Text Size

ચાર પ્રકારના માણસો

ભરત મંદિર, ઋષિકેશ.
તા. ૨૮ જૂન, ૧૯૫૫

પ્રિય નારાયણ,

તમારો પ્રેમપત્ર મળ્યો છે. સમાચાર જાણ્યા.

તમારી વિરુદ્ધ કોઈ ભાઈએ કાંઈક ખટપટ કરી હતી. તે જાણ્યું. હવે તો તેની અસર નાબૂદ થઈ ગઈ હશે. જેને રામ રાખે તેને કોણ મારી શકે એ વાત પ્રસિદ્ધ જ છે. તે પ્રમાણે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને કામ કરવું. એટલે કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. ઈશ્વર આપણી રક્ષા કરવા માટે સદાયે તત્પર છે એમ માનીને નિર્ભયતાની લાગણી અનુભવવી. સંસારમાં કેટલાક માણસો બીજાનું મંગલ કરવા માટે પ્રયાસ કરે છે. તેમને ભર્તૃહરીએ સત્પુરુષ કહ્યા છે. કેટલાક બીજા પોતાના સ્વાર્થની રક્ષા કરીને બીજાના હિત માટે કામ કરે છે. ત્રીજા પ્રકારના માણસો સ્વાર્થની સિદ્ધિ માટે બીજાને નુકસાન કરે છે. ને ચોથી જાતના નિકૃષ્ટ દશાવાળા લોકો બીજાના હીતનો કોઈ પણ પ્રકારના ખાસ હેતુ વિના જ નાશ કરવામાં આનંદ માને છે. તેમાંથી ત્રીજા ને ચોથા પ્રકારના માણસો સંસારમાં વધારે છે. પણ સમજુ માણસે તેમનાથી ડરવાની જરૂર નથી. તેણે તો ઈશ્વર પર શ્રદ્ધા રાખીને પોતાનું કાર્ય પ્રામાણિકપણે કર્યા કરવાની જરૂર છે. તેમ થતાં ઈશ્વર તેની રક્ષા કરવા સદાયે તત્પર રહેજો. ને તેને કોઈ રીતે પણ ઉની આંચ નહિ આવે.

એક બીજી વાત એ છે કે ઈશ્વર જે કરે છે ને કરશે તે સારાને માટે એવી શ્રદ્ધા થઈ જવી જોઈએ. તેમ થાય તો પછી સંપત્તિ ને વિપત્તિ, હર્ષ ને શોક, સુખ ને દુ:ખ, લાભ ને હાનિ ને અનુકૂળતા તથા પ્રતિકૂળતામાં પણ મનની સ્થિરતા સચવાઈ રહે ને ઈશ્વરની દિવ્ય કૃપાની ઝાંખી થઈ શકે. બહારના આઘાત ને પ્રત્યાઘાતથી પછી મન ચંચળ ને ક્ષુબ્ધ ના બને, ને બધે સ્થળે ને બધી દશામાં તે સમતાનો અનુભવ કરી શકે. પ્રભુની કૃપાથી તમારો માર્ગ સાફ થઈ જાય ને તમારી ઉત્તરોત્તર ઉન્નતિ થાય એમ ઈચ્છું છું. હવે તમને પગે સારું હશે.

મહેસાણામાં આ વખતે ખૂબ જ આનંદ રહ્યો. તમારી હાજરીમાં ૩૪ દિવસ વ્રતના પણ શાંતિપૂર્વક પસાર થઈ ગયા. આ વખતે વ્રત ખૂબ લાંબુ ચાલ્યું. 'મા'ના આદેશ ને વિધાનમાં મારી દૃઢ શ્રદ્ધા છે ને તે પ્રમાણે આજે નહિ તો કાલે મારું સ્વપ્ન સિદ્ધ થઈ જશે ને હું 'મા'ની પરિપૂર્ણ કૃપા ને પૂર્ણતાની મૂર્તિ બનીશ એ ચોક્કસ છે. મારા જીવનની સાથે સંસારની સેવાની સાથે પરિપૂર્ણતાનો આ હેતુ પણ સંકળાયલો છે. આજની ને આવતી કાલની દુનિયાને મારી સાધનાની સિદ્ધિના પ્રયોગોમાંથી ઘણું ઘણું શીખવાનું મળશે ને નવી પ્રેરણા ને નવા પાઠની પ્રાપ્તિ થશે. તે માટે જ જાણે મારા જીવનમાં સાધનાનો આ અંક ચાલી રહ્યો છે.

વરસાદ શરૂ થયો છે. પર્વતો રમણીય બનતા ઊભા રહ્યા છે.

 

Today's Quote

To observe without evaluating is the highest form of intelligence.
- J. Krishnamurti

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies).

You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok