવું જોઇએ. જીવન પર એનો પવિત્ર પ્રભાવ પડવો જોઇએ. એની આહલાદક ઉપકારક ઉદાત્ત અસર થવી જ જોઇએ. તો જ એનું મૂલ્ય છે. એનો લાભ લઇને જીવનમાં સમુચિત ક્રાંતિ કરવાની છે. જીવનને જ્યોતિર્મય કરવાનું છે. તો જ આનંદ અનુભવાશે ને કૃતકૃત્ય બનાશે.

બારમો સ્કંધ એટલે ભાગવતની ભાગીરથીની આ છેલ્લી ધારા. એ ધારા પરનો અદ્દભુત અમૃતમય અંતિમ ઘાટ. ભાગવતની ભાગીરથીની આ છેલ્લી ધારા પણ બીજી બધી ધારાઓની જેમ આહલાદક અને અમૃતમય હોવાની સાથે સાથે સૌ ધારાઓના સાર કે શૃંગારરૂપ છે. એને ભાગવતના મંગલમય મંદિરનો સુંદરતમ સ્વર્ણકળશ પણ કહી શકાય. એનું કદ પ્રમાણમાં ઘણું નાનું છે પરંતુ એની ગુણવત્તા ઘણી મોટી છે.

સંસાર એની માતા ત્રિગુણાત્મિકા પ્રકૃતિના ગુણધર્મો પ્રમાણે એકસરખા સ્વરૂપવાળો નથી દેખાતો. એમાં વિવિધતાનો પાર નથી. એમાં ઉત્તમની સાથે અનુત્તમ, શુભની સાથે અશુભ, સુંદરની સાથે અસુંદર, પ્રકાશની સાથે અંધકાર, જ્ઞાનની સાથે અજ્ઞાન, જન્મની સાથે મરણ અને સુખની સાથે દુઃખ જોવા મળે છે. એને દ્વંદ્વાતીત ના કહી શકાય. એના આવિર્ભાવથી માંડીને આજ સુધી એની અવસ્થા એવી જ અનોખી અને અનેકવિધ રહી છે. એની રચના જ એવી અનેરી છે કે એમાં દૈવી અને આસુરી, ઉદાત્ત અને અનુદાત્ત, શુભ અને અશુભ તત્વો કે પ્રવાહો રહેવાના જ. ઉત્તમ અને અધમ બંને પ્રકારનાં પરિબળો એની અંદર કામ કરવાનાં. બીજી ભાષામાં કહીએ તો પાંડવો તથા કૌરવોના બંને પ્રકારના વિરોધાભાસી પક્ષોનું એમાં દર્શન થવાનું. કોઇ વાર સત્ય, ન્યાય, નીતિ કે માનવતાના પરિબળો પ્રબળ બનવાના તો કોઇ વાર અસત્ય, અન્યાય, અનીતિ, અપ્રામાણિકતા તથા દાનવતાના. કોઇ વાર સામુહિક રીતે જોતાં કાળ સત્યયુગ તરીકે ઓળખવાનો તો કોઇ વાર કલિયુગ તરીકે. એ યુગોમાં જુદાં જુદાં, શુભાશુભ પરિબળોની કે તત્વોની માત્રામાં તફાવત રહે એ જુદી વાત છે. પરંતુ એ તત્વો અથવા પરિબળો રહેવાનાં તો ખરાં જ. બધા યુગોમાં દૈવી અને આસુરી બંને પ્રકારના પ્રવાહો પેદા થાય છે. એ બંને પ્રવાહોનો સંઘર્ષ પણ જોવા મળે છે. આપણા સમયના કાળના વર્તમાન પ્રવાહને કલિયુગનું નામ આપવામાં આવ્યું છે પરંતુ એનો અર્થ એવો નથી સમજવાનો કે એમાં સત્યનો, શુભનો, ઉદાતત્તાનો કે માનવતાનો અંશ પણ નથી. કલિયુગ એટલે ક્લેશ, કપટ, કંકાસ, કાલિમાનો યુગ. કુળનો અથવા યંત્રોનો યુગ. આપણા જમાનામાં એ બધું દેખાય છે ખરું. અને બીજા યુગોની સરખામણીમાં કદાચ વિશેષ પ્રમાણમાં દેખાતું હશે, તો પણ એનો અર્થ એવો તો નથી જ કરવાનો કે આપણા યુગમાં કેવળ ક્લેશ કે કાલિમા જ છે અને શુભનો કે સત્યનો સ્વલ્પ કે અલ્પ પણ અંશ નથી દેખાતો. કલિયુગમાં પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય મહાન સંતો, સત્પુરુષો, ભક્તો, જ્ઞાનીઓ, લેખકો કે કવિઓ, વીરપુરુષો તથા વૈજ્ઞાનિકો, દાનીઓ તેમજ સર્વોત્તમ સેવાવીરો થયા છે. આજે પણ એવા સત્પુરુષો નથી એવું નથી સમજવાનું. કોઇપણ વ્યક્તિ જીવનનું સમુચિત ઘડતર કરીને એમાંની એક થઇને પોતાની અંદરની ને બહારની દુનિયામાં સત્યયુગનું નિર્માણ કરી શકે છે. એવી શક્યતા સૌ કોઇને સારુ છે જ.

આપણા યુગને આપણે ગમે તેવો ભયંકર કે ઘોર કલિયુગ કહેતા હોઇએ તો પણ એની કેટલીક વિશેષતાઓ કે લાક્ષણિકતાઓની ઉપેક્ષા ના કરી શકાય. આ યુગમાં માનવની પ્રગલ્ભ પ્રતિભાએ જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રોમાં નવા નવા વિક્રમો સર્જ્યા છે ને વિકાસના નવાં નવાં શિખરો સર કર્યા છે. સંસારના જુદા જુદા દેશોની પ્રજાઓ વધારે ને વધારે સંનિકટ આવવાના આત્મીયતાપૂર્ણ સમજપૂર્વકના પ્રયત્નો કરી રહી છે એ પણ એક સારુ ચિહ્ન છે. શસ્ત્રોના વિધ્વંસકારી પ્રયોગોથી જ સઘળી સમસ્યાઓનું નિરાકરણ અથવા સમાધાન શોધવાની પદ્ધતિને પરિત્યાગીને સંસારના વિવિધ દેશો હવે પરસ્પર વાર્તાલાપ કરવાની ને શક્ય સમાધાન શોધી કાઢવાની સૌજન્યભરી વધારે સારી પદ્ધતિને અપનાવી રહ્યા છે એ હકીકત પણ ઓછી અગત્યની નથી સમજવાની. નિરક્ષરતા, દીનતા ને દુઃખો તથા વિનાશક વ્યાધિઓને દૂર કરવાના સુવ્યવસ્થિત સામુહિક પ્રયત્નો પણ થઇ રહ્યા છે. એવા પ્રયત્નો હજુ પ્રાથમિક દશામાં છે એ સાચું પરંતુ એમની અવગણના નથી કરી શકાય તેમ. સંસારને માટે એમાં મહાન આશા રહેલી છે. એવા પ્રયત્નો તથા પ્રામાણિક પ્રવૃત્તિપ્રવાહો વિશ્વના વિપરીત, વૈમનસ્યપૂર્ણ વાતાવરણને વિશદ બનાવીને સત્યયુગના સુખશાંતિમય સમયમાં પલટાવવાની મોટી શક્યતા ધરાવે છે. તેમની પ્રત્યે આંખમીચામણાં કરવાનું ઠીક નથી. એ બધું લક્ષમાં લઇને આપણા યુગને નગણ્ય ગણવાની, હલકો સમજવાની, તિરસ્કારવાની અથવા અભિશાપરૂપ માનવાની જરૂર નથી. એમાં રહીને આપણા વ્યક્તિગત તેમ જ સમષ્ટિગત જીવનને બનતા પ્રમાણમાં શુદ્ધ, સમૃદ્ધ, સુખશાંતિમય ને સમુન્નત કરવાની કોશિશ કરી છૂટીએ એ જ શ્રેયસ્કર છે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok