Wednesday, September 30, 2020

સંન્યાસી કે યોગી કાર્ય કર્મ કરે છે

જગતમાં બધા જ માણસો કાર્ય કર્મ કરતા નથી. પરમાત્માની પ્રીતિ ને પ્રાપ્તિ દ્વારા પોતાની જાતની મુક્તિ ને પૂર્ણતા મેળવવાનું કામ કરનારા માણસો આંગળીને વેઢે ગણાય તેટલા વિરલ છે. સંસારનું નિરીક્ષણ કરો, તો મહાયોગી ભર્તૃહરીએ જે અભિપ્રાય આપ્યો છે, તે સાચો છે એમ લાગ્યા વિના રહેશે નહિ. જો કે ભર્તૃહરીને થયે કેટલાંય વરસો વીતી ગયાં છે, છતાં તેમના શબ્દો આજે પણ એટલા જ સાચા છે એ વાતનો સ્વીકાર કર્યા સિવાય ચાલે તેમ નથી. તે કહે છે કે રોજ રોજ સૂર્ય ઊગે છે ને આથમે છે, ને રોજ રોજ જીવન ઓછું થતું જાય છે. માણસ માને છે કે પોતે મોટો થયો. પણ દિવસે દિવસે તેનું આયુષ્ય ઓછું થતું જાય છે, એટલે તે કાળની દૃષ્ટિએ નાનો થતો જાય છે. માણસની દશા તો જુઓ, તે અનેક જાતના કામ કરે છે. કેટલાક પ્રશ્નો ઊભા કરે છે ને ઉકેલે છે. કેટલાય કોયડા તેની સામે ઊભા થાય છે. સુખ ને દુઃખ, માન ને અપમાન, નિંદા ને સ્તુતિ, લાભ ને નુકશાન, તાપ ને છાયા તથા જનમ ને મરણના જોડકાંના ઝૂલે ઝૂલનારા માણસને ખબર નથી પડતી કે કાળ કેવી રીતે ને ક્યારે પૂરો થાય છે. સવાર થાય છે ને સાંજ પડે છે ને પાછી સવાર થાય છે. કુદરતનો ક્રમ એ પ્રમાણે સતત રીતે ચાલ્યા જ કરે છે ને એમ એક દિવસ આ ભાડૂતી ઘરને ખાલી કરવાનો વખત પણ આવી જાય છે. સ્વજન, સગાં તથા સ્નેહી ને શત્રુ–અરે સારો સંસાર અહીં જ રહી જાય છે, ને જીવાત્મા બધું છોડીને, કર્મોના પોટલાને માથા પર ઊંચકીને, આગેકૂચ કરે છે. વ્યાધિ ને વાર્ધક્ય તથા બીજા અનેક જાતના દુઃખવાળું આ જીવન વિવેકી માણસોને સુખ આપી શકતું નથી. જે અવિવેકી છે તે તેમાં રમ્યા કરે છે. ડાહ્યા પુરૂષોને મોહ ને મમતામાં આનંદ નહિ આવવાનો. તેમનું મન તો મોહસાગરને તરી જવા માટે તૈયાર થવાનું, ને પરમાત્માના પ્રેમ ને પરમ આનંદનો સ્વાદ લેવા તે તલપાપડ બની જવાના પણ અજ્ઞાની માણસો આથી ઉલટું જ કરવાના. તે તો મોહરૂપી મદિરાના પાનમાં જ મસ્તી માનવાના.

માનવજીવન મેળવીને જે કામ વહેલામાં વહેલી તકે કરવા જેવું છે, તે પરમાત્માનું કામ સંસારમાં સાધારણ માણસો જ ભૂલ્યા છે એમ નથી. કેટલાક ત્યાગી, સાધુ કે સંન્યાસી પણ તે કામ ભુલ્યા છે ને મોહમદિરાની અસર નીચે આવીને અવિવેકી બન્યા છે. મોહરૂપી ડાકિની ખૂબ શક્તિશાળી છે. માણસ જરા પણ ગફલતમાં રહી જાય, એટલે તે તેના અંતરમાં પગપેસારો કરે છે ને પછી પોતાના પગ પહોળા કરે છે. એટલે ત્યાગી પુરૂષોએ પણ ખૂબ ચેતતા રહેવાની જરૂર છે. સંસારના રંગરાગમાં રહીને તેમણે પુષ્કળ સાવધાની રાખવાની છે. જે સાવધ રહે છે ને જીવનપંથને કુશળતાપૂર્વક કાપે છે, તે જ આ ચિત્રવિચિત્ર સંસારમાં સલામત રહી શકે છે. સંન્યાસી તથા ત્યાગીને પણ સાવધાની ને કુશળતાની જરૂર છે.

જીવન એક કલા છે, મહાન નાટક છે; તેનો અભિનય ત્યાગી કે સંન્યાસી પુરૂષે પણ ખૂબ સાવધાનીપૂર્વક કરવાનો છે. કેટલાક ત્યાગી પુરૂષોની તપાસ કરતાં જણાય છે કે તેઓ આ વાત ભૂલ્યા છે ને બીજી આડીવાતમાં પડી ગયા છે. સંન્યાસ કે ત્યાગનું મુખ્ય ધ્યેય પરમાત્માનું દર્શન અથવા મુક્તિ કે પૂર્ણતાની પ્રાપ્તિ છે. તે ધ્યેયને સાકાર કરવામાં જ સંન્યાસીની સાર્થકતા છે. આની સાથે એ પણ યાદ રાખવાનું છે કે ત્યાગી કે સંન્યાસીએ બીજાની સેવા-સહાયતા સારું તૈયાર રહેવાનું છે. આ બે પ્રકારના કામ જ તેણે કરવાનાં છે. તેમાં પણ પોતાની જાતનાં વિકાસનું કામ તો ખૂબ જ મહત્વનું છે. તે કરવાની અનુકૂળતા મળે તે માટે જ તે ત્યાગ કરે છે ને એકાંતસેવન કરી, બીજી સાંસારિક ઉપાધિથી મુક્ત થઈ સાધનાનો આશ્રય લે છે. શાસ્ત્રોએ તેને ત્યાગ કરવાની છૂટ આ માટે જ આપેલી છે છતાં ખેદની વાત છે કે માણસો કેવલ બહારનો ત્યાગ કરીને બેસી જાય છે, ને તે પછી જીવનની ઉન્નતિ માટે કાંઈ જ સાધના કરતા નથી.

કેટલાક સાધુઓ કે ત્યાગી પુરૂષો બહુ બહુ તો પુસ્તકોનું અધ્યયન કરે–કરાવે છે. પણ તેટલાથી શું વળે ? ત્યાગી જીવનનો આદર્શ એથી ઘણો મોટો છે. કેટલાક ત્યાગી કે સંન્યાસી પુરૂષો આશ્રમ ને મઠની પ્રવૃત્તિઓમાં જ સર્વસ્વ સમજીને બેસી રહે છે, તો કેટલાક ધર્મશાળા ને મકાનો બંધાવવાની પ્રવૃત્તિમાં જ આનંદ માને છે. કેટલાક યજ્ઞ કરવામાં ને દવાખાના વગેરે બાંધવામાં કર્તવ્યતા સમજે છે. તે બધી પ્રવૃત્તિઓ સારી છે, ને બીજાના લાભની છે, તેની ના નહિ. પણ એ બધી પ્રવૃત્તિઓની આડમાં પરમાત્માદર્શન કે પૂર્ણતાની મુખ્ય પ્રવૃત્તિ ભૂલવી જોઈએ નહિ. આપણે કહેવાની મુખ્ય વાત આ જ છે. ગીતામાતા પણ આજ વાત કહે છે કે ત્યાગી અથવા સંન્યાસી કાર્ય કર્મ કરવાનું કદી પણ ભૂલતો નથી.

- શ્રી યોગેશ્વરજી

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok