Wednesday, August 12, 2020

મહુવાના સપ્તર્ષિ

સાબરમતી
તા. ૧૬ માર્ચ, ૧૯૫૫

પ્રિય ભાઈશ્રી, ભાઈલાલભાઈ,

કુશળ હશો. મહુવાથી નીકળ્યા બાદ બીજે દિવસે અહીં આરામથી આવી પહોંચ્યાં. વચ્ચે ૮-૯ દિવસ માટે જૂનાગઢ જવાનો વિચાર કર્યો. પરંતુ જરા શરદીની અસર થવાથી વિચાર માંડી વાળ્યો. હવે કાલે સવારે સરોડા જઈશું. શિરડી માટે કોઈ પ્રેરણા નથી. હવે દિવસ તદ્દન થોડા છે. એટલે સરોડા જ રહેવાનું ને ઉપવાસ કરવાનું થશે એમ લાગે છે.

ત્યાંનો નિવાસ ખૂબ ખૂબ આનંદકારક રહ્યો. ઘણી મજા પડી. કેટલાય અવનવાં સંભારણાં રહી ગયાં. મકાન ઘણું અનુકૂળ હતું. પાસે જ નદી એટલે ફરવાનું પણ રુચિકર થઈ પડતું. તેમાં વળી તમારો સાથ મળતો એટલે આનંદ મળતો. તમારામાં ઘણા સારા ગુણો છો. પાસેના માણસોને કેટલીક વાર પોતાની નજીકમાં રહેનારની વિશેષતાનો ખ્યાલ નથી આવતો પણ આ વખતે તમને જરા વધારે પાસેથી જોવાની તક મળી. ને તેથી મને ખરેખર આનંદ થયો છે. આ શબ્દો ખરેખર કોઈ પરિપાટી કે શિસ્તના ખ્યાલમાં નથી લખાતા. તમારા સુંદર વ્યક્તિત્વને જોઈને આ વખતે મારા મનમાં જે પ્રેમ અને આદરભાવ ઊભો થયો  છે તેની આ શબ્દોમાં છેક સાધારણ એવી છાયા જ પ્રકટ થઈ રહી છે અ નક્કી સમજી લેજો. તમારામાં ઘણી ઘણી શક્યતાઓ છે. તમે એક જન્મજાત સાધક ને શબ્દશિલ્પી છો. સંજોગાનુસાર આજે શિક્ષણના ક્ષેત્રમાં પડ્યા છો. પરંતુ તમારા જન્માંતર સંસ્કારો તમને તેમાંથી પણ માર્ગ કરી આપીને સાધના ને શ્રેયને માર્ગે લઈ જશે-જરૂર લઈ જશે. ભાઈ નરોત્તમભાઈ, મહાશંકરભાઈ ને પ્રદ્યુમનભાઈ પણ છૂપાં રતન છે. આવા સુપુત્રોને જન્માવવા બદલ મહુવા ખરેખર યશ ને ગૌરવનું અધિકારી છે. કોઈ વાર હું ‘મહુવાના સપ્તર્ષિ’ કહેતો ત્યારે તેમાં મારું ભાવમય હૃદય રેલાતું. તમે સૌ ઋષિશા યશસ્વી બનો એમ અંત:કરણપૂર્વક ઈચ્છું છું.

બેનોનો પ્રેમ પણ આ વખતે અદભુત હતો. કેટલીક બેનો સ્ત્રીઋષિની યાદ આપે એવી હતી. બધા દિવસો યાદગાર બની ગયા. પાણીના રેલા પેઠે કાળ ચાલ્યો જ જાય છે. પોતાનું કામ કર્યે જાય છે. જીવન પસાર થતું જાય છે. અસત્યમાંથી સત્યમાં, અંધકારમાંથી પ્રકાશમાં ને મૃત્યુમાંથી અમૃતત્વમાં જવા માટે શરુ થયેલી આ સંસારયાત્રા અનંતકાળથી આગળ ને આગળ ચાલતી જાય છે. તેનું લક્ષ્ય ન ભુલાય ને લક્ષ્યને માર્ગે નિરંતર આગળ વધાય તે યાદ રાખવાનું છે. શ્રી મથુરભાઈ ને તેમનું કુટુંબ પણ ખૂબ ભાવિક છે. તેમને મારા પ્રેમ કહેજો. ઉપરાંત જે માગે તેને માહિતી આપજો.

 

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok