નિરાશા

મનુષ્ય રિપુ માનવા મનુજને જ માંડ્યો મહા,
અખંડ નિજભ્રાતૃભાવ દફનાવતાં અંતરે
બન્યો પશુ થકીય હીન જડશો વિવેકાંધ ને
રહ્યો નરક સર્જતો પરમ ઘોર સંસારમાં;

અનર્થ કરતાં અનીતિમય નૃત્યલીલા મહીં
પ્રમત્ત બનતાં રહ્યો હૃદયહીન આનંદતો,
અનંત અપરાધ પાપરત પ્રેત જેવો બન્યો;
કઠોર મનનો પ્રતિધ્વનિ જરા અહીંયે પડ્યો.

વ્યથા મનુજયાતના નીરખતાં વધી સંતની,
ઊઠ્યાં કરુણ ક્રંદનો ઉર મહીં, શિરાઓ બધી
ઠરી કટુ વિષાદના વિષભર્યા તુષારે રહી,
વિલીન મધુકલ્પના સુખદ સ્વર્ગ કેરી થઈ.

શતાયુ બનવા તણી રુચિ મને હવે ના રહી,
રુચે અધિક જિંદગી તિમિરથી ભરેલી નહીં,
વદ્યા હૃદયમાં ભરી પરમ સંત સંવેદના
રહ્યો અનલ આકરો સતત આત્મ મારો દહી.

અરણ્યરુદન સમાન વચનો વહાવું સદા
પ્રશાંતિ સમભાવ સંપ સહયોગ સૌહાર્દ્રનાં,
સુણે જન નહીં કરે અમલ એમનો લેશ ના,
થકી હૃદય રોમ રોમ વસમી વિચારી વ્યથા.

જનો મુજ મટ્યાં સલાહ સુણતા મહારી નહીં;
બની મનુજ આસુરી દનુજ ખેલ ખેલી રહ્યો
વિઘાતક, નિહાળવાં નવ ગમે મને દૃશ્ય એ,
સહાય અસહાય જીવન અશાંત લાચાર શે ?

એ થકી તો લે લઈ સદ્ય આ જગથી મને
એ જ ઉત્તમ ભાસતું પરમાત્મ પોતાની કને.
કામ ના આવી શકું દેશદુનિયાને હવે,
ના તિમિર ટાળી શકું રવિ જેમ અજવાળે નભે :

તો ભલે આ જિંદગી થઈ જાય સમાપ્ત હા !
પર્ણ જેમ ખરી પડે અંગ, એનો મોહ ના.

વ્યથાતુર અશાંત એ સતત મંથનો ઊર્મિથી
બન્યા કરુણ શા કર્યા પ્રકટ કૈંક ઉદગાર એ,
છતાં કિરણ રેલતા પથ પરે અનેરાં રહ્યા;
મુલાયમ મહાનનાં મન કઠોર કાવ્યે કહ્યાં.

પરિશ્રમ કર્યો અપાર રસપ્રેમશ્રદ્ધા થકી
સજી અડગતા હિમાદ્રિસમ વૃષ્ટિ સામે ટકી,
થયા ચલિત ના ડરી વિષમ ઘોર તોફાનથી,
વધ્યા પથ પ્રવાસને કુશળ શા થઈને રથી.

સહ્યાં શબદનાં શરો વિવિધ માર શસ્ત્રાસ્ત્રના
સહ્યા પ્રખર તાપ તોપણ સદૈવ છાયા બન્યા;
મહોદધિ ઉરે રહ્યો મનુજપ્રેમનો ઊછળી
મટ્યો નવ ઘટ્યો સમસ્ત વસુધા સુધાથી ભરી.

Add comment

Security code
Refresh

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.