સંતસમાગમ - એક વનસ્થલી

દેવપ્રયાગ,
તા. ૧૧ એપ્રિલ, ૧૯૫૫

પ્રિય ભાઈલાલભાઈ,

કુશળ હશો.

સંસારના સંતપ્ત ને રેતાળ રણની અંદર પ્રવાસ કરતા માનવ નિત્ય નિરંતર આગળ ને આગળ ધપતો જ જાય છે. વરસોથી, યુગોથી....કોણ કહી શકે કે ક્યારથી ? કેમ કે અનંત કાળના પુરાણા પ્રવાસીની પેઠે તે કેટલાય કલ્પોથી આ સૃષ્ટિમાં વિચરણ કરી રહ્યો છે. કર્મના ગુરૂભાર નીચે દબાતો ને બલવત્તર બનતા જતા બંધનમાં જકડાતો, નવા નવા લેબાશમાં, નવા નવા અભિનય કરતો, તે અવતરીને અદૃશ્ય થઈ જાય છે. આ ચિર યાત્રામાં તેને માટે કોઈ વિશ્રાંતિનું સ્થળ હોય, બે ઘડી શાંતિથી ઠરી ઠામ થઈને બેસવાનું ઠેકાણું હોય, તો તે સત્સંગ છે. પ્રભુમય બનેલા, બનવા માગતા સંતોનો સમાગમ છે. સંસારના સંતપ્ત ને રેતાળ રણની અંદર તૃષાતુર થઈને ફરનારા જીવને માટે તે જ એક વનસ્થલી કે વીરડી છે, એ નક્કી છે. તેનું સેવન કરનાર જીવનમાં શાંતિ મેળવી ધ્રુવપદે જરૂર પહોંચી શકશે.

માનવજીવન પૂર્ણતાની પ્રાપ્તિ માટે છે. પૂર્ણતા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. પૂર્ણતા, મુક્તિ, ઈશ્વરપ્રાપ્તિ બધું એક જ છે. નામ જુદાં, વાત એક. તિલકે જેમ કહ્યું કે સ્વરાજ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તેમ આપણા ઋષિ-મુનિઓએ હજારો વરસો પહેલાં જાહેર કર્યું છે કે ઈશ્વરપ્રાપ્તિ, મુક્તિ અથવા આત્મિક સ્વરાજ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તેનો ઉપભોગ કરવા કે તેને ઓળખવા માટે માણસે તૈયાર થવાનું છે. મતલબ કે જે જન્મથી સિદ્ધ અથવા સાબિત થયેલો અધિકાર છે, તેને માણસે કર્મથી સિદ્ધ કરવાનો છે. આ જીવન એટલા માટે જ છે. પળે પળ મૂલ્યવાન છે. તેનો સદુપયોગ કરીને માણસે પોતાના ખોવાઈ ગયેલા સામ્રાજ્યને ફરી મેળવવાનું છે, ને હાથમાંથી જતા રહેતા પૂર્ણતાના પદ પર ફરી વાર પ્રતિષ્ઠિત થવાનું છે. ધર્મ, સાધના, તત્વજ્ઞાન, બધું આટલા માટે જ છે. આ આદર્શનું વિસ્મરણ થઈ જાય ત્યારે ધર્મ એક આડંબર ને મજાક તથા તત્વજ્ઞાન દિલ-બહેલાવ બની જાય છે.

મારા જીવનની પાછળ એક નક્કર ઉદ્દેશ છે, ઈશ્વરી સંકેત કે પ્રેરણા છે. તેને સાકાર કરવા મારાથી બનતો પુરુષાર્થ કરી રહ્યો છું. મારો હિમાલયવાસ આમ માર્મિક છે.

માતાજી કુશળ છે ને યાદ કરે છે.

 

Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.