Sunday, August 09, 2020

અંતરનો અવાજ, મુમુક્ષત્વનાં લક્ષણો

પ્રશ્ન : અંતરના અવાજ પ્રમાણે માણસથી ઘણી ઈચ્છા હોવા છતાં કેમ નહિ ચલાતું હોય ?

ઉત્તર : તમે જેને અંતરનો અવાજ કહો છો તેને બદલે અંતરની ઈચ્છા એવો શબ્દપ્રયોગ કરવો જોઈએ. કેમ કે અંતરનો અવાજ તો ફક્ત યોગી ને ભક્તપુરુષોને પ્રાપ્ત થાય છે ને તે પ્રમાણે ચાલ્યા વિના રહી શકાતું જ નથી. સાધારણ માણસો પોતાના મનસુખા પ્રમાણે જીવી શકતા નથી, અથવા પોતાના અંતરની ઈચ્છા પ્રમાણે વર્તી શકતા નથી. તેના બાહ્ય કારણ ગમે તે હોય, તેનું મૂળ કારણ તો મનની નિર્બળતા જ છે. મનની નિર્બળતાને લીધે માણસ પોતાના સંકલ્પમાં દૃઢ રહી શકતો નથી, તેમજ વાતાવરણ વિગેરેની અસરથી ડગમગી જાય છે. એટલે સૌથી મુખ્ય ઉપાય મનને મજબૂત બનાવવાનો છે. મન મજબૂત બનવાથી તમને તમારી જાતમાં અડગ શ્રધ્ધા ઉત્પન્ન થશે, ને આ શ્રધ્ધાથી તમારી ઈચ્છા પ્રમાણે પુરુષાર્થ કરવાનું બલ તમે મેળવશો. વાતાવરણ પ્રતિકૂળ હશે તો પણ તમારી દૃઢ ઈચ્છાશક્તિથી ધીરે ધીરે અનુકૂળ બની જશે, ને ગમે તે પ્રકારે તમને સહાયતા મળી જશે.

ગાંધીજી જ્યારે સત્ય ને અહિંસા દ્વારા આઝાદી મેળવવા નીકળ્યા ત્યારે લોકો તેમના પ્રત્યે શંકા ને આશ્ચર્યથી જોવા લાગ્યાં. પણ ગાંધીજીનું મનોબળ ખૂબ મહાન હતું.

એક વિદેશી પત્રકારે તેમની મુલાકાત લઈ એકવાર તેમને પૂછ્યું, શું તમે આઝાદીની લડતમાં સફળ થઈ શકશો એમ તમને લાગે છે ?

ગાંધીજીએ કહ્યું કે ‘મને તેવી શ્રધ્ધા છે.’

તેનું કારણ શું ? પેલા પત્રકારે તરત બીજો પ્રશ્ન પૂછયો.

ગાંધીજીએ કહ્યું, ‘કારણ કે ઈશ્વર દયાળુ છે. મને તેની દયા ને તેના ન્યાયમાં વિશ્વાસ છે.’

આ મહાનપુરુષે આવા દૃઢ મનોબળને લીધે જ ધારેલું કામ પૂરું કર્યું તે હવે તો ઈતિહાસ-પ્રસિધ્ધ વાત છે. જેમ મોટા પ્રસંગોમાં તેમ નાની વાતોમાં પણ મનોબળ અગત્યનો ભાગ ભજવે છે. આ મનોબળને કેળવો. મનની નબળાઈને ખંખેરી કાઢો. પછી તમારી ઈચ્છા પ્રમાણે વિકાસ જરૂર કરી શકશો.

પ્રશ્ન : મુમુક્ષુપણું જાગે તે પછી શું થાય છે ? એટલે કે મુમુક્ષુત્વનાં લક્ષણ કેવાં હોય ?

ઉત્તર : મુક્તિની તીવ્ર ઈચ્છા અથવા પરમાત્માના દર્શનની ભૂખ એ જ મુમુક્ષુપણું કહેવાય છે. એ જાગે એટલે રાતદિવસ પરમાત્માને મેળવવા ને તે દ્વારા મુક્તિનું પરમસુખ પામવા માણસ આતુર બને છે. મીરાંએ આ દશાને શૂળી પરની સેજ કહી છે. કોઈએ તેને પાવક પરની પથારી કહી છે. મતલબ કે આ દશામાં માણસ ઊંઘ ભૂલી જાય છે, ખાવાપીવાનું તેને  યાદ રહેતું નથી, કે ઈશ્વર વિના બીજી કોઈ વાત તેને સૂઝતી નથી, તે બેચેન બેચેન ફરે છે. આ બેચેની ટાળવા રાતદિવસ તે પ્રભુને પોકાર કરે છે, કે ધ્યાન અથવા નિદિધ્યાસન કરે છે, ને પરમશાંતિ, ઈશ્વર કે મુક્તિ મેળવીને જ ઝંપે છે. આવું મુમુક્ષુપણું જાગે તો પછી શું કહેવું ? રામકૃષ્ણ પરમહંસદેવ કહે છે કે ઈશ્વર માટે વ્યાકુળ હૃદયે કોઈ પ્રયાસ કરે તો ત્રણ જ દિવસમાં તેને શાંતિ મળે છે. મતલબ કે વ્યાકુળતા જાગ્યા પછી માણસને ઈશ્વરના દર્શન થયા વિના રહેતાં નથી. વ્હેલાં મોડાં પણ તેને દર્શન થવાનાં જ.

ભગવાન બુધ્ધનું જીવન જુઓ. શાંતિ માટે તેમણે કઠિન તપવ્રત કર્યા, છતાં શાંતિ ના મળી. ત્યારે છેવટે તેમને સત્યપ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠા થઈ. બોધિવૃક્ષની નીચે તેમણે દૃઢ ને વ્યાકુલ હૃદયે આસન જમાવ્યું ને સાત દિવસમાં શાંતિપદ મેળવી દીધું. પરીક્ષિતને પણ સાત દિવસમાં શાંતિ ને મુક્તિ મળી ગઈ. આજે કેટલીય ભાગવતની સપ્તાહ થાય છે છતાં વાંચનાર કે સાંભળનારને શુકદેવ કે પરીક્ષિત જેવું પરમપદ મળતું નથી, અથવા કહો કે કોઈકને જ મળે છે. આનું કારણ શું ? કારણ એ જ કે પરીક્ષિતના જેવી ભૂખ-શાંતિ ને મુક્તિ માટેની- તરસ માણસના દિલમાં ભાગ્યે જ જાગે છે. કદીક તે જાગે છે તો ચિરકાલ લગી ટકતી નથી. આથી માણસનું જીવન ઈશ્વરકૃપાથી ધન્ય થઈ શકતું નથી.

જેનામાં સાચું મુમુક્ષુત્વ જાગ્યું છે તે તો બનતી વ્હેલી તકે શાંતિ કે પરમાત્માને મેળવવા તલપાપડ બનશે, કેમ કે તે જાણે છે કે આ નશ્વર શરીરનો કોઈ ભરોસો નથી. માટે તેની દ્વારા ઉત્તમ પુરુષાર્થ સાધવામાં પ્રમાદ કરવો ઠીક નથી. મુક્તિને માટેની તીવ્ર ઈચ્છા તેને પ્રમાદી થવા દેતી જ નથી. આવું મુમુક્ષુપણું આકાશમાં સૂર્યોદય પહેલાં આવતી મનોહર ઉષા સમાન છે: અથવા તો કહો કે પ્રેમાબ્ધિ જેવા પરમાત્માને માટે પૂર્ણિમાના ચંદ્ર સમાન છે: તેની પછી સત્યરૂપી સૂર્ય પ્રકટશે, અથવા પ્રેમસાગર પરમાત્મા તેનો ઉદય થતાં ઉલ્લાસથી સર્વસ્વ દાન કરવા ઉછાળા મારશે એ નક્કી છે.

Today's Quote

We judge ourselves by what we feel capable of doing, while others judge us by what we already have done.
- Longfellow

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok