Friday, August 07, 2020

આત્મિક મૂલ્યોની સ્થાપના

ભરતમંદિર, ઋષિકેશ.
તા. ૧૩ ડીસે, ૧૯૫૫

પ્રિય ભાઈશ્રી,

તમારો પ્રેમપત્ર મળ્યો છે. આ પહેલાંનો તમારો પત્ર ટપાલની કોઈક અવ્યવસ્થાને લીધે ગુમ થયો છે.

નવરાત્રીના ઉપવાસ આ વખતે સુખપૂર્વક પૂરા થયા છે. ગયે વરસે 'મા'એ મારી ઘણી કપરી ને લાંબી કસોટી કરી હતી તે તમે જાણો છો. તેના અનુસંધાનમાં આ વખતે મને સારો સંતોષ આપ્યો છે. તે વિશે વિશેષ વાતો તો પ્રત્યક્ષ મળ્યા પછી જ કરીશું. પૂનમ પછી બીજા છ ઉપવાસ પણ થઈ ગયા. હવે શરીર ધીમે ધીમે વળતું જાય છે. સાધનાનું  જે લક્ષ મેં નક્કી કર્યું છે તેની સિદ્ધિ માટે મજબૂત મનોબળ, સતત સાધનાને 'મા'ની કૃપાની જરૂર છે. ખૂબ ખૂબ ધીરજ, ઉત્સાહ, વિવેક ને હિંમતની પણ આવશ્યકતા છે. 'મા'ની કૃપાથી મેં આજ સુધીનો પંથ સુખપૂર્વક કાપી નાખ્યો છે, ને શેષ પંથ પણ કપાઈ જશે એ નક્કી છે. કેમ કે મારા શરીરધારણ કે જીવનનો તે પ્રથમ હેતુ છે. તે માટે જ મારું આજનું જીવન છે. વિશ્વના મંગળ માટેના પ્રયાસરૂપી યજ્ઞનો બીજો તબક્કો શરૂ થાય તે પહેલાં વ્યક્તિગત પૂર્ણતાના આ તબક્કાની પૂર્ણાહુતિ જરૂરી છે. તે ઈશ્વરનિર્મિત છે એટલે તેમાં તિલમાત્ર પણ ફેર પડવાનો નથી.

માતાજી કુશળ છે. સાધના યજ્ઞની મારી દ્વારા ઉપરાઉપરી અપાતી આહૂતિઓનાં તે આજે વરસોથી સાક્ષી છે. સાધનાની બધી જ અટપટી વાતો તે સમજી શકે છે, ને મારી પ્રેમથી સેવા કરે છે. તેમના જેવી માતાનું દષ્ટાંત જગતના આધ્યાત્મિક ઈતિહાસમાં જવલ્લે જ જોવા મળશે. માતાઓને સાથે રાખનારા સંતો થયા છે. પણ પોતાની સાધનાથી તેમને વાકેફ રાખનારા, તેમનો સહકાર મેળવનારા સંતો સંસારમાં બહુ ઓછા થયા હશે. તેમના જન્માતંર સંસ્કાર પણ ઘણાં ઊંચા છે. નહિ તો આવો અવસર તેમને ભાગ્યે જ મળે. હું તેમનામાં જગદંબાની જ ઝાંખી કરું છું.

વિષ્ણુની પત્ની વિશે જાણ્યું, સંસારમાં એવા સાચા આવેશો પણ હોઈ શકે છે. તેથી માણસે સાચા-ખોટાનો વિવેક કરતા શીખવું જોઈએ.

ભારતને સંસારના પ્રશ્નો માટે રાજદ્વારી પુરુષો તો જોઈશે જ. પણ તે ઉપરાંત, ઈશ્વરી કૃપાપાત્ર અંતદર્શી યોગીની પણ જરૂર પડશે. કેમ કે કેવળ ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક પુનર્જાગરણ ને સમૃદ્ધિ એ આ યુગનું લક્ષ છે. એટલે રાજદ્વારી પુરુષોને પ્રેરણા પાનાર એક મધ્યવર્તી મહાપુરુષની જરૂર છે, જે સત્તાના રાજકારણથી પર રહીને ઈશ્વરેચ્છાથી પ્રેરાઈને દેશ ને દુનિયાના હિતનું કામ કરવા કટિબદ્ધ થાય, ને વધારે ભાગે આધ્યાત્મિક મૂલ્યોની સ્થાપના કરે.

મહાગુજરાતનો નિર્ણય કોંગ્રેસ કારોબારીએ કરી દીધો એ આનંદની વાત છે. થોડા ઓગેવાનો આટઆટલા દીર્ઘ અનુભવ છતાં મહારાષ્ટ્રીય નેતાઓનું માનસ ના સમજીને ‘રાષ્ટ્રીય હિત’ના ખોટા ખ્યાલથી દ્વિભાષી રાજ્ય માટે સંમતિ આપી બેઠા એ આશ્ચર્ય હતું. હવે એ ભૂલ સુધરી છે તે ઠીક જ થયું છે. કોંગ્રેસે ભાષાવાર રાજ્યોની વાત સ્વીકારી છે એટલે આ જ નિર્ણય ઉત્તમ છે. છતાં પાંચ વરસ પછી મુંબઈના ભાવિનો ફરી નિર્ણય કરવાની વાત નકામી છે. એક નીતિ કરતાં તેનું વિશેષ મહત્વ નથી. વિવાદાસ્પદ વાતો વહેલામાં વહેલી તકે પતાવી જ દેવી જોઈએ. ગુજરાત કોંગ્રેસનો મહેમદાબાદ ઠરાવ અસરકારક થયો હતો.

નવા વરસે તમારું જીવન વધુ ને વધુ સુખી, પ્રભુપરાયણ ને ઉન્નત બનો એમ ઈચ્છું છું.

 

Today's Quote

He is poor who does not feel content.
- Japanese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok