Wednesday, September 30, 2020

જીવનના શ્રેયનું કામ

જીવનના શ્રેયને માટે કામ કરવાનું કેટલું મુશ્કેલ છે ? કેટલાક લોકો આ પ્રમાણે બોલી ઊઠશે. તેમને આપણે કહીશું કે ભાઈ, મુશ્કેલ કાંઈ જ નથી. જીવનના શ્રેયનું કામ તો મુશ્કેલ નથી જ. તે કરવા માટે તો આપણો જન્મ છે. માનવશરીરની સાથે આપણી જાતનું શ્રેય કરવાની વૃત્તિ આપણને વારસામાં મળી છે. તે વૃત્તિને કેળવો ને પોષો, એટલે કામ ઘણું સહેલું થઈ જશે. જીવનના મંગલનો માર્ગ સરલ છે. તેને વધારે સરલ કરવા માટે કમર કસીને તૈયાર બનો. પ્રલોભનો ને વિઘ્નોની  સામે અડગ રહીને પ્રગતિ કરતા રહો તો સમજાશે કે આત્મિક કલ્યાણના કામ જેવું સરલ કામ બીજું કોઈ નથી.

પરંતુ પરિસ્થિતિ જુદી જ છે. જે પોતાનું સહજ કર્મ છે, તેને ભૂલીને માણસ સંસારના અનેક અટપટા ને અવનવા વ્યવસાયોમાં પડ્યો છે. સંસારનું અવલોકન કરો તો આ વાત સહેજે સમજાશે. દુન્યવી પદાર્થોની તૃષ્ણામાં પડીને માણસ સંસારમાં ભારે પરિશ્રમ કરે છે ને અશાંતિમાં જીવે છે. ઈશ્વરના અનુરાગમાં મસ્ત બનીને ઈશ્વરને માટે જીવન જીવનારા માણસો આ સંસારમાં કેટલાં છે ? પરમાત્માની પ્રીતિ કરીને પરમાત્માના સાક્ષાત્કાર માટે પરિશ્રમ કરનારા માણસો શું આંગળીને વેઢે ગણી શકાય એટલા ઓછા નથી ? વધારે ભાગના માણસો તો સંસારના મોહમાં જ મસ્ત છે ને જીવનના શ્રેયની સાધનાથી છેક અજાણ છે એ ઓછા દુઃખની વાત નથી ? ઉપનિષદ્ માં કહ્યું છે કે જીવનમાં બે માર્ગ છે - એક શ્રેય ને બીજો પ્રેય. એક આત્માના ઉદ્ધારનો અથવા પોતાની જાતના કલ્યાણનો માર્ગ ને બીજો સંસારના સુખનો માર્ગ. જે ડાહ્યો છે, વિવેકી છે, તે સમજે છે કે સંસારના સઘળા પદાર્થો ભેગા થાય, ને વિષયનું સંપૂર્ણ સુખ સાંપડી જાય, તો પણ માનવને શાંતિ મળે તેમ નથી કે જીવન પૂર્ણ ને મુક્ત થઈને સફળ થાય તેમ પણ નથી. શ્રી ને સંપત્તિથી સંપન્ન પુરૂષોને પણ શાંતિની પ્રાપ્તિ માટે પરમાત્માની અનુભૂતિ કરવાના માર્ગે વળવું પડ્યું છે. એથી ઉલટું, પરમાત્માનું શરણ લેનાર તેમજ આત્મિક કલ્યાણને માટે પ્રયાસ કરનારા પુરૂષો સંપૂર્ણ સુખી, શાંતિમય ને બડભાગી દેખાયાં છે. વિવેકી પુરૂષ આ જાણે છે ને તેથી જ પોતાના હિતનો વિચાર કરી, પોતાની જાતના મંગલનો માર્ગ સ્વીકારે છે. જે અવિવેકી ને ટૂંકી દૃષ્ટિવાળા છે, તે સંસારના સુખમાં મગ્ન બને છે, ને જીવનના ઉત્તમ લાભને ખોઈ બેસે છે.

આનો અર્થ એમ નથી કે સંસારના પદાર્થો, વ્યવસાયો ને વિષયોનો ત્યાગ કરીને માણસે કેવળ પરમાત્માપરાયણ થઈ રહેવું એમ આપણે કહીએ છીએ. ના, આપણું કથન તેવું નથી. માણસ પરમાત્મામય બને તે જરૂર ઈચ્છવાયોગ્ય છે. પણ બધા જ માણસો એક સાથે તેવા બની જશે એમ માનવું વ્યર્થ છે. તેમ થાય તો પણ, સંસાર પ્રત્યે ઘૃણા જગાવવાની શિક્ષા નકામી છે. સંસાર પણ પરમાત્માનું જ સ્વરૂપ ને પરમાત્માની રચના છે એટલે તેનો તિરસ્કાર નકામો છે. સંસારના વ્યવહાર ભલે ચાલ્યા કરે; કળ ને કારખાનાં, રેલ ને સ્ટીમર ભલે પોતાનું કામ કર્યા કરે; જુદા જુદા વ્યવસાય કરીને માણસ ભલે પોતાની પસંદગી ને પદ્ધતિ પ્રમાણે આનંદ મેળવે; આપણને તેમાં કાંઈ જ હરકત નથી. આપણે તો એક જ વસ્તુ તરફ સૌનું ધ્યાન ખેંચવા માગીએ છીએ કે આ જીવન કાંઈ સંસારના વ્યવસાયો કરવા ને સંસારનું સુખ ભોગવવા માટે જ નથી. તેની શક્યતા ને શક્તિ ઘણી ભારે છે. માટે તે દ્વારા સંસારનો આનંદ લેવાની સાથે સાથે ઈશ્વરનો પરમાનંદ પામવાનો પ્રયાસ કરો : અલ્પતા, અશાંતિ ને બંધનથી મુક્તિ મેળવો, ને આત્મિક કલ્યાણ પણ કરી લો. શ્રેય ને પ્રેયનો સમન્વય કરવાની અથવા શ્રેય ને પ્રેયની બંને પાંખે ઉડવાની શિક્ષા આપણે સામાન્ય માનવને આપીએ છીએ. અથવા કહો કે તે માટે નમ્રપણે ભલામણ કરીએ છીએ. એ શિક્ષા ગીતામાતાની શિક્ષા સાથે બંધબેસતી કે સુસંગત છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok