વિચાર-વર્તનના કજોડા
ભરત મંદિર, ઋષિકેશ.
તા. ૩૧ ઓગસ્ટ, ૧૯૫૪
પ્રિય ભાઈલાલભાઈ,
તમારા બંને પત્રો પહોંચી ગયા છે. તમારો પ્રેમ જોઈને આનંદ થાય છે. તમારામાં આધ્યાત્મિક મસાલો સારા પ્રમાણમાં ભરેલો છે. તેને દિનપ્રતિદિન કેળવતા રહેજો. ધારશો ને પ્રયાસ કરશો તો ઘણો સારો વિકાસ કરી શકશો.
જીવનનો વિકાસ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. સદ્ વિચાર, સદ્ ગુણ ને સારું વર્તન. સાધકમાં આ ત્રણે વસ્તુનો સુમેળ હોવો જરૂરી છે. તેણે ઉત્તમ વિચારથી સંપન્ન થવું જોઈએ ને વિવેકની શક્તિ કેળવવી જોઈએ. સત્યાસત્યનો ભેદ કરતાં શીખવું જોઈએ. વળી ઉત્તમ ગુણની મૂર્તિ બનવું જોઈએ. ને જે જીવનને તે આદર્શ સમજે છે તે જીવનની મૂર્તિ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉત્તમ વિચારો સેવવામાં આવે એટલું જ પૂરતું નથી. તે વિચારો જીવન કે વર્તનમાં વણાઈ જવા કે ઓતપ્રોત બની જવા જોઈએ. જીવનનો સાચો આનંદ ત્યારે જ મળી શકે. સાધનાનો પ્રયોગ કરીને માણસ વિચાર ને વર્તનના, અથવા આદર્શ ને વ્યવહારના કજોડાને દૂર કરે છે. બને વચ્ચે એકતા સાધે છે.
શ્રી સાંઈબાબા મહાન સિદ્ધપુરુષ થઈ ગયા છે. તેમના અનુભવથી વધારે ઉત્સાહી બનવું જોઈએ. સાધકોને પોતાના માર્ગમાં એવા અનેક અનુભવો થયા કરે છે. તેમાંથી પ્રેરણા લઈને શ્રદ્ધા જગાવી આગળ વધવાનું છે. છેવટે અંદર ને બહાર બધે પરમાત્મદર્શન કરી લેવાનું છે.
અહીં કુદરત ખૂબ ખીલી છે. ઋતુ હાલ ખૂબ અનુકૂળ છે. માતાજી કુશળ છે. સરનામામાં ભરત આશ્રમ નહિ પણ ભરત મંદિર લખજો.