પ્રયોજનનું વિસ્મરણ
સંગીતના સુરીલા સ્વર્ગીય સુધાસભર સુસ્વાદુ સ્વર,
ઉલ્લાસપ્રેરક ઉર્મિદ્યોતક ઉપવનાલય,
સમીપમાં જ સરસ સુવિશાળ સરિતા.
રમણીય રસીલી રજનીનો શાંત સમય.
સંગીતના સુખસંચારક સ્વરશ્રવણથી મંત્રમુગ્ધ બનીને
કોઈક ડોલવા લાગ્યા તો કોઈક ગાવા.
કોઈક આશ્ચર્યચકિત અચળ બનીને બેસી રહ્યા
તો કોઈ રોમાંચિત થઈને નાચવા માંડ્યા.
કોઈક સંગીતની સુખદ સુરાવલિના શાશ્ત્રને સમજ્યા
તો કોઈ શાંતિથી સમજવા લાગ્યા.
સંગીતના સમીપવર્તી સદનમાંથી સતત રીતે સરનારા સુસ્વર.
એમના આસ્વાદને અનુભવીને આવનારા એ સર્વને મેં પૂછ્યું કે
તમે સ્વર્ગીય સુમધુર સર્વોત્તમ સંગીતસ્વરનો સ્વાદ તો લીધો
કિન્તુ જેનું સંગીત હતું તે સ્વરસમ્રાટના સંમિલનને સાધ્યું?
તમારું પ્રવાસપ્રયોજન તો તે હતું.
અને એ એમની નિષ્ફળતાને માટે નિરાશ થયા.
એમને પોતાના પ્રસન્નતાપ્રદાયક પુણ્યપ્રવાસના
પ્રયોજનનું જ વિસ્મરણ થયેલું.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)