Monday, July 13, 2020

ચંચળ સંબંધો

કલકત્તા
તા. ૨ સપ્ટે. ૧૯૫૧

પ્રિય વિઠ્ઠલભાઈ,

તમારો તા. ૩-ઓગષ્ટનો લખેલો પત્ર દેવપ્રયાગ થઈ હરદ્વાર આવી મને કાશ્મીર પ્રવાસ દરમ્યાન શ્રીનગરમાં થોડા જ દિવસ પહેલાં મળ્યો. તે વખતે અમે અમરનાથ ને કાશ્મીરનો પ્રવાસ પૂરો કરીને દિલ્હી પાછા ફરવાની તૈયારીમાં હતા. તે બાદ 'મા'ની પ્રેરણાથી મારે આ બાજુ આવવાનું થયુ છે. અહીં પણ વિખ્યાત ધામ દક્ષિણેશ્વર ને બેલુડ મઠ જોવા જવામાં સમય વીતી ગયો. આજે અહીં છઠ્ઠો દિવસ છે. આજે નિરાંત મેળવી પત્ર લખું છું.

અહીં જ્યાં ઊતર્યા છીએ ત્યાં બહુ અનુકૂળતા નથી. એટલે હવે અહીંથી ચાર-પાંચ દિવસ બાદ જગન્નાથપુરી જઈશું. ત્યાં થોડા દિવસ અનુકૂળતા પ્રમાણે રહેવા વિચાર છે. પછી ઈશ્વરની પ્રેરણા પ્રમાણે આગળનો કાર્યક્રમ નક્કી કરીશું.

તમારું મન અશાંત રહે છે તે જાણ્યું. તરતના બનેલા પ્રસંગની અસર મન પરથી હવે દૂર થઈ ગઈ હશે. દૂર ના થઈ હોય તો મજબૂત મનથી તેને દૂર કરી દેજો. સંસારના વધારે ભાગના માણસો એવાં જ ક્ષણિક પ્રેમનાં ભરેલાં ને શારીરિક આકર્ષણ શોધનારાં હોય છે. તેમના સંબંધથી લાગણીના પૂરમાં તણાવું ને દુ:ખી થવું ઠીક નથી. પોતાનાં દુ:ખોમાં એ રીતે હાથે કરીને એક દુ:ખને વધારવું ઠીક નથી. પ્રભુની કૃપા છે કે એક ચંચળ સ્ત્રીના સંબંધમાંથી તેણે તેમને ઉગારી લીધા છે. આ સંસારમાં બીજાને માટે પોતાના સુખનો ભોગ આપનારાં ને સ્વચ્છ નિષ્કપટ માનવો બહુ જ વિરલ છે. તેમનો સ્વાર્થ સચવાતો હોય ત્યાં લગી જ તે સંબંધ સાચવે છે. તેમના સાચા સ્વરૂપને જાણીને તેમનાથી દૂર રહેવામાં જ મજા છે. આ અનુભવ તમને ખૂબ ખપ લાગશે. એક ઈશ્વરની પાસે તમારા દિલને પ્રાર્થના દ્વારા ખોલી નાખો, તેનું જ સ્મરણ કરો. તે તમને જરૂર માનસિક શાંતિ આપશે.

તમારું કામ બરાબર ચાલતું હશે. ખૂબ ઉત્સાહ ને હિંમતથી આગળ ધપતા રહેજો. જીવન જીવવું જ છે તો તે મર્દ બનીને આનંદથી જીવવામાં જ બુદ્ધિમાની છે. તમારામાં ઘણા સદગુણો ને ઘણી ભાવિ શક્યતાઓ છે. પ્રભુ આજે નહિ તો કાલે તમને તમારા ક્ષેત્રમાં સફળતા જરૂર આપશે, ને તમારી આશા ને શક્તિનો ઉત્તમોત્તમ ઉપયોગ થઈ શકશે. ખૂબ વિશ્વાસપૂર્વક આજ લગી કર્યું છે તેમ કામ કરજો. શરીર સંભાળજો. હરસ મટયા કે નહિ ? શીર્ષાસન ને સેવાપૂજા ચાલુ રાખજો.

માતાજી કુશળ છે. યાદ કરે છે. ત્યાં નારાયણભાઈ તથા સૌને મારી યાદ આપશો. પત્ર લખવામાં વિલંબ કરશો નહીં.

 

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok