Sunday, July 05, 2020

ચર્મવૃત્તિ

સાબરમતી
તા. ૩૦ માર્ચ, ૧૯૫૧

પ્રિય વિઠ્ઠલભાઈ,

તમારો પ્રેમપૂર્ણ પત્ર મળ્યો છે. આનંદ થયો. ઈશ્વરેચ્છા તો આ સાતમી તારીખે મારો વિચાર દ્વારકા તેમજ સોમનાથની યાત્રાએ જવાનો છે. સાતેક દિવસ તે બાજુ થઈ જશે. તે પછી નારાયણભાઈ સાથે ઈડર તરફ જવાનું થાય એમ લાગે છે. કેમ કે નારાયણભાઈનો પત્ર છે. તેમાં તેમણે રજા માટે અરજી પણ કરી દીધી છે એમ લખે છે. આ સંજોગોમાં, ઈડર તરફ જવાનું થશે તો આ વર્ષે મારાથી સોલાપુર ભાગ્યે જ જઈ શકાશે. મુંબઈ આવવાનું પણ બનશે કે નહીં તે ચોક્કસ કહેવાય નહીં. જો વધારે દિવસો ઈડર તરફ વીતી જાય તો મારે હિમાલય જવાનો વખત પાસે આવી જાય, ને બીજે ક્યાંય પણ જવાનું પણ અશક્ય બને. ઈડર તરફ જવાની મારી ખાસ ઈચ્છા નથી. ત્યાં જવામાં બીજા કાર્યક્રમ પણ પડતાં મૂકવા પડે તેમ છે. છતાં આ વર્ષે નારાયણભાઈની ખૂબ ઈચ્છા છે-બનતાં લગી બેન સરસ્વતી ત્યાં છે  એટલે પણ તેમની ઈચ્છા હશે ને તેમણે રજા લઈ લીધી છે, ત્યારે થોડા દિવસ તેમની સાથે જવાનું બનશે એમ લાગે છે. હિમાલય જતાં પહેલા તમને બધાને મળી શકું-ખાસ કરીને તમને મળું એવી ઈચ્છા છે જ. પણ તે સંજોગ ક્યારે આવે છે તે પ્રભુ જ જાણે. તમને અનુકૂળતા હોય તો નારાયણભાઈ સાથે આવવાનું રાખશો નહિ તો મુંબઈ ક્યાં લગી તમે રોકાવાના છો તે લખી જણાવશો. તે પ્રમાણે હું મારો કાર્યક્રમ ગોઠવીશ. કોઈ પણ હિસાબે હિમાલય જતાં પહેલાં આપણે મળવું તો જોઈએ જ. તમારી પાસે સીધાં જ આવવાની ઈચ્છાનો અમલ કરતાં પણ તમારી આર્થિક સ્થિતિનો વિચાર કરીને અચકાવું પડે છે, નહિ તો સમય મળતાં તમારે ત્યાં આવવાનું રાખી શકાય. વળી નારાયણભાઈ લાંબી રજા લઈ ઈડર જવાનું રાખે તો તેમના વિના મુંબઈ તેમને ત્યાં રહેવામાં પણ ખાસ આનંદ રહે નહીં. આ સ્થિતિમાં પ્રભુ જે કરે તે ખરું. જોઈએ છીએ. કાંઈક માર્ગ મળી આવશે.

તમારો પત્ર પ્રેમથી ભરેલો ને મીઠી મમતાથી છલેલો છે. ખરું પણ છે. પ્રેમ ને મમતા રાખવા તો ઈશ્વર પર અથવા તો ઈશ્વરનો પ્રેમ ઝંખનાર કોઈ સંત મહાત્મા કે ઈશ્વરના પ્રતિનિધિ પર બાકી હાડમાંસથી ભરેલા ને ચામડાથી મઢેલાં વાસનાગ્રસ્ત લોકોમાં આસક્તિ કે મમતા રાખવાનો કોઈ જ અર્થ નથી. તેમાં તો બરબાદી જ રહેલી છે. જ્યારે ઈશ્વરી પ્રતિનિધિનો પ્રેમ જીવનમાં શાંતિ દે છે, ઉત્સાહ, આશા ને હિંમત આપે છે, ને આત્માનું સાચું કલ્યાણ સાધી દે છે. સાચા ને નિસ્વાર્થ પ્રેમનું દર્શન આજે વિરલ થઈ ગયું છે. આજે તો ચમારની જેમ માણસ ઉપરના હાડચામનું જ દર્શન કરે છે, તેમાં બધાંય છે ને, તેમાં જ રસ જોઈ ચામડીને ચાટવામાં જ આનંદ માને છે. આનું નામ પશુતા કે ચમારવૃત્તિ છે આ વૃત્તિમાંથી ઉપર ઊઠી માણસે શરીરની અંદર રહેલા ઈશ્વરી પ્રકાશને જોતાં શીખવાનું છે. શરીરની અંદર જે જ્યોતિ છે, તે જ્યોતિનું દર્શન કરવાનું છે, ને એ રીતે જડ ને ચેતન સકળ સૃષ્ટિ સાથે ઐક્ય સાધવાનું છે. આજના ચંચલ, શરીરના આકર્ષણને જ પ્રેમ માની બેસનાર ઈન્દ્રિયલોલુપ માનવસમુદાયને પ્રેમ ને પવિત્રતાના આ મહાન દર્શનની સમજ ક્યાં છે ? આજે તો માણસ ભૂખ્યો વરૂ છે.

રાજા જનકની સભામાં ઋષિ અષ્ટાવક્ર પહોંચ્યા, ત્યારે તેમને જોઈને સભાના બધા જ પંડિતો હસી પડ્યા. કેમ કે અષ્ટાવક્રનું અંગ આઠ જગાએ વાકું હતું. આના ઉત્તરમાં લેશ પણ ડઘાયા વિના, ઋષિ અષ્ટાવક્ર સામે હસ્યા. રાજાએ પૂછ્યું, ‘આ પંડિતો તમારું શરીર જોઈને હસ્યા છે પણ તમે શું કામ હસ્યા ?’

અષ્ટાવક્રે કહ્યું, ‘રાજા, આ તારી સભામાં પંડિતો નથી. આ તો બધા ચમાર ભેગા થયા છે. જેમ ચમાર ચામડાને જ જુએ છે, ચામડામાં જ રસ લે છે, તેમ આ પંડિતો મારા શરીરના ચામડાને જ જોઈને હસ્યા છે. તેમણે મારા ગુણ જોયા નથી કે મારી અંદર રહેલી ઈશ્વરી પ્રકાશની જ્યોતિને-આત્માની દીપશિખાને પણ જોઈ નથી. એટલે જ મને તેમની નીચ વૃત્તિ જોઈ હસવું આવ્યું.’ રાજા ને પંડિતો મંત્રમુગ્ધની જેમ આ બધું સાંભળી રહ્યા.

આજે પણ આ ચર્મવૃત્તિ ઘટી નથી. બલકે વધી છે. આપણી મમતા, આસક્તિ ને પ્રેમ કે સહચારના બધા જ સંબંધો આ ચામડીના ખેલ સાથે સંબંધ રાખે છે, ત્યાં સુધી સૌ ચમાર છે. આ વૃત્તિનો નાશ કર્યા વિના છૂટકો નથી. પણ આજે તો માણસ એમ માની બેઠો છે કે આ ચર્મવૃત્તિ કે કામુકતા વિના ચાલે જ નહીં. આના જેવું અજ્ઞાન ને માનવતાનું અપમાન બીજું કયું હોઈ શકે ? હાથી કે ઘોડાને વશ કરવામાં શુરતા નથી, જંગલી જાનવર સાથે ખેલ કરવામાં બહાદુરી નથી, સાચી બહાદુરી તો આ અંધ માન્યતાને મિટાવી દઈ, મનના વાઘ ને વશ કરી, ઈન્દ્રિયના ઘોડા પર સવાર થવામાં ને સ્વાર્થ ને વાસનાને ફગાવી દઈ, ચામડીના આનંદથી મુક્ત થઈ, અખિલ વિશ્વમાં એક ઈશ્વરનું દર્શન કરવામાં રહેલી છે. જે માનવ, સમાજ કે દેશ આ માર્ગે જેટલી આગેકૂચ કરે તેટલા જ પ્રમાણમાં તે સુસંસ્કૃત, સભ્ય, પ્રગતિશીલ કે મહાન કહેવાય. પ્રગતિ ને નામે ઈન્દ્રિયોની લોલુપતા, ભોગની અતિશયતા ને પશુવૃત્તિ કે સ્વચ્છંદતાને હવે ચલાવી લેવાશે નહીં. એ બધી રાક્ષસી માયામાંથી માણસે મુક્ત થવું પડશે નહિં તો માનવ તરીકે તેનું મહત્વ શું ? આજે દાનવની સંખ્યામાં વધારો થતો જાય છે આથી આપણાં દુઃખો વધતાં જાય છે.

માતાજી કુશળ છે. યાદ કરે છે. ઘેર સૌ કુશળ હશે.

 

Today's Quote

Success is a journey, not a destination.
- Vince Lombardi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok