if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન: વેદ ઈશ્વરપ્રણીત છે એવું કહેવામાં આવે છે તે સાચું છે ?

ઉત્તર: ઈશ્વરપ્રણીતનો અર્થ તમે કેવોક કરો છો ?

પ્રશ્ન: ઈશ્વરપ્રણીત એટલે ઈશ્વરે બનાવેલા. વેદ કોઈ મનુષ્યે નહીં, પરંતુ ઈશ્વરે બનાવેલા છે. એવી વાત પ્રચલિત છે, તે શું બરાબર છે ?

ઉત્તર: વેદ ઈશ્વરપ્રણીત છે. એનો અર્થ એવો નથી કે તે કોઈ દેહધારી માનવે નહીં, પરંતુ ઈશ્વરે બનાવેલા છે. વેદોનું મહત્વ બતાવવા, ગૌરવ જાળવી રાખવા, એવી વાત વહેતી મૂકાઈ હોય, કે પ્રચાર પામી હોય તે ભલે. પરંતુ હકીકતમાં તો તે વાત સાચી નથી, એવું કહ્યા સિવાય છૂટકો નથી. કેમ કે વેદમાં કેટલાક મંત્રો ને કેટલીક ઋચાઓમાં ઋષિઓનાં નામ પણ આવે છે. એ મંત્રો કે ઋચાઓ તો તે ઋષિઓએ રચેલી છે તે સ્પષ્ટ છે. વળી વેદની બધી જ ઋચાઓ એટલી બધી ઉચ્ચ જ્ઞાનથી ભરેલી અથવા તો સારગર્ભિત છે એવું પણ નથી. એવી ઋચાઓ ઈશ્વરે રચી છે એમ માનવું ડહાપણભર્યું નથી લાગતું. ઈશ્વર એવી લૌકિક લાલસાથી ભરેલી, સાધારણ ઋચાઓને શા માટે લખે ? ઈશ્વરનું લખાણ એવું સાધારણ ના હોય.

પ્રશ્ન: તો પછી વેદ ઈશ્વરપ્રણીત છે એવું તમે નથી માનતા ?

ઉત્તર: તમે જે અર્થમાં એવું માનો છો એ અર્થમાં હું નથી માનતો. વેદો કોઈ દેહધારી મનુષ્યની રચના નથી, પરંતુ ઈશ્વરની રચના છે, એમ માનવું બરાબર નથી લાગતું. એ હકીકતનો સ્વીકાર કરીએ તો પણ વેદ ઈશ્વરપ્રણીત છે એવું સમજી ને સમજાવી શકાય છે.

પ્રશ્ન: તે કેવી રીતે ?

ઉત્તર: દરેક પ્રકારનું ઉચ્ચ આત્મજ્ઞાન પરમાત્મામાં રહેલું છે, ને પરમાત્માની પાસેથી કે પરમાત્માની કૃપાથી જ માણસને મળતું હોય છે. જ્ઞાન પરમાત્માનું જ સ્વરૂપ છે. અને તેથી જ પરમાત્માની પેઠે જ કાયમને માટે રહેનારું કહેવાય છે. પણ હૃદય જ્યારે નિર્મળ બને છે, જીવનમાં સત્વગુણનો ઉદય થાય છે, અને ધ્યાન, ધારણા ને સમાધિ જેવી અંતરંગ સાધનામાં માણસ આગળ વધે છે, ત્યારે જ્ઞાન એને અંતરના ઊંડાણમાંથી આપોઆપ મળે છે. જ્ઞાનને એ મેળવે છે કે પ્રકટ કરે છે ખરો, પરંતુ જે જ્ઞાન એને મળે છે તે તો સનાતન તથા ઈશ્વરીય હોય છે. એ ઈશ્વરીય જ્ઞાનની અભિવ્યક્તિનું એ તો કેવળ સાધન જ બને છે. એટલે જે જ્ઞાન ઈશ્વરનું છે, ઈશ્વરની પેઠે સનાતન છે, ને ઈશ્વરની કૃપાને પરિણામે પ્રાપ્ત થાય છે, તેના પર તે માલિકીપણાનો સિક્કો નથી મારતો, પરંતુ તે જ્ઞાન ઈશ્વરપ્રણીત કે ઈશ્વરનું છે, એમ કહી બતાવે છે. એમાં એની નિરાભિમાનીતા ને નમ્રતા દેખાય છે. વેદના ઋષિઓ એવા જ નિરાભિમાની ને નમ્ર હતા. જે જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું તેના તે માલિક નથી, પરંતુ દ્રષ્ટા છે, એનું ભાન હોવાથી જ તેમણે કહ્યું કે વેદો અમારા લખેલા નથી, પરંતુ ઈશ્વરે રચેલા છે. ઈશ્વરે અમારી અંદર રહીને અમને હથિયારરૂપ બનાવીને, એ જ્ઞાનનો પ્રકાશ પાડ્યો છે, ને તેને સંસારના હિત માટે વહેતું મૂક્યું છે. આ દૃષ્ટિ તમને સમજાઈ ? જો સમજાઈ હશે તો વેદને ઈશ્વરપ્રણીત કેમ કહેવામાં આવે છે તે સહેલાઈથી સમજી શકશો.

પ્રશ્ન: એ રીતે તો બધી જાતનું આત્મજ્ઞાન ઈશ્વરપ્રણીત જ કહેવાય અને એ જ્ઞાનના ગ્રંથો પણ દાખલા તરીકે બાઈબલ, અવસ્તા, ગીતા વગેરે.

ઉત્તર: બરાબર છે, જે વાત વેદને લાગુ પડે છે તે આત્મજ્ઞાનના બીજા ધર્મગ્રંથોને પણ લાગુ પડે છે. પરંતુ તેનો સ્વીકાર કરવા જેટલી ઉદારતા ને હૃદયની વિશાળતા હશે તો જ તમે તેને સમજી શકશો. જો તમે સંકુચિત દિલના કે કટ્ટર હશો, તો આ વાતને સમજ્યા છતાં પણ નહીં સ્વીકારો.

પ્રશ્ન: કેટલાક લોકો કહે છે કે વેદ ઈશ્વરપ્રણીત છે. ત્યાં તેમના કથનના અનુસંધાનમાં, ઈશ્વરપ્રણીત શબ્દનો અર્થ શો સમજવો ?

ઉત્તર: ઈશ્વરપ્રણીત શબ્દના ભાવાર્થ વિશે મેં આ વિભાગમાં પહેલા ચર્ચા કરેલી છે છતાં, તમારી જીજ્ઞાસાને સંતોષવા માટે એટલું કહી શકાય કે વેદ અપૌરુષેય અથવા તો ઈશ્વરપ્રણીત છે એનો અર્થ એ છે કે વેદનું જ્ઞાન અનાદિ છે. જે ઋષિઓએ એ જ્ઞાનને રજૂ કર્યું છે, તેઓ તે જ્ઞાનના માત્ર દ્રષ્ટા છે, કર્તા નથી. ઈશ્વરની કૃપાથી તેમને તે જ્ઞાન લાધ્યું છે. એટલે એ દિવ્ય જ્ઞાનના એ સંદેશાવાહક છે એમ માનીને, પોતાની માલિકીપણાની મહોર તે એ જ્ઞાન ઉપર નથી મારતા. જ્ઞાનને એ ઈશ્વરનું માને છે એમ જ નહિ, પરંતુ ઈશ્વરની કૃપાથી જ પ્રગટ થાય છે એમ સમજે છે. પોતે તો જ્ઞાનના પ્રકટીકરણના એ મહાન કાર્યમાં માત્ર સાધનરૂપ છે એવી એમની અનુભૂતિ છે. તેથી જ તે જ્ઞાન ઋષિપ્રણિત નથી, પરંતુ ઈશ્વરપ્રણીત છે એવું પરાપૂર્વથી કહેવાયેલું છે.

પ્રશ્ન: એનો અર્થ તો એ થયો કે માણસ એ જ્ઞાનને લખે છે, બોલે છે, કહે છે કે પ્રગટ કરે છે; પરંતુ એનો યશ પોતાને નહિ પણ ઈશ્વરને આપે છે. એવું તો બધી જ જાતના જ્ઞાનના સંબંધમાં કહી શકાય એમ તમને નથી લાગતું ?

ઉત્તર: બધી જાતના જ્ઞાનના સંબંધમાં કહી શકાય. પરંતુ વેદનું જ્ઞાન અધ્યાત્મજ્ઞાન છે. પવિત્ર હૃદયવાળા મહાપુરુષોને જ તે પ્રાપ્ત થયેલું છે તથા પ્રાપ્ત થયું છે પણ ઘણી જ અજબ રીતે. કેટલાક ઋષિઓએ તો સમાધિની ઊંડી દશામાં કેટલીક ઋચાઓની પ્રાપ્તિ કરેલી છે. કેટલાક મંત્રોને તેમણે સમાધિની દૈવી દશામાં આપોઆપ જ સાંભળ્યા છે. પછીથી, વિશ્વના કલ્યાણ માટે, તેમણે તે ઋચા કે મંત્રોનો ઉપદેશ કર્યો છે. દુનિયામાં બીજા જ્ઞાન સંબંધી આવું ભાગ્યે જ બની શકે. બીજુ જ્ઞાન મન ને બુદ્ધિની પરિધિમાંથી આવે છે ત્યારે આ જ્ઞાનનો ઉગમ મન અને બુદ્ધિની પારના પ્રદેશમાંથી થાય છે. એ તફાવતને તમે સમજી શકો છો ? જો કે આખો ય વિષય અનુભૂતિનો છે. પરંતુ બુદ્ધિથી તમે એને થોડો ઘણો પણ સમજી શકશો.

પ્રશ્ન: મન ને બુદ્ધિની પારના પ્રદેશમાંથી જ્ઞાનનું અવતરણ થાય છે, એ વાત સાચી છે ?

ઉત્તર: તદ્દન સાચી છે. માણસ જ્યારે મન ને બુદ્ધિની પારના પ્રદેશમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે તે પ્રદેશમાં રહેલા પરમાત્મતત્વ સાથે તેનો સંબંધ બંધાય છે. એ સંબંધના પરિણામરૂપે, એને કેટલાય અસાધારણ અનુભવો થાય છે, અને કેટલાક ઉચ્ચકક્ષાના, આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવા, અતિન્દ્રીય જ્ઞાનની પણ ઉપલબ્ધિ થઈ રહે છે. એ બધી અનુભૂતિઓની સંપૂર્ણ સમજ તમને કેવળ વિચારશક્તિ કે બુદ્ધિથી નહિ મળી શકે. તમારી સાધના પણ તે માટે બળવત્તર હોવી જોઈશે. કેમ કે વાદવિવાદથી નહિ, પરંતુ સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી અને આગળ વધવાથી જ કેટલીક સાધનાત્મક હકીકતો બરાબર સમજાતી હોય છે.

પ્રશ્ન: ત્યારે એક અવસ્થા એવી આવે છે કે જ્યારે સાધકને અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ? અને એ પણ સમાધિ અવસ્થામાં ?

ઉત્તર: હા, એ વાત સંપૂર્ણપણે સાચી છે અને અનુભવગમ્ય છે.

પ્રશ્ન: જ્ઞાનની ઉપલબ્ધિ માટેની કોઈ બીજી ભૂમિકા છે ખરી ?

ઉત્તર: બીજી એક ભૂમિકા છે, અને સર્વોત્તમ ભૂમિકા છે, પરંતુ તે ભૂમિકાને સમજવાનું કામ પંડિતો, વિદ્વાનો, સાધકોને કે યોગીઓને માટે પણ મુશ્કેલ છે. ઈશ્વરદર્શન કરી ચૂકેલા, સાક્ષાત્કારી મહાપુરુષો પણ એ ભૂમિકાને સહેલાઈથી નહિ સમજી શકે. તો પછી બીજાની તો વાત જ શી કરવી ? ઈશ્વરના દર્શન પછી કોઈક વિરલ મહાપુરુષોને જ એ ભૂમિકા પ્રાપ્ત થાય છે. વિરલ એટલે યુગો વીતી જાય પછી કોઈ એક ઈશ્વર કૃપાપ્રાપ્ત મહાપુરુષને જ. યુગો વીતે છતાં એવી અલૌકિક અવસ્થા કોઈને ના પણ મળે. ભારતમાં ને ભારતની બહાર, એવી અવસ્થાવાળા મહાપુરુષો ભાગ્યે જ થયા છે. નથી થયા એમ કહીએ તો ચાલે. એ અવસ્થા કેવી છે તે જાણો છો ? એ વખતે ઈશ્વર પોતે મહાપુરુષના શરીરમાં પ્રગટ થાય છે. ચોવીસે કલાક પ્રગટ થયેલા રહે છે. બોલે છે, લખે છે કે કામ કરે છે. સમાધિદશા દરમ્યાન નહિ, પરંતુ સ્થૂલ ભૂમિકામાં એ બધી રીતે કામ કરે છે. સમાધિ દશા દરમ્યાન જે પરમાત્મતત્વનો અનુભવ થાય છે તે હવે પાર્થિવ શરીરમાં અથવા તો એનાં અંગોપાંગોમાં ઊતરી આવે છે અને પોતાની ઈચ્છાનુસાર બધું કરવા માંડે છે. જ્ઞાનની અભિવ્યક્તિ પણ એ જ કરે છે. એ જ્ઞાનને ઈશ્વરનું અથવા તો અપૌરુષેય કહી શકાય.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.