if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગનો ચિરપરિચિત પાવન પુણ્યપ્રદેશ.

આજુબાજુ બધે જ આકાશને અડવાની અભિપ્સાવાળા અવનીના અનુરાગની અભિવ્યક્તિ જેવા પ્રચંડકાય પર્વતો, એમની ગોદમાં નાનુંસરખું છતાં સુંદર, અવલોકતાંવેંત જ આંખમાં વસી જાય એવું ગામ, વચ્ચે રઘુનાથજીનું સુંદર સુપ્રસિદ્ધ પ્રાચીન મંદિર, એની ઉપર - થોડેક ઉપર કીર્તિનગર કે બદરીનાથનો મોટર રોડ, અને છેક જ નીચે બદરીનાથની પુણ્યભૂમિમાંથી આવતી અલકનંદાનો અને ગંગોત્રીની ગૌરવભૂમિમાંથી આવી પહોંચતી ભગવતી ભાગીરથીનો સુંદર ચિત્તાકર્ષક હૃદયંગમ સંગમ. અલંકનંદા અને ભાગીરથી બંને નદી પર બે જુદીજુદી દિશાના દેવપ્રયાગમાં પ્રવેશવાના પુલ. આખુંય દૃશ્ય કેટલું બધું અવર્ણનીય અને આનંદદાયક હતું ? એને જોઈને અંતર ઊછળવા લાગ્યું. એની પૂર્વસ્મૃતિજન્ય કલ્પના જ કેટલી બધી રસપ્રદ હતી ? એ અસાધારણ સૌન્દર્યસભર દૃશ્યને એ પહેલાં અનેકવાર જોયેલું તો પણ સુંદરતા કે રમણીયતા ક્ષણેક્ષણે નવીન જ લાગે - ‘ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ તદેવ રૂપં રમણીયતાઃ’ ની પેઠે એ એટલું જ સુંદર, આકર્ષક, અદ્દભૂત લાગ્યું.

અંગ્રેજ કવિ કીટ્સે કહ્યું છે કે સૌન્દર્યસભર વસ્તુ સદાને માટે શાશ્વત આનંદ આપે છે. એ આનંદરૂપ જ હોય છે - A thing of beauty is a joy forever. દેવપ્રયાગના પુણ્યપ્રદેશના સંબંધમાં પણ એવું જ બન્યું. એના અવલોકને અપાર્થિવ આનંદ પૂરો પાડ્યો.

માતાજી જ્યોતિર્મયીના લીલાસંવરણના શકવર્તી પ્રસંગ પછી પ્રારંભાયેલા એમના અસ્થિવિસર્જન નિમિત્તના પુણ્યપ્રવાસમાં દેવપ્રયાગનો પણ સમાવેશ સ્વાભાવિક રીતે જ કરવામાં આવેલો. એ સ્થાનમાં માતાજી મારી સાથે છેલ્લાં બે વરસ સુધી રહ્યા હોવાથી એનો મહિમા અમારા જીવનમાં વિશેષ હતો.

દેવપ્રયાગની પુણ્યભૂમિમાં રાતે પહોંચ્યા પછી અમે પી.ડબલ્યુ.ડી. ના ગઢી પરના ગેસ્ટ હાઉસમાં રહેવાનું પસંદ કરેલું. એ ગેસ્ટહાઉસ સર્વપ્રકારે સાનુકૂળ હતું. ત્યાંથી મંદિર, સંગમ, કીર્તિનગર મોટર રોડ, સઘળું સામે જ દેખાતું. સવારે સૂર્યોદય વખતે એ સૌનું અવલોકન અદ્દભુત લાગ્યું.

સવારે સ્નાનાદિથી પરવારીને સૌથી પ્રથમ કામ ગઢીમાં ગેસ્ટહાઉસની પાસેના મકાનમાં રહેતા ભગતરામ વૈદરાજને બોલાવવાનું કર્યું. ભગતરામ વૈદરાજ મારા દેવપ્રયાગના નિવાસકાળથી જ પરિચિત હતા. સમાચાર સાંભળીને એ એમના સુપુત્ર ભૈરવદત્ત સાથે આવી પહોંચ્યા અને અતિશય આગ્રહપૂર્વક પોતાને ઘેર લઈ ગયા. મારા ઈ.સ. ૧૯૪૭ના નવરાત્રીના પાણી પરના કઠોર ઉપવાસ દરમિયાન એમની ધર્મપત્નીએ ઉપવાસની વાત જાણીને ઉપવાસની પૂર્વસંધ્યાએ જ મને પેંડા મોકલેલા. એમનો ઉપયોગ મેં ઉપવાસના નિયમપાલનને લીધે નહીં કરેલો. એ ભાવિક શ્રદ્ધાભક્તિસંપન્ન સન્નારીની સ્મૃતિ હજુ તાજી હતી. પરંતુ એની ત્યાં ઉપસ્થિતિ ન હતી. એનું શરીર શાંત થયેલું. કાળ કાળનું કાર્ય કર્યા કરે છે. કાળ સર્વનો લોપ કરે છે પરંતુ સ્મૃતિનો નાશ નથી કરી શકતો.

એ સરળ હૃદયની સેવાભાવી શ્રદ્ધાળુ સન્નારીને શ્રદ્ધાંજલિ આપી. જૂના જાય છે ને નવાં એમનું સ્થાન લેવા તથા પોતાનો પાઠ ભજવવા તૈયાર થાય છે, એ ન્યાયે વૈદરાજનું ઘર ખાલી નહોતું પડ્યું. એ સ્વર્ગવાસિની સન્નારીના રિક્ત સ્થાનની પૂર્તિ તો થઈ શકે તેમ હતી જ નહીં, તો પણ એના પુત્રોના પરિવારને લીધે ઘર સૂનું નહોતું લાગતું.

ગઢીથી પાછળના ભાગમાં અમે વરસો પહેલાં રહેતા તે ભારતીબાબાના બગીચાના નામથી ઓળખાતા સ્થાનવિશેષમાં બંધાયેલી કુટિયા દેખાતી. સૌએ એના દર્શનનો દૂરથી લાભ લીધો. ત્યાં પહોંચવાની ને કુટિયાને છેક જ સમીપથી જોવાની સૌ સહયાત્રીઓની ઈચ્છા હોવાથી ત્યાં જવાનો નિર્ણય કર્યો. કુટિયા પાસે પહોંચવાના મુખ્ય રસ્તા બે હતા. એક રસ્તો ઋષિકેશ મોટર રોડ પરથી ઉપર ચઢવાનો અને બીજો રસ્તો ગઢીના ઊંચા સ્થળથી નીચે ઉતરવાનો. બંને રસ્તા નાની નાજુક પર્વતીય પગદંડીના જ હતા. ચઢાઈના કષ્ટસાધ્ય રસ્તાને ટાળીને અમે ગઢીથી ઊતરવાનો પગદંડીનો પ્રમાણમાં ઓછા પરિશ્રમવાળો રસ્તો પસંદ કર્યો. એ પર્વતીય પગદંડીના પથ પરથી પસાર થવાનું પણ સૌને સહેલું ના લાગ્યું. તો પણ પગદંડીની બંને બાજુના છોડ તથા પથ્થરની મદદ લઈને સૌ ઉત્સાહ તથા હિંમતપૂર્વક કુટિયા પાસે પહોંચી ગયા.

મારી પર્વતની વરસો પહેલાંની ને વરસો સુધીની એ તપશ્ચર્યાભૂમિને મેં મનોમન પ્રણામ કર્યા. એણે મને ઊગતી યુવાનીમાં આશ્રય આપીને, એકાંતિક સાધના-આરાધનાનો અમુલખ અવિસ્મરણીય અવસર પૂરો પાડીને, મારી પરમકલ્યાણકારક કાયાપલટ કરેલી. એને ભૂલેચૂકે પણ કેવી રીતે ભુલાય ? મારે મન એ ભૂમિ મહાન મંગલ તીર્થભૂમિ હતી. સૌ એને અવલોકીને પ્રસન્ન બન્યાં.

માતાજીની અસંખ્ય સ્મૃતિઓ ત્યાં તાજી થઈ.

ગુજરાતના એક દૂર-સુદૂરના નાનાસરખા ગામમાંથી સર્વ સુખને સ્વૈચ્છિક તિલાંજલિ આપીને એકાંત અરણ્યમાં મારી પાસે રહેવા માટે આવેલાં માતાજી ત્યાંના અભાવગ્રસ્ત, ભલભલા મહાત્માના મનની કસોટી કરે તેવા, મહાભયંકર વાતાવરણમાં કેવી રીતે રહેતાં હતાં, એ વખતનું જીવન કેટલું બધું કષ્ટપ્રદ અને કસોટીકારક હતું તેનો સૌને ખ્યાલ આપ્યો. એ એકાંત શાંત સ્થળમાં કશા જ સવિશેષ સાધન સિવાય કેવળ ઈશ્વરની કૃપાથી જ રહી શકાયું. હિંમત એણે જ આપી. ધગશ, લગન, સમજ, શક્તિ, ભક્તિ તથા નિષ્ઠા એણે જ પૂરી પાડી. જે વખતે જે જરૂરી હતું તે પડદા પાછળ રહીને છતાંય સક્રિય રીતે કરાવ્યું.

એ કુટિયાને તૈયાર કરાવનારા સત્પુરુષ ચક્રધર જોશી પણ તાજેતરમાં જ સ્વર્ગવાસ પામેલા. કુટિયાની સાથે એમની સ્મૃતિ પણ સજીવ હતી.

પગદંડીના વિકટ પથ પરથી ધીમેધીમે ઊતરીને અમે નીચે આવ્યાં. એ પથ પરથી અમે વરસો પહેલાં કેટલીયવાર પસાર થયેલાં. માતાજી પ્રત્યેક એકાદશીએ સવારે સંગમસ્નાન માટે જતાં. તેમને સૌથી પ્રથમ કેવી ને કેટલી તકલીફ પડી હશે ! એ એકાંત વિકટ સ્થાનમાં રહેવું એ પણ તપ હતું.

મોટર-સ્ટેન્ડથી આગળ વધીને અમે સંગમસ્થળ પર પહોંચ્યાં. માતાજીના અવશેષોના એક પાત્રનું ત્યાં પણ વિસર્જન કરવાનું હતું. સંગમનું દૃશ્ય કેટલું બધું અદ્દભુત હતું !

એક બાજુથી અલકનંદા અને બીજી બાજુથી ભગવતી ભાગીરથી બંને એકમેકને અવર્ણનીય અનુરાગથી ઊભરાઈને આલિંગતી હોય એવું લાગતું હતું. સૂર્યપ્રકાશમાં એ આખુંય દૃશ્ય અનેરો આનંદ આપતું.

મા સર્વેશ્વરીની સહાયતાથી એ અતિશય પ્રબળ ગતિએ વહેતા સંગમપ્રવાહમાં માતાજીના સ્થૂળ અવશેષોના એક બીજા પાત્રને પ્રવાહિત કરવામાં આવ્યું.

એ પછી સ્નાનાદિથી પરવારીને સંગમસ્થાનની પાસેની નાનકડી ગુફાની બહાર બેસીને ધ્યાન કરીને રઘુનાથ મંદિરના દર્શને ગયાં.

દેવપ્રયાગના નિવાસકાળ દરમિયાન અમારી જુદીજુદી રીતે સ્નેહપૂર્વક સેવા કરનારા ભાઈ મગનલાલને કેવી રીતે ભુલાય ? ટાઈફોઈડની અતિભયંકર લાંબી બીમારી વખતે પોતાને ઘેર લઈ જઈને એ સેવાભાવી સત્પુરુષે મારી મહામૂલ્યવાન સેવા કરેલી. એ તો અત્યારે હયાત નહોતા પરંતુ એમનો પરિવાર હતો. મા સર્વેશ્વરીની અમે જે રૂમમાં રહેલાં તે રૂમને જોવાની ખાસ ઈચ્છા હોવાથી અમે એમના મકાનની મુલાકાત લીધી.

મગનલાલની પત્ની તથા એમના સુપુત્ર તુલસીરામે અમારું ખૂબ જ સ્નેહ સાથે ભાવવિભોર બનીને સ્વાગત કર્યું. માતાજીનું ને ભૂતકાળની અનેક ઘટનાઓનું સ્મરણ કરીને સૌ ગદ્દગદ બન્યાં.

મગનલાલની ધર્મપત્નીના પ્રેમભાવને પેખીને સૌને રામાયણકાળની શબરીની સ્મૃતિ થઈ આવી.

વૈદરાજ એ સમગ્ર સમય દરમિયાન અમારી સાથે જ રહ્યા. એમનો સ્નેહ અને સેવાભાવ અજબ હતો. એમને અમે અવારનવાર પાછા ફરવા માટે જણાવી જોયું. પરંતુ એ એવું કહીને સાથે જ રહ્યા કે આવો અવસર ફરીવાર ક્યારે મળવાનો છે ?

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.