if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આપણી અવની મહીં જ્યારે અધર્મ વધે,
ન્યાયનીતિ વિલાય નૃત્ય કરે અનર્થ બધે,
દંભ હિંસા કપટ કેરો દોર હો છૂટો,
માનવ માનવ મટે, ઈશ્વર બને જૂઠો.

આગ ઘોર અશાંતિની વધતી વળી જાયે,
જડ જગતમાં માનવી મોહાંધશો થાયે,
કો'ક જ્યોતિર્ધર જગતમાં જાગતા ત્યારે
પ્રેરણાઆશા લઈને આવતા વા'રે.

અંધકાર તણો સદા પ્રતિકાર પૂર્ણ કરે,
અવનવીન પ્રકાશ અર્પી નવા મંત્ર ધરે,
જાય માનવતા તણા જયકારને કરતા,
મહીને મૃતપ્રાય શી જીવન નવું ધરતા.

સંતપયગંબર ફિરસ્તા માનવી માને
ઓળખે અવતારરૂપે, પધારે પ્રાણે
પ્રેમ માનવતા તણો દૈવી અખૂટ ભરી
મધુમયી કરવા મહીને દિવ્ય દેહ ધરી.

ઝઝૂમે એ ન્યાય નેકી ધર્મને માટે
સ્વાર્થ ત્યાગી વિપદ વેઠી શીશને સાટે,
માન ને અપમાન જય ને હાર ગૌણ ગણી
કરે સાધન સમર્પી સંપત્તિને સઘળી.

અવરને કાજે તજે ઐશ્વર્ય ને ભોગો,
ડગે ના સતથી ભલે હો યોગપ્રતિયોગો,
થાય પૂજા કે અવજ્ઞા પ્રેમનાં પાણી
એમને અંતર મટે ના ના કરે હાનિ.

શાંતિને માટે ફકીરી ગૌતમે લીધી,
બોધિ પામી જ્ઞાનગંગા અન્યને દીધી;
અમૃતપદ કૈવલ્યના ઐશ્વર્યને લભવા
મહાવીરે હર્મ્ય છોડી સિધાવ્યા વનમાં.

પરમ પ્રેરક ત્યાગ એ એની પ્રશસ્તિ મહીં
કવિજનોની કલ્પના કાવ્યે અનેક વહી;
રામદાસ સમર્થનો ને ત્યાગ રામ તણો
અન્ય અજ્ઞાતે હશે એવો જ ત્યાગ કર્યો.

એ સૌમાં ત્યાગ ગાંધીનો અનેરી ભાત પાડતો,
થયો ધન્ય દિને એક શંકા સર્વ મટાડતો.
અતિમંથનને અંતે આવ્યું અમૃત હાથમાં
તેમ ત્યાગ થયેલો એ હતો ના વાતવાતમાં.

સંકલ્પો દિવસો કેરા બની સુદૃઢ શા ગયા,
દેશભક્તિ તણા ભાવો વજ્રલેપ સમા થયા,
ત્યારે ગાંધીમુખે જાગી ગંગા શી ગરવી ગિરા,
માણીને મધુતા જેની ધન્ય ધન્ય વદી ધરા.

જ્યાં લગી મુક્તિ મળે ના દેશને મારા
ગુલામીનાં જુગજૂનાં તૂટે નહીં તાળાં
ત્યાં લગી આશ્રમ મહીં પાછો ન આવું હું,
બિલાડાં ને શ્વાનમોતે મરું તોયે શું ?

એ સમે સાબરમતી આશ્રમ મહીં ગાંધી
વાસ કરતા ભક્તમંડળ પ્રેમથી બાંધી
થયું મંડળ સ્તબ્ધ આખું સાંભળી વાણી;
લાગણીવશ બન્યો સૌ સેવક-સખા-દાની.

કર્યાં કૈંયે ત્યાગ મુક્તિ શાંતિને માટે
સત્ય સાક્ષાત્કાર કરવા જવા વનવાટે,
ત્યાગ આ ઈતિહાસમાં પણ અનોખો જ થયો,
દેશપ્રેમી કાજ કપરો કયો ત્યાગ કહ્યો ?

દર્દબંધન દૂર કરવા માનવી કેરાં
તજ્યો આશ્રમ એમણે પરમાત્મના પ્રેર્યા,
લાકડી કરમાં લઈને શાંતિથી ચાલ્યા,
રડ્યાં પ્રાર્થ્યાં તેમ હૈયાં હજારો હાલ્યાં.

મ્લાન ભારતમાત એ આનંદી પર્વ શી પળે,
ધરિત્રી સ્વર્ગના દેવો ઘડી ઉત્સવની ગણે.
પ્રતિજ્ઞા ભીષ્મના જેવી પ્રતાપી ભાવથી ભરી,
દેશ માટે હશે એવી વિરલા જ જને કરી.

કરીને સ્મૃતિ શબ્દોની દેશપ્રેમ પ્રતીક આ
કવિનું દિલ ડોલે છે, આનંદાશ્રુ રહે સરી.
સુવર્ણાક્ષરથી સાચે આલેખાશે પ્રસંગ આ
ચારુ ચંદ્ર સમો કૈંને પાતાં પરમ પ્રેરણા.

દાંડીકૂચ પહેલાં એ દિવ્ય વાણી વદાયલી
પ્રકાશ રેલતી રે'શે યુગોયુગ ગવાયલી.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.