if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જનતાનો સંપર્ક તજીને જનતાની છોડી સેવા
મહાન પુરુષોએ આજીવન આરંભ્યું એકલ રે'વા;
સૂગ સમાજ તણી સેવીને કર્મમાત્ર અજ્ઞાન ગણ્યું,
મિથ્યા માયા માન્યું સઘળું, જીવન ને જગ સ્વપ્ન કહ્યું;

સહન સમાજે કર્યું ત્યારથી દીનતા વધી દેશ મહીં,
નિષ્કર્મણ્ય તમોગુણ ડૂબી પ્રજા પછી કૈં ક્લેશ મહીં.
ભારતમાં જ્યોતિર્ધર સાચા સમય સમય પર પ્રકટ થયા,
સેવા સ્નેહ સમષ્ટિસુખનો સત્ય ધરી સંદેશ ગયા.

સર્વહિત તણી લઈ અભિપ્સા નરપુંગવ પાછા પ્રકટ્યા,
માનવતાનો મહિમા ગાઈ સેવાના મંત્રો અર્પ્યા.
એ વિધ એક શતકથી લગભગ થયાં હતાં નવયુગ મંડાણ,
જ્યોતિર્ધર એકેક જાગતા નવા પૂરવા રાષ્ટ્રે પ્રાણ.

એ પરંપરામાં પ્રકટીને ગાંધીએ પણ જગવી જ્યોત,
મહાનદી જાણે આવીને રહી સમાવી સુંદર સ્ત્રોત.
*
લોકસંપર્કને કાજે દેશને ને નિહાળવા
ગાંધી ફરી રહ્યા દેશે પ્રજાનો ખ્યાલ લાવવા.
અવિદ્યાભીતિ દેખાઈ સમાજે જડતા વળી
કુસંપ ક્લેશની જ્વાળા તેમ નીરસતા ઘણી.

દબાયેલી પ્રજા આખી દીનહીન ગુલામડી
વિદેશી શાસને જાણે છેક નિષ્પ્રાણ શી પડી.
ભેદભાવ નિહાળ્યા ને વહેમો પણ કેટલા,
અમીરો અલ્પ ને દીઠા રંક તારક જેટલા.

એક વાર વિરાજેલો સમૃદ્ધિશિખરે જઈ
દેશ સંસ્કૃતિનો સ્વામી સુખી સર્વપણે થઈ
કેવો આર્ત બન્યો આજે ગર્તામાં ક્યાં ગયો પડી,
અવલોકી અવસ્થાને અંતરાત્મા રહ્યો રડી.
 

આઝાદીના સહુ પ્રથમ તેં દેશ, સંદેશ આપ્યા,
બક્ષી છાયા શરણ જનનાં કારમાં કષ્ટ કાપ્યાં;
દેવોથીયે અધિક મહિમા માનવીનો કહ્યો તેં,
બંધાયો તો અગણિત અહા બંધનોથી કહે શે ?

તારી કાયાપલટ કરવા કારમો જંગ ખેલું,
આનંદું જો તુજ હૃદયમાં નવ્ય કો રંગ રેલું;
તારી મુક્તિ સુખદ સમજી સાધના શ્વાસ ધારું;
માતાસેવા-સુખ શિશુ તણો ધર્મ છે, ના વિસારું.
*
એવા ભાવ મહીં ડૂબી પ્રવેશ્યા એક ગામમાં
દીનહીન હતા લોકો દુઃખી ખૂબ તમામ જ્યાં.
અર્ધનગ્ન સમા લોકો શુભાગમનને સુણી
ભાવભીના થઈ આવ્યા સત્કારવા થઈ ઋણી.

ઉપદેશ તણા શબ્દો આશા સાંભળવા કરી,
પ્રણામ કરવા લાગ્યા સંતને ટોળલે વળી.
સંત ગાંધીતણું હૈયું હાથમાં પણ ના રહ્યું,
નિહાળી ગ્રામવાસીને અંતરે એમના કહ્યું :

ઈશ્વરનો સંદેશ સુણાવું ધર્મ તણો કે શું આદેશ,
શાસ્ત્રોપદેશ પણ શું આપું આ લોકોને આવે વેશ ?
કંપે ક્લેશે કૂણાં કાળજાં, કષ્ટ છવાયાં કૈંક અહીં,
અન્ન-વસ્ત્ર-આવાસ-સમસ્યા વ્યથાતુર કરી રોજ રહી.

ઈશ્વર કે શાસ્ત્રોની વાર્તા પાસ એમની શું કરવી,
ક્ષુધાર્ત કે કંગાળ જનોને આતમદીક્ષા શું ધરવી ?
અન્ન એ જ ઈશ્વર આ સૌનો, આવશ્યકતા અન્ન તણી;
આધ્યાત્મિક નૈતિક ઉપદેશો સાર્થક ત્યાં લગ થાય નહીં.

આવશ્યકતાઓ જીવનની પ્રાપ્ત થાય પરિપૂર્ણપણે,
જીવન સૌનાં ન્યાયનીતિ ને શાંતિ થકી સંપન્ન બને;
ક્ષુધાર્ત કોઈ રહે ન ક્યાંયે આશ્રયની ચિંતા ન રહે,
ક્લેશ કપાયે, કષ્ટ ટળે, સૌ જીવનનો ઉલ્લાસ લહે;

પ્રયત્ન કરવો એને માટે એ જ સાધના સાચી આજ,
જીવે જેથી જનતા જગમાં સુખે સાચવીને નિજ લાજ.
અનંત દાઝ ભરી અંતરમાં ધપું નિરંતર સેવા વાટ,
આજ કયે મોઢે આ સૌને ઉપદેશું ઈશ્વરની વાત ?

કહ્યું એમણે સૌ સાથીને વસ્ત્રો આ સઘળાં ત્યાગું,
વસ્ત્ર દેહ પર બે જ વીંટવા હવે પછી સાદાં માંગું.
નગ્ન જનો છે જ્યાં લગ દેશે વધુ વસ્ત્રો ત્યાં લગી હરામ,
એ સંકલ્પ કર્યો મેં તજવા પરિગ્રહો કે ભોગ તમામ.

ભોજન ના પર્યાપ્ત દેશમાં વીંટવા તણાં વસ્ત્ર વળી,
પર્યાપ્ત નથી નિવાસસ્થાનો, દુઃખદર્દ ના ગયાં ટળી.
ભેદભાવની દીવાલ ભારે વાદ તેમ અપવાદ મહીં
સપડાયાં છે સહસ્ત્ર, ક્યાંયે સંપ-સ્નેહ-સહકાર નહીં.

તન ને મન બેહાલ બન્યાં, અંતર આર્ત કઠોર થયાં,
આત્માના અવશેષ રહ્યા છે, જીવનમાંથી જોમ ગયાં.
અભિમંત્રિત અનુપ્રાણિત કરતાં બેઠો કરવો એવો દેશ;
આવે વખતે ભોગવિલાસે રમી શકીએ કેમ જ લેશ ?

પરિગ્રહી ને સ્વાર્થી બનતાં શ્વાસ આજ લેવાય નહીં,
ભેખ ધરીએ જનસેવાનો, જીવન અમૂલખ જાય વહી.
જનસેવા-પ્રભુસેવા કેરો સમન્વય કરી દેવો આજ,
અશક્ય તો એકેય રહે ના માનવના મંગલનું કાજ.

રોમરોમમાં રાગ જગાવી રાષ્ટ્રપ્રેમથી પ્રાણ ભરી
માનવતાના મંગલ માટે કાયાને કુરબાન કરી,
પ્રમાદ-આળસ-ભેદભાવના દંભ-દર્પ-અજ્ઞાન તજી
વિરાજતા સર્વત્ર ઈશને ભાવના થકી રહો ભજી.

જિંદગીભર ગાંધીએ અનુકંપા ભરી ઉરે
કાયાને બે જ વસ્ત્રોથી ઢાંકી શીતોષ્ણમાં બધે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.