Text Size

Katha

અમરતાનો માર્ગ

બીજા અધ્યાયની ત્રીજી વલ્લીમાં સંસારને સનાતન પીપળા સાથે સરખાવવામાં આવ્યો છે. એ જોઈને ગીતાના પંદરમા અધ્યાયની યાદ આવે છે. પીપળાની એ સુંદર ઉપમા ગીતામાં કઠ    ઉપનિષદના આ અધ્યાય પરથી જ લેવામાં આવી હોય એમ લાગ્યા વિના નથી રહેતું.

યમદેવ કહે છે કે પરમાત્માને જાણવાથી માણસ સાચા અર્થમાં સુખી, શાંતિમય ને અમર બની શકે છે. એ પરમાત્માનું જ્ઞાન માણસે આ જ જીવનમાં ને આ જ શરીરમાં મેળવવા માટે કમર કસીને તૈયાર થવું જોઈએ. તે પરમાત્માનું સંપૂર્ણ સ્વરૂપ કોઈ જાણી શકતું નથી. પંખી જેમ નદીના થોડાં ટીપાં પાણીને ચાંચમાં લઈને ચાલતું થાય છે ને તેથી તેને તૃપ્તિ પણ મળે છે, તેમ અખિલ વિશ્વમાં વ્યાપેલા પરમાત્માને પોતાની અંદર અનુભવીને માણસ કૃતાર્થ થાય છે ને અમર બને છે. તે પરમાત્માના પોતાની અંદર રહેલા રૂપને અનુભવવાનું પણ પૂરતું છે. કોઈ તે પરમાત્માને નરી આંખે પૂરેપૂરા જોઈ શકતું નથી. ભક્તો તેમનું દર્શન જરૂર કરે છે. પણ તે તો તેમના વિરાટ અસીમ અનંત રૂપના સાધારણ સ્વરૂપનું જ. તેમની શાંતિ ને ધન્યતા માટે તેટલું પણ પૂરતું થઈ પડે છે. એટલે તેમના દર્શનની ઉપેક્ષા કરવાની જરૂર નથી. તે પરમાત્મા મન, બુદ્ધિ ને હૃદયથી અનુભવી શકાય છે. મન, બુદ્ધિ ને ઈન્દ્રિયોને શાંત ને સ્થિર કરવાથી તે પરમાત્માની અનુભૂતિ થાય છે ને પરમપદ કે પરમગતિ પણ તે જ કહેવાય છે.

હવે આ ઉપનિષદનો છેવટનો ભાગ શરૂ થાય છે, ને તેમાં પરમાત્માના પરમ અનુભવને માટે યોગની સાધનાનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરમાત્મા વિશે બુદ્ધિથી બધું જાણ્યું તો ખરું, પરંતુ હવે તેમના પ્રત્યક્ષ અનુભવ માટેની સાધના રજૂ કરવામાં આવે છે. સાધના વિના પ્રત્યક્ષ અનુભવ ન જ થાય. તે સાધના ને તે દ્વારા થતા પરમાત્માના પ્રત્યક્ષ અનુભવ, પરિચય કે મેળાપને જ યોગ કહેવામાં આવે છે. તેનાથી ઈન્દ્રિયો ને મન શાંત બને છે, સત્ય જ્ઞાનની પ્રાપ્તિ ને અજ્ઞાનનો નાશ થાય છે. પરમાત્મા પરમ જ્ઞાનરૂપ ને સત્યસ્વરૂપ છે એટલે તેમનો અનુભવ થતાં અમરતાની સાથેસાથે જ્ઞાન પણ મળી રહે છે. એકલી બુદ્ધિ કે વિદ્વતાથી એ ન થઈ શકે. તે માટે આચરણ ને અનુભવ જોઈએ. ને તેથી જ યોગને સાધનાનો સાર કહેવામાં આવે છે. યોગ અનુભવ અથવા આચારનું શાસ્ત્ર છે.

યમદેવ કહે છે કે હૃદયની એકસો ને એક નાડી છે. તેમાંની એક નાડીનું નામ સુષુમ્ણા છે. તે નાડી ઉપર બ્રહ્મરંધ તરફ જાય છે. જે માણસ યોગ કે પ્રાણાયામની સાધનામાં પ્રવીણ બનીને તે નાડી દ્વારા મૃત્યુ વખતે ઉપર ગતિ કરે છે તે અમર બને છે. તે સિવાયની બીજી બધી નાડીઓ જીવાત્માને જુદેજુદે માર્ગે લઈ જાય છે. એટલે કે મૃત્યુ વખતે બીજી નાડીઓ દ્વારા જેનો પ્રાણ બહાર જાય છે તે માણસને બીજી જુદીજુદી ગતિની પ્રાપ્તિ થાય છે. અંગૂઠા જેટલો પુરૂષ મનુષ્યોના હૃદયમાં અંતરાત્મારૂપે સદા રહેલો હોય છે. તેને શરીરથી અલગ જાણવા ને અનુભવવાની કળામાં કુશળ થવું.

એ પ્રમાણે યમદેવે નચિકેતાને અમરતાનો માર્ગ બતાવી દીધો. શરીરવિજ્ઞાન ને શરીરની અંદરના પદાર્થોની માહિતી ભારતના ઋષિઓએ સાધના દ્વારા દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ કરીને મેળવી હતી તેનો પુરાવો આપણને અહીં મળી રહે છે. સાથેસાથે એક વાત યાદ રાખવાની છે કે સુષુમ્ણા નાડી દ્વારા ઊર્ધ્વ ગતિ કરીને અમર થવાના જે માર્ગનો ઉપદેશ યમદેવે નચિકેતાને આપ્યો છે તે યોગ માર્ગ છે, ને નચિકેતાની તે માટેની વિશેષ યોગ્યતાને લક્ષમાં લઈને જ તે ઉપદેશ આપવામાં આવ્યો છે. તેનો અર્થ એમ નથી કે સૌએ તે જ માર્ગે જવું. જેને અનુકૂળ આવે તે એ માર્ગે જઈ શકે છે. બાકી જ્ઞાન ને ભક્તિના બીજા માર્ગ પણ છે. તે સૌનો સાર એ જ છે કે માણસે પરમાત્માને જાણવા કે ઓળખવા. તેમ કરવાથી જ તે મૃત્યુંજય બની શકે છે ને પ્રશાંતિ મેળવે છે.

નચિકેતાનું સદ્ ભાગ્ય કે તેને યમ જેવા મહાન ગુરૂ કે માર્ગદર્શક મળ્યા. સોનું ને સુગંધ ભેગાં થયાં. લોઢું ને પારસનો સમાગમ થયો. પછી બાકી શું રહે ? નચિકેતાએ એ વિદ્યાના પ્રભાવથી નિર્મળતા ને અમરતા મેળવી. જેને તરસ લાગે છે તેને પાણી જરૂર મળે છે. નચિકેતાના જેવી લગન લાગે ને આત્મોન્નતિ કરવાની દ્રઢતા જાગે તો માણસને માટે કાંઈ જ મુશ્કેલ નથી. તેને પ્રભુની કૃપાથી જરૂરી માર્ગદર્શક પણ મળી જાય ને તેનું જીવન ધન્ય થાય. આત્મોન્નતિની એવી અદમ્ય આતુરતા અત્યંત આવશ્યક છે.

ઉપનિષદની પરંપરાગત પદ્ધતિ પ્રમાણે આ ઉપનિષદની પૂર્ણાહુતિ પણ શાંતિપાઠથી જ કરવામાં આવી છે.
ॐ સહનાવવતુ । સહનૌ ભુનક્તુ । સહ વીર્ય કરવાવહૈ ।
તેજસ્વિનાવધીતમસ્તુ । મા વિદ્વિષાવહૈ ॥
ॐ શાંતિ: શાંતિ: શાંતિ: ॥

‘‘ અમે સાથેસાથે વિકાસ કરીએ. પરમાત્મા અમારું સાથે રક્ષણ કરો. અમારું સાથેસાથે પાલન કરો. અમે સાથેસાથે સામર્થ્ય મેળવીએ. અમારું જ્ઞાન તેજસ્વી બનો. અમે કોઈનો પણ દ્વેષ ન કરીએ ને  સૌના  પર પ્રેમ રાખીએ.’’ ॐ શાંતિ: શાંતિ: શાંતિ: ॥

- શ્રી યોગેશ્વરજી ('ઉપનિષદનું અમૃત')

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok