if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ત્યાગ કે સંન્યાસ કાંઈ રમત નથી. તેનો આશ્રય લેવાનું કામ કઠિન છે. તેને પચાવવાનું કપરૂં છે. માણસ સ્વભાવથી સમાજમાં ભળવા માટે ટેવાયેલો છે. તેને એકાંતમાં રહેવું ભાગ્યે જ ગમે છે. એ વિચારથી પ્રેરાઈને તો આપણે ત્યાં નજરકેદની સજા શોધવામાં આવી છે. માણસને ખાવાપીવાની, વાંચવાની ને વસવાની સારામાં સારી સગવડ આપવામાં આવે છતાં તેને એકલા રહેવું મુશ્કેલ લાગે છે. મિત્રો ને બીજા માણસોને મળવાનું ને પ્રિયજનો સાથે ફરવાનું તેને સારું લાગે છે. જરાક કામમાંથી નવરાશ મળી એટલે તેને ક્યાંક જવાની કે કોઈની સાથે વાતે વળગવાની ઈચ્છા થાય છે. ઉપનિષદકાર સાચું કહે છે કે વિધાતાએ મન ને ઈન્દ્રિયોને પહેલેથી જ બહિર્મુખ બનાવી છે, એટલે તે બહારના પદાર્થોમાં ફર્યા જ કરે છે. તેમના પુરાણા પ્રવાહને પલટાવીને તેમને અંતર્મુખ કરવાનું કામ શું સહેલું છે કે ? લાંબા વખત લગી એકાંતમાં રહીને તેમણે પ્રભુપરાયણ કરવાનું કામ સરલ છે કે ? માણસો કેટલીક વાર ક્ષણિક આવેશમાં આવી જાય છે ને કહેવા માંડે છે કે ભાઈ, હવે તો આપણને કંટાળો આવી ગયો છે, વૈરાગ્ય થઈ ગયો છે. બસ હવે તો આપણે બધું છોડીને ચાલી નીકળીશું. કાશીવાસ કરીશું કે પછી વૃંદાવન કે હિમાલય જઈને રહીશું. એમ પણ કહે છે કે હવે તો સંસાર કડવો લાગે છે. તેમાં કાંઈ જ સુખ નથી. હવે તેને છોડી દેવાનો જ વિચાર છે.

આપણે તેમને સલાહ આપીએ કે ભાઈ, એમ કાંઈ બધું છોડી ના દેવાય, બધું છોડીને ત્યાગી થઈને ઈશ્વરપરાયણ થવાનું કામ કપરૂં છે. વળી બહાર વાતાવરણ પણ જોઈએ તેવું સારું નથી. માટે ઘરમાં રહીને જ પ્રભુપરાયણ બનો તો તે વધારે જોરથી બોલવા માંડે છે કે ના, હવે તો સંસારમાં ગમતું જ નથી. પણ જ્યારે સંસારને છોડીશુ ત્યારે અમે તો વીરતાપૂર્વક ને દિવસે છોડીશું. બુદ્ધ ભગવાનની જેમ રાતે નહિ છોડીએ. ભલેને અમારા વૈરાગ્યની બધાને ખબર પડી જાય. બોલવામાં ને કરવામાં કેટલો બધો ફેર છે !

આવા એક ભાઈ થોડાંક વરસો પહેલાં હિમાલયમાં આવી ગયા હતા. ચારપાંચ મહિના ત્યાં રહ્યા પણ ખરા. પણ પછી તેમના શ્રીમતી તેમને મળવા ને બની શકે તો મનાવવા આવ્યાં ને થોડા દિવસના ગજગ્રાહ પછી તે પોતાને મૂળ વતન પાછા ફર્યા. એક બીજા ભાઈ મુંબઈમાં રસોઈનું કામ કરતા હતા તે નોકરી છોડી દઈને હિમાલય આવ્યા. રસ્તામાં હરદ્વારમાં પોતાના કપડાં ને પૈસા પંડાઓને આપી દીધા. મારી પાસે દેવપ્રયાગમાં આવ્યા ત્યારે તેમની પાસે એક પહેરેલું ધોતીયું હતું. મને કહે, મને કોઈ મહાન ગુરૂનું નામ–ઠામ આપો. મેં હવે હિમાલયમાં રહેવાનો નિર્ણય કર્યો છે, ને એવા સમર્થ સદ્ ગુરૂની સેવા કરવાની ને શાંતિ મેળવવાની મારી ઈચ્છા છે. મેં જવાબ આપ્યો કે તમારો હેતુ ઘણો સારો છે. પણ મારી જાણમાં એવા કોઈ સમર્થ સદ્ ગુરૂ નથી જે તમને શાંતિ આપી શકે. હા, સેવા કરાવવા તૈયાર થનારા સંતો ઘણા મળશે. તમે આ જીવનને પચાવી શકશો નહિ. વળી તમારી સમજ પણ કાચી છે. એટલે મારી તો તમને એ જ સલાહ છે કે તમે ફરી મુંબઈ જાવ ને કરતા’તા તે કામ શરૂ કરો. ત્યાં રહીને તમે વૈરાગ્ય કેળવો ને પ્રભુનો પ્રેમ વધારો.

પણ તે ભાઈને મારી વાત ગમી નહિ. તેમણે કહ્યું કે મને વૈરાગ્ય થઈ ગયો છે ને તેથી હું આટલે દૂર આવ્યો છું. હવે હું પાછો નહિ જઉં. એમ કહીને તે વિદાય થયા. બીજે દિવસે વહેલી સવારે તે મારી પાસે આવી પહોંચ્યા, ને કહેવા માંડ્યા : મેં મુંબઈ જવાનો નિર્ણય કરી લીધો છે. કરી શકો તો મને પાંચેક રૂપિયાની મદદ કરો. હું અત્યારે જ મોટરમાં બેસીને ઋષિકેશ જવાની ઈચ્છા રાખું છું.

મેં પૂછ્યું : કેમ ? તમે તો અહીં જ રહેવા માગતા’તાને ?

‘હા, વિચાર તો હતો’ તેમણે ઉત્તર આપ્યો. ‘પણ મને આ વાતાવરણ નહિ ફાવે. મુંબઈ જ મારા માટે સારું છે. મારા શેઠ પણ સારા છે. તે મને જોઈને ખુશ ખુશ થશે ને નોકરીમાં રાખી લેશે.’

મેં તેમને ધીરજ તથા હિંમત આપીને કામકાજ કરતાં કરતાં સાધના કરવાની પદ્ધતિ બતાવી, ને કહ્યું કે તમારો નિર્ણય સારો છે. તે માટે તમને ધન્યવાદ ઘટે છે. પોતાની ભૂલને સમજીને સુધારી લેવામાં ડહાપણ ને વીરતા છે. મારી પાસે તમને મદદ કરવા જેટલી રકમ નથી. પણ એક સાધુપુરૂષનો પરિચય આપું છું તે તમને જરૂર મદદ કરશે ને તે ભાઈ વિદાય થયાં.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.