જ્ઞાન વિશે

પ્રશ્ન : મને જ્ઞાન વિશે કાંઈ ઉપદેશ આપો.

ઉત્તર : જ્ઞાનના કયા સિદ્ધાંતોનો ઉપદેશ જોઈએ છે તે તમારે જણાવવું જોઈએ. તે વિના એમનેમ કાંઈ જ ઉપદેશ આપી શકાય નહીં. કેમ કે અમારો ધંધો ઉપદેશ આપવાનો તો નથી. જ્ઞાન તો અપાર છે. જ્ઞાનીઓએ તેને સાગરની ઉપમાં આપી છે. જ્ઞાન કાંઈ તળાવ કે કૂવો નથી. તે તો અગાધ દરિયો છે. વળી તેના સિદ્ધાંતરૂપી તરંગો પણ એટલા જ અપરંપાર છે. એટલે તમારે શો ઉપદેશ જોઈએ છે તે ચોક્કસપણે પૂછવું જોઈએ.

વળી ઉપદેશ ગમે તે માણસ આપી શકે નહીં. જેનામાં શાસ્ત્રજ્ઞાન હોય અથવા જેણે વિચાર ને મન દ્ધારા જ્ઞાનનો નિર્ણય કર્યો હોય, ને તે જ્ઞાનને જીવનમાં ઊતાર્યું હોય, તે જ પુરુષ જ્ઞાન આપી શકે ને યથાયોગ્ય આપી શકે. ગીતાએ આવા પુરુષોને માટે તત્વદર્શી શબ્દ મૂક્યો છે. તત્વ એટલે આત્મા, પરમાત્મા, શરીરમાં રહેલું ચેતન. તેનું જેણે પોતાના શરીરમાં ને જડચેતનમાં બધે દર્શન કર્યું હોય તે તત્વદર્શી. આવો પુરુષ જે ઉપદેશ આપે તે અનુભવનો જ હોય એટલે તે યથાર્થ હોય, પ્રેરક હોય, ને સીધો તેમજ સચોટ હોય.

પ્રશ્ન : તો પછી તમને જે ગમે તેવી વાતનો ઉપદેશ આપો.

ઉત્તર : આ તો એવું થયું કે ડોકટરને ત્યાં જઈને કહીએ કે તમને ફાવે તે દવા આપો. એમ કાંઈ દવા મળે ? દર્દ કહેવું પડે, પરીક્ષા કરાવવી પડે, પછીથી દવા મળી શકે. ગંગામાં પાણી હોય તો તેને લેવા હાથ લંબાવવો પડે કે પાત્ર ભરવું પડે, એમનેમ ક્યાંથી કામ થાય ?

જ્ઞાનપ્રાપ્તિને માટે ગીતા ત્રણ આવશ્યકતા ઉપર ભાર મૂકે છે. પ્રથમ તો જ્ઞાનીના ચરણોમાં પ્રણામ કરવા જોઈએ. એટલે એ દ્ધારા જાહેર થાય છે કે જિજ્ઞાસુએ પોતાનો મદ, અહંકાર છોડી દીધો છે, ને પોતે નમ્ર થયો છે. આ પછી પ્રશ્ન કરવા પડે છે. ને સાથેસાથે સેવા પણ કરવાની હોય છે. કેમ કે સેવાથી જ જ્ઞાની પ્રસન્ન થાય છે. તે ગૂઢમાં ગૂઢ રહસ્ય પણ જિજ્ઞાસુ આગળ પ્રકટ કરી દે છે. વિના પૂછ્યે મેં તમને જ્ઞાનની આટલી વાત તો જણાવી દીધી. હવે કાંઈ વિશેષ પૂછવું હોય તો કહો.

પ્રશ્ન : અદ્ધૈત જ્ઞાન વિશે વળી કાંઈક કહો. સાંભળવાનું ઘણું મન થાય છે.

ઉત્તર: હાલ તો ગમે તેવો માણસ બેચાર જ્ઞાનના ગ્રંથો વાંચીને અદ્ધૈત જ્ઞાનની વાતો કરવા મંડી જાય છે. પંચદશી, પંચીકરણ, વિચારસાગર ને એવા એવા વેદાંતના બે ચાર ગ્રંથ વાંચ્યા એટલે બધા જ માનવા બેસી જાય છે કે અમે જ્ઞાની થઈ ગયા, ને સીધા ‘અહં બ્રહ્માસ્મિ’ પદે પહોંચી ગયા ! પરંતુ એ તો જ્ઞાનની ભ્રમણા માત્ર છે. જે જ્ઞાન જીવનમાં કામ લાગી શકે નહીં, જેનાથી જીવન શુદ્ધ, ઉજ્જવલ ને બલવાન બની શકે નહીં, જીવનમાં જે અનુભૂતિ બની શકે નહીં, ને જે જ્ઞાન જીવનમાં કર્મમાં મૂર્ત થાય નહીં, તે જ્ઞાનને છેવટનું જ્ઞાન કહી શકાય નહીં. આજે તો વેદાંતની વાતો કરનાર માણસોમાં કામ, ક્રોધ, પંડિતાઈનું અભિમાન ઘર ઘાલીને બેઠું હોય છે. વાતો થાય છે ‘અમારામાં ને બ્રહ્મમાં કાંઈ જ ભેદ નથી’ એવી, પરંતુ ગુણ સ્વભાવ બધું સાધારણ માણસના જેવું હોય છે. પછી તેમને કેવલ પોપટિયા વાણીને લીધે બ્રહ્મા કેવી રીતે કહી શકાય ? વેદાંત તો કહે છે કે ‘બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ’ અર્થાત્ જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ જ થઈ જાય છે. બ્રહ્મની જે શક્તિ, બ્રહ્મનો સ્વભાવ, તે બધું તેનામાં આવી જાય છે. માણસ પામરતાથી ઉપર ઊઠી મહાન ને છેવટે વિરાટ બને છે ને બંધનમાંથી મુક્ત બની પરમ શાંતિને પ્રાપ્ત કરી લે છે.

જ્ઞાન ને વિચાર કે જીવનની વાસ્તવિક્તા વચ્ચેનું અંતર શા માટે રહે છે તેનું કારણ છે, જ્ઞાન પ્રાપ્તિની જે ભૂમિકા આપણે ત્યાં નક્કી થઈ છે તેનું પાલન આપણામાં ભાગ્યે જ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરતાં પહેલાં માણસને બીજી કેટલીક તૈયારીઓ કરવી પડે છે તે તૈયારી થયા પછી જ જ્ઞાનપ્રાપ્તિનો અધિકાર આવ્યો ગણાય છે. આ તૈયારી કેવી હોવી જોઈએ તે વિશે ટૂંકમાં વિચારીએ.

પહેલું પગથિયું વિચાર કે વિવેક છે. વિવેક એટલે સારું ને નરસું, સત્ય કે અસત્ય, વિનાશી અને અવિનાશીને પારખવાની શક્તિ. બુદ્ધિમાન માણસો વિવેકી પુરુષને હંસની ઉપમા આપે છે. હંસ વિષે કહેવાય છે કે તેની આગળ દૂધ ને પાણી મૂકો તો દૂધને તે પાણીથી છુટું કરી દે છે. આને નીર-ક્ષીર વિવેક પણ કહે છે. આ વિવેક સંસાર ને જીવનમાં હંમેશા જાગૃત રાખવાનો છે, સંસારમાં સાચું શું છે ને ખોટું શું છે, શું કરવું હિતાવહ ને શું કરવું નુકસાનકારક છે, આ બધું દ્રશ્ય જગત વિનાશી છે કે અવિનાશી, તેનો સ્વસ્થ ચિત્તે વિચાર કરવાનો છે. આવો વિચાર કરીને બેસી રહેવાથી કાંઈ વળતું નથી. વિચારો દ્ધારા જેને સાચું માન્યું છે તેને જીવનમાં અપનાવવાનો ને અનુસરવાનો પ્રયાસ કરવો જોઈએ.

જ્યાં વિચાર દ્ધારા નક્કી થયું કે જગતની બધી જ વસ્તુ વિનાશી છે, પરિવર્તનશીલ છે, કેવલ ચેતન સત્તા કે ઈશ્વર જ સત્ય છે, એટલે માણસ ઈશ્વરમાં પ્રેમ વધારવાનો ને સંસારની વસ્તુઓમાંથી રાગને દૂર કરવાનો. આને વૈરાગ્ય કહે છે. વૈરાગ્ય એટલે વિરાગ. વિરાગના બે અર્થ છે. એક તો રાગનું વિગત થવું ને બીજું રાગનું વિશેષ પણે હોવું. એટલે ઈશ્વરમાં રાગ વધે ને સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં રાગ ને મમતા ઘટે તે વૈરાગ્ય. આ બીજું પગથિયું.

આ પછી આવે છે શમ ને દમ. શમ એટલે મનનો નિગ્રહ. મનની ચંચલતા દૂર થાય, કામ, ક્રોધ, અભિમાન, માન-અપમાન જેવાં દ્ધંદ્ધોની મન પર થતી અસર દૂર થાય, તેનાથી મન પર થાય ત્યારે મનોનિગ્રહ સિદ્ધ થયો ગણાય. આમાં જપ, ઉપાસના, સત્સંગ ખૂબ મદદ કરે છે. આની સાથે સાથે દમનું મહત્વ મનાયું છે. દમ એટલે ઈન્દ્રિયોનો નિગ્રહ.  બ્રહ્મચર્યનું પાલન કરવું, આંખથી બધે પ્રભુનું રૂપ જોવાની ટેવ પાડવી, કાનથી સત્સંગ, વાર્તા કે કથાશ્રવણ કરવું. વાણીથી સત્ય ને મધુર બોલવું, સ્વાદ-જય કરવો એ બધાનો દમમાં સમાવેશ થાય છે.

આ પછી આવે છે ઉપરતિ. સંસારના પદાર્થોમાંથી મન ઉપરામ થઈ જાય, સંસારની ગડમથલમાંથી મન દૂર હટી જાય, તે ઉપરતિ છે. પછી તિતિક્ષા. સુખદુઃખ, ટાઢતાપ, માન-અપમાન, જે પરિસ્થિતિ મળે તેમાં સ્વસ્થચિત્તે રહેવું, તેનું નામ તિતિક્ષા. શાસ્ત્ર કે ઈશ્વરમાં પૂર્ણ વિશ્વાસ તે શ્રદ્ધા. પોતાના માર્ગ વિશે કોઈ શંકા ના હોવી તેનું નામ સમાધાન.

ને છેલ્લે આવે છે મુમુક્ષુત્વ એટલે મુક્તિ મેળવવાની, શાંતિ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા.

સાધકે આ બધાં અંગોને જીવનમાં ઊતારવા પડે છે. તે પછી જ તે જ્ઞાનનો અધિકારી બની શકે છે. આવી પ્રાથમિક તૈયારીના થાય ત્યાં લગી માણસે સંધ્યાપૂજા, ઉપાસના જેવા નિત્યકર્મ કરવા જોઈએ, અથવા હૃદયશુદ્ધિ સાધી દૈવી સંપત્તિની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. આવી તૈયારી કર્યા પછી મુક્તિની તીવ્ર ઈચ્છાવાળા, સ્વસ્થ ચિત્તના, વિકારવશ સાધકે જ્ઞાનોપદેશ લેવા સદ્દગુરુ પાસે જવું જોઈએ. આવો જ સાધક જ્ઞાનપ્રાપ્તિનો અધિકારી છે, એમ ઉપનિષદાદિ શાસ્ત્રો ને જ્ઞાનના સૂર્ય જેવા શંકરાચાર્ય પણ કહે છે. આવા સાધકને ગુરુએ બ્રહ્મતત્વનો ઉપદેશ આપવો એમ આપણે ત્યાં પ્રાચીનકાળથી સ્વીકારાયેલું છે. આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાને બે ચાર વર્ષનો ભલે વિલંબ થાય, પણ પૂરી તૈયારી પછી જે જ્ઞાન મળશે તે અસરકારક બનશે, દિલના ઊંડાણમાં ઊતરી જશે, ને પરમશાંતિ આપશે. તેવા જ્ઞાનથી જીવનનો વ્યવહાર અને વિચારની વિસંવાદિતા તદ્દન દૂર થઈ જશે, ને માણસ જે વિચારશે કે બોલશે તે તેના કર્મોમાં, મુર્તિમંત થયેલું જણાશે. આવું જ જ્ઞાન વાસ્તવિક અર્થમાં જ્ઞાન છે.

હવે તમે વિચાર કરો કે જ્ઞાનની મોટીમોટી વાતો કરનારા માણસોમાં આ પૂર્વભૂમિકા દેખાય છે ? પછી જ્ઞાન જીવનમાં પચે ક્યાંથી ? જ્ઞાન આપનારા ગુરુ પણ કેટલા છે ? ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ એટલે ઈશ્વર દર્શન કરી ચૂકેલ પુરુષ જ ગુરુ થઈ શકે છે, ને ઉત્તમ માર્ગ બતાવી શકે છે. આ બેય પરિપાટી—આ બંને પ્રકારની યોગ્યતાનો આપણે ત્યાં ભંગ થયેલો હોવાથી જ્ઞાન આપણે ત્યાં વધારે ભાગે ભારરૂપ રહ્યું છે ને માણસને બંધનમાંથી મુક્ત કરવાને બદલે તેને બંધનમાં વધારે ને વધારે જકડતું જાય છે.

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.