Sunday, July 05, 2020

ત્રણ જરૂરી વસ્તુ

ભરતમંદિર, ઋષિકેશ
તા. ૧૩ સપ્ટે. ૧૯૫૫

પ્રિય શ્રી નારાયણભાઈ,

તમારો પ્રેમપત્ર મળ્યો. આનંદ થયો.

તમારી સૌની તબિયત હવે સારી થઈ ગઈ હશે. બાળકોના હાથે-પગે આરામ હશે ત્યાંનું તમારું ચાલુ મકાન નાનાં બાળકો માટે જરાયે અનુકૂળ નથી. ધીરે ધીરે અનુકૂળતા થતાં ક્યાંક મકાનની બદલી કરો તો સારું. નોકરીમાં તમારી સામે જ વિરોધનો વંટોળ ઊઠેલો તે દૂર થયો જાણીને આનંદ થયો છે. પ્રભુ પર શ્રદ્ધા રાખીને ચાલનારનું પ્રભુ સદા મંગલ જ કરે છે એ વાત નક્કી છે.

ઘી સારું છે. તેનો કેટલોક ભાગ જૂનો છે ખરો. પણ તેથી તેની પ્રામાણિકતામાં જરાપણ ફેર પડતો નથી. ભેળસેળ ને વેજીટેબલ ઘીનો પાર નથી. હિમાલયમાં નાનાં ગામડાંને બાદ કરતાં ઠેઠ બદરીનાથ સુધી આ જ દશા છે. વેજીટેબલ ઘીને વખાણનારા તેનાં ગમે તેટલાં ગુણગાન કરે, પણ તેણે સાચા ઘીને અશક્ય કરી દીધું છે. તેનું એ અનિષ્ટ ઓછું નથી.

સાધના ચાલે છે. આ માર્ગ મનોબળવાળા શૂરવીર પુરુષોનો છે. કાપુરુષોનું તેમાં કામ નથી. ધ્યેય મોટું છે એટલે તે માટેનો પુરુષાર્થ પણ મોટો હોય એ સમજી શકાય તેવું છે.

માતાજી કુશળ છે. ત્યાં સરસ્વતી ને બાળકો કુશળ હશે.

પરમ દિવસે શ્રી વિનોબાની જન્મજયંતિ ગઈ. તેમને ૬૦ વરસ પૂરાં થયાં. જીવનના સંધ્યા સમયે ઈશ્વરે તેમને એક અવનવું કામ સુઝાડ્યું ને યશસ્વી કરી દીધા. ચારેક વરસ પહેલાં તેમને વધારે ભાગની પ્રજા જાણતી ન હતી. ભૂદાન યજ્ઞે તેમને મશહૂર બનાવી દીધા. એ જોઈને મને વિચાર થાય છે કે ઈશ્વરની લીલા કેટલી ગહન છે ! કયા માણસને તે ક્યારે, ક્યાં ને કેવી રીતે પોતાના માંગલિક કાર્યમાં સહભાગી કરીને યશસ્વી બનાવે છે. તે કહેવું મુશ્કેલ છે. વિનોબાજીનું જીવન તો પહેલેથી જ તૈયાર હતું. પણ તેમનો સંપૂર્ણ ભાગ્યોદય જીવનનાં છેલ્લાં વર્ષોમાં જ થયો. તેમનું કામ લાખો લોકોનું મંગલ કરી રહ્યું છે ને કરશે એમાં શંકા નથી. એવા સેવાભાવી ને સર્વ ત્યાગી પુરુષની પણ ટીકા થાય છે, ને મોટા નેતાઓ પણ તેમને વખોડે છે, તેનું મૂળ કારણ આ દેશની પ્રજામાં જે તેજોદ્વેષ ને ટીકાખોરીની બુદ્ધિ જડ જમાવીને બેઠી છે તે છે. તે વૃત્તિએ રામ, કૃષ્ણ, ગાંધીને બીજાને પણ છોડ્યા નથી. તે વૃત્તિએ દેશનું ભારે અહિત કર્યું છે.

ગાંધીજીની જેમ એક સાચા ત્યાગીને કર્મયોગી પુરુષની જેમ વિનોબાજી આગળ વધી રહ્યા છે. તે પારકા ની પીડા દૂર કરવા મહેનત કરે છે. એ એક જ વાત તેમને માટે આપણા અંતરમાં આદરભાવ ઉત્પન્ન કરે છે. વિવેકાનંદે કહ્યું છે કે સાચા સેવક કે સુધારક થવા માટે ત્રણ વસ્તુની જરૂર છે. પહેલી જરૂરી વાત તો એ છે કે માણસની પાસે દિલ હોવું જોઈએ. લાગણી હોવી જોઈએ. બીજાના દુ:ખોની તેને અસર થવી જોઈએ. સંસારમાં જે દુ:ખી, રોગી, અનાથ ને પીડિત છે, તેમની વેદના તેને સ્પર્શી જવી જોઈએ. તે પછી તેણે તેને દૂર કરવાનો ઉપાય શોધવો જોઈએ. એ બીજી જરૂરત. સંસારમાં સુધાર કરવા ને સેવામય થવા તેની પાસે કોઈ વિશેષ શક્તિ કે માર્ગ છે કે કેમ તેનો તેણે નિશ્ચય કરવો જોઈએ. તે પછી ત્રીજી વાત ચારિત્ર્ય છે. તેનામાં ચારિત્ર્ય હોવું જોઈએ. નિંદા-સ્તુતિ, હર્ષ-શોક ને સ્ત્રી, ધન ને સત્તા તથા યશના પ્રલોભનથી અલિપ્ત રહેવાની શક્તિ તેનામાં હોવી જોઈએ. તેનામાં અંગત સ્વાર્થ ના હોવો જોઈએ. વિવેકાનંદની એ વાતમાં વધારો કરીને આપણે કહીશું કે તેનામાં ઈશ્વરપરાયણતા પણ હોવી જોઈએ. અથવા તે માટે તેનો પ્રયાસ ચાલુ હોવો જોઈએ. વિવેકાનંદ ને ગાંધીજીની જેમ વિનોબાજીમાં પણ એ બધી વસ્તુનો સમન્વય થયેલો છે. કેટલાક તેમને ભાષાશાસ્ત્રી તરીકે વખાણે છે. પણ ભાષાશાસ્ત્રી તો ઘણાં છે.  વિનોબાની વિશેષતા હૃદયશાસ્ત્રી થવામાં-જીવનશાસ્ત્રી થવામાં છે. આ દેશનું સદભાગ્ય છે કે દયાનંદ સરસ્વતીના વખતથી એકેક જ્યોતિર્ધર પ્રગટ્યા જ કરે છે. દેશ ને દુનિયાના ઉજ્જવલ ભાવિની તે આશા આપી જાય છે.

વરસાદ ચાલે છે. કુદરત ખૂબ સુંદર થઈ ગઈ છે.

 

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok