Tuesday, August 04, 2020

સાધનાનો માર્ગ

સરોડા
તા. ૪ એપ્રિલ, ૧૯૫૫

પ્રિય ભાઈશ્રી ભાઈલાલભાઈ,

તમારા પત્રો મળ્યા છે. તમારો પ્રેમ જોઈને આનંદ થાય છે. ચૈત્રની નવરાત્રી આવી ને પૂરી થઈ. શિરડી જવાની ઈચ્છા હતી. પરંતુ ઈશ્વરની પ્રેરણા ના મળી. ઈશ્વરી પ્રેરણા પ્રમાણે અહીં રહેવાનું બન્યું નવરાત્રી પાણી પર ઉપવાસની ઈચ્છા હતી. પણ તેને માટે પણ ઈશ્વરી પ્રેરણા ના થઈ. એટલે એક ટંક કરીને જ નવરાત્રી વ્રત પૂરું કર્યું. આ વખતે અહીનું વાતાવરણ બહુ અનુકૂળ નથી. ગરમી પણ જરા વધારે છે. એટલે વધારે કષ્ટમય વ્રત કરવાનું કામ ભવિષ્ય પર મુલતવી રાખ્યું છે.

તમે મંગાવેલી અર્થ સાથેની પ્રાર્થના અનુકૂળતા મળતાં લખી કે લખાવીને બનશે તો મોકલાવીશ. આ વિશે તમે આપણે ત્યાં હતા ત્યારે જો સહેજ વાત કરી હોત તો તરત જ પતી જાત.

સાધનાનો માર્ગ ખૂબ કપરો છે. એ માર્ગમાં મજબૂત મનોબળ, દૃઢ શ્રદ્ધા, ઊંચી કલ્પના ને વિચારશક્તિ તથા સતત પુરુષાર્થની જરૂર પડે છે. નાની નાની કે સાધારણ સફળતાઓ આ માર્ગમાં અનેક આવે છે. પણ વિવેકી સાધક તેથી ભરમાઈ જઈને મિથ્યા સંતોષ માનીને બેસી જતો નથી. વિકાસના નક્કી કરેલા નક્શાને સાકાર કરવા અંતરમાં અદમ્ય ભૂખ ઉત્પન્ન કરીને, કાયમ માટે કોશીષ કર્યા જ કરે છે. સરી જતી સરિતાની જેમ તેની સાધનાનો પ્રવાહ આગળ ને આગળ વહ્યે જ જાય છે. સંપૂર્ણ સિદ્ધિની પ્રાપ્તિ તેવા પુરુષને જ થઈ શકે છે. એવું મજબૂત મનોબળ બહુ ઓછા પુરુષોમાં હોવાને લીધે જ સંપૂર્ણ સિદ્ધિ કે પૂર્ણતાની પ્રાપ્તિ બહુ ઓછાને થઈ શકે છે. અને અધવચ્ચે અટકી જનારા સાધકો હજારોની સંખ્યામાં જોવા મળે છે.

ધ્યાનાદિ નિયમિત કરતા રહેજો. ઉપરાંત, પ્રાર્થનાની ટેવ પણ પાડવી. પ્રાર્થના કોઈ નક્કી શ્ર્લોક, મંત્ર, ગીત કે સ્તુતિનું ઉચ્ચારણ કે પઠન જ નથી. પરંતુ હૃદયના ભાવોની સહજરૂપે કરાતી અભિવ્યક્તિ છે. બાળક જેમ 'મા'ની પાસે મન મોકળું મૂકીને વાતે વળગે છે, તેમ આપણા અંદર ને બહાર રહેલી ચેતન શક્તિ-પરમાત્મ શક્તિ કે ઈશ્વરી શક્તિ આગળ આપણા દિલને ખુલ્લું કરી દેવું કે ઠાલવી દેવું એ પ્રાર્થનાનું મુખ્ય રહસ્ય છે. એ રીતે જોઈએ તો પ્રાર્થના કોઈ પણ પ્રકારના શબ્દ, મંત્ર કે ગીતના ઉચ્ચારણ વિના કેવળ ભાવમય પણ હોઈ શકે છે, ને ભાવસહિત પણ થઈ શકે છે. આ વાત વધારે સહેલાઈથી સમજવા માટે મૂંગા માણસની પ્રાર્થનાનો વિચાર કરો. માણસ જ્યારે અત્યંત ભાવમય દશામાં ડૂબી જાય છે કે ભાવવિભોર બની જાય છે, ત્યારે તેની વાણી વિરમી જાય છે, ને તે શબ્દાતીત સૃષ્ટિમાં પ્રવેશ કરે છે. એ વખતે જે પ્રાર્થના કરવામાં આવે છે, કે લાગણી કે વિચારોનું પ્રદર્શન થાય છે, તે કોઈ અનેરું જ હોય છે. એવી પ્રાર્થના કદી નકામી જતી નથી. તેનો ઉત્તર પણ તરત ને અસરકારક રીતે મળી રહે છે. ઈશ્વરની સાથે અનુસંધાન સાધવામાં તે મદદરૂપ બની રહે છે. દ્રૌપદીની કૌરવોની સભામાં થયેલી પ્રાર્થના આવી જ પ્રાર્થના હતી. પ્રાર્થના દ્વારા એવી ભાવમય દશાએ પહોંચવાનો પ્રયાસ થાય તો પ્રાર્થના એક રામબાણ સાધના થઈ પડે.

પરીક્ષાના કામમાં પડ્યા હશો. માતાજી તથા તારાબેન કુશળ છે.

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok