બે જાતની ગતિ

જ્ઞાની કે યોગી પુરૂષે અમુક જ વખતે શરીર છોડવું એવો કોઈ નિયમ છે ખરો ? મહાભારતના પ્રસંગ જાણનાર જાણે છે કે ભીષ્મપિતામહે યોગબળથી છ મહિના સુધી શરીર સાચવી રાખ્યું હતું, ને પછી ઉત્તરાયણમાં શરીર છોડયું હતું. કેમ કે ઉત્તરાયણમાં શરીર છોડવાનો મહિમા શાસ્ત્રોએ બતાવેલો છે. આ વિશે ગીતામાતા પણ બે માર્ગ બતાવે છે અથવા કહો કે બે પ્રકારની ગતિનું વર્ણન કરે છે. એક તો શુકલ ગતિ ને બીજી કૃષ્ણ ગતિ. ગીતામાતા કહે છે કે જે જ્ઞાની પુરૂષો અગ્નિ હોય, જ્યોતિ હોય, દિવસ હોય, શુકલપક્ષ હોય ને ઉત્તરાયણ હોય ત્યારે શરીર છોડે છે, તે પરમાત્માની પાસે પહોંચી જાય છે ને ધુમાડો, રાત્રી, કૃષ્ણપક્ષ ને દક્ષિણાયનના છ મહિના હોય ત્યારે જે યોગી શરીર છોડે છે, તે ચંદ્રલોકને પામે છે ને ફરી જન્મે છે. આ બે ગતિ સનાતન જેવી મનાયેલી છે. તેમાંથી એક ગતિ ફરીવાર જન્મ અપાવે છે, ને બીજી ગતિ મુક્તિ આપે છે.

જુદા જુદા વિચારકોએ આ ગતિ વિશે જુદા જુદા વિચારો રજુ કર્યા છે એટલે આ ગતિ વિશે ચોક્કસ સમજવા માગતા માણસને જરા મૂંઝવણ થાય છે. જો બંને ગતિમાં કહેલા શબ્દોને સાચા માની લઈએ તો કેટલાક પ્રશ્નો ઊઠે છે. એવા કેટલાક સાધારણ માણસો કે સાધકો થઈ ગયા છે જે દિવસે, શુકલ પક્ષ ને ઉત્તરાયણમાં શરીર છોડી ગયા છે. તો શું તેટલા જ પરથી તેમની મુક્તિ થઈ ગઈ એમ માની લેવું ? કેટલાક મહાન જ્ઞાની, યોગી ને ઈશ્વરદર્શી પુરૂષો દક્ષિણાયનમાં, કૃષ્ણપક્ષમાં ને રાતે શરીર છોડી ગયા છે. તો શું તેમનો ફરી જન્મ થશે એમ સમજવું ? ભારતમાં થયેલ છેલ્લા કેટલાક મહાપુરૂષોનો વિચાર કરો તો વાત વધારે ચોક્ખી થશે. આપણે જે મહાપુરૂષોની વાત કરીએ છીએ તે એકલા ભારતના નહિ, પણ સારા સંસારના મહાન પુરૂષો છે. તેમની મહાનતા વિશે સૌ કોઈ એકમત છે. શ્રી રમણ મહર્ષિ, દયાનંદ સરસ્વતી, શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ ને સિદ્ધ પુરૂષ શ્રી સાંઈબાબા. આ ચાર જ મહાપુરૂષોનો વિચાર કરો. રમણ મહર્ષિનું શરીર ૧૪મી એપ્રિલે છૂટ્યું, ને રાતના ૮–૪૦ વાગે. મહર્ષિ દયાનંદે દિવાળીની રાતે શરીર છોડી દીધું. રામકૃષ્ણદેવે ચોમાસામાં ૧૫મી ઓગસ્ટે ને રાતે એક વાગે લગભગ શરીરનો ત્યાગ કર્યો. ને સાંઈબાબાએ દશેરાને દિવસે શરીર છોડ્યું. તો શું એ બધા સમર્થ પુરૂષો ન હતા ? તે તો જીવતાં જ મુક્ત થઈ ચૂક્યા હતા, ને ઈશ્વર સાથે એકાકાર થયા હતા તો શું દક્ષિણાયનમાં રાતે શરીર છોડવાથી તેમની ઈશ્વર સાથેની એકતામાં કે મુક્તિમાં બાધ આવશે ખરો ?

મને તો તેવું નથી લાગતું. હું તો એમ માનું છું કે તેવા જ્ઞાની ને યોગી પુરૂષોને જીવતાં જ ગતિ મળેલી છે. મરણ પછીની કોઈ બીજી ગતિને માટે તેમણે અમુક પક્ષ કે સમયમાં શરીર છોડવાની જરૂર નથી. તેમનું શરીર ગમે તે કાળે પડે તેમાં કાંઈ જ હરકત નથી. સાધારણ સાધકોએ પણ શરીર છોડવાના કાળની ચિંતામાં પડવાની જરૂર નથી. તેમણે તો પોતાની સાધનાની ચિંતા કરવાની છે. આખા જીવનને પવિત્ર ને પ્રભુપરાયણ કરવાની કોશિષ કરવાની છે. આખા જીવનમાં જે પવિત્ર સંસ્કાર છે તે કોઈ અમુક પક્ષ કે કાળમાં શરીર પડે તો મરી કેવી રીતે જાય ? સંસ્કાર કાંઈ એવા છીછરા નથી.

ગીતામાતાનો આ જ ઉપદેશ છે. બે જાતની ગતિનું વર્ણન કર્યા પછી તે તરત કહે છે કે આ તો ફક્ત શ્રુતિ છે. ગીતાકારના શબ્દપ્રયોગ પર બરાબર ધ્યાન આપો. તે કહેવા માંગે છે કે આ કાંઈ શ્રુતિ એટલે વેદની વાત નથી. બે જાતની ગતિની વાતને ગીતા જો વેદવચન કે વેદની આજ્ઞા માનીને સ્વીકારવા કહેતી હોત તો તે માટે શ્રુતિ શબ્દનો પ્રયોગ કરત. પણ આ વેદનો મત છે એમ કહેવાનું ગીતામાતાનું નથી. તો પછી શું તે સ્મૃતિનો મત કે સ્મૃતિવચન છે ? શ્રુતિ પછી સ્મૃતિનું સ્થાન મહત્વનું છે. ગીતા કહે છે કે ના, બે જાતની ગતિ સ્મૃતિના આધાર પર જ નક્કી થયેલી છે એમ કહેવાનો પણ ઈરાદો નથી. શ્રુતિ કે સ્મૃતિના બલ પર આ ગતિની પ્રામાણિકતા બતાવવાનો મારા વિચાર નથી. એટલે ગીતામાતાએ સ્મૃતિ શબ્દ પણ નથી વાપર્યો. તેણે તો શ્રુતિ નામનો ત્રીજો જ પ્રયોગ કર્યો છે. એટલે તે કહેવા માગે છે કે આ એક વિચારસરણી છે. પરંપરાથી ચાલી આવેલી લોકોની માન્યતા છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.