Text Size

Maa Sarveshwari

Maa Sarveshwari's bhajans

Maa-Sarveshwari

પરમાત્માનો પવિત્રતમ પ્રખર પ્રેમ કાંઇ સૌ કોઇના પ્રાણમાં પ્રાકટ્ય પામે છે? ભક્ત કવિ દયારામે ઠીક જ કહ્યું છે કે 'જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે'. જેમનાં અંતઃકરણ નિર્મળ થયા હોય, દુન્યવી આકર્ષણો ઓસર્યા હોય, જેમના વિવેક, વૈરાગ્ય તથા શમ-દમ સુદ્રઢતા પર પહોંચ્યા હોય અને જેમને જીવનમાં પરમાત્માને પામવાની જ કામના હોય તેવા વિરલ આત્માઓ પરમાત્માની પ્રેમભક્તિથી સંપન્ન બનીને પરમાત્મા માટે જ શ્વાસ લેતા જણાય છે.

'અર્ઘ્ય' અને 'અંજલિ' જેવા ભજનસંગ્રહનાં રચયિતા મા સર્વેશ્વરી એવાં જ વિરલ - અતિવિરલ, પરમાત્માનાં પ્રેમરંગે રંગાયેલ અને પરમાત્મામાં જ જીવનારાં અસાધારણ આત્મા છે. ગીતોના માધ્યમ દ્વારા સર્વેશ્વરીના અંતરની ભગવદભાવના, એમની આત્મિક આરાધના તથા અનેકવિધ આધ્યાત્મિક અનુભૂતિઓ વહેતી થઇ છે. સર્વેશ્વરીના ગીતોમાં સહજતા અને નૈસર્ગિકતા છે; શબ્દોનો વ્યર્થ આડંબર, ભાષાની ભભક કે કિલષ્ટતાનું દર્શન એમાં નથી થતું.

પૂર્વસંસ્કારોના સુપરિણામ સ્વરૂપે સદગુરૂનો મેળાપ, એમનું મંગલ માર્ગદર્શન, એમનામાં અવિચળ શ્રદ્ધા તથા આગળ જતાં ગુરૂ અને ગોવિંદની અનુભૂતિજન્ય એકરૂપતા એમના પદોમાં પ્રતિચ્છબિત થઇ છે. પોતાના સદગુરૂને માતા સ્વરૂપે જોવાની એમની વૃતિ ગુરૂ સાથેની એમની પ્રગાઢ ભાવમયતા, નિર્મળતા અને સહજ સ્નેહભાવને છતો કરે છે. ગુરૂદેવની માંદગી પ્રસંગે જ્યારે સર્વત્યાગની ક્ષણ આવી ત્યારે તેને નીડરતા, હિંમત તથા લોકોપવાદને ગૌણ ગણી સહર્ષ અને સમજપૂર્વક વધાવી લીધી. જીવનની એ નિર્ણાયક ક્ષણ સમયની મનોસ્થિતિ ઉપરાંત સર્વેશ્વરીનાં ભજનો દ્વારા એમનો કૃષ્ણપ્રેમ, મૌનમંદિરની અવનવિન અનુભૂતિઓ, કૃપા સંનિધિની આરઝૂ તથા ઇશ્વર દર્શનની તરસ વાચા પામી છે.

કવનની સાથે સાથે મધુર કંઠની બહુમુલ્ય ભેટ પામનાર સર્વેશ્વરીનાં પદોને એમનાં સ્વમુખે સાંભળવા એ એક લ્હાવો હતો. ૧૯૯૫થી મૌનવ્રત ધારણ કરતાં પહેલાં પોતાના રચેલ પદોને સ્વરબદ્ધ કરી મા સર્વેશ્વરીએ  જનસમાજને અનુપમ ભેટ ધરી છે. ગુજરાતના મૂર્ધન્ય સાક્ષર ઇશ્વર પેટલીકરના મુખે 'અર્વાચીન યુગનાં મીરાં' નું બિરુદ પામેલ સર્વેશ્વરીના પરમાત્મપ્રેમી કાળજાની કથા કહેતાં આ ભક્તિરસ સભર પદોને આપણે માણવા જ રહ્યાં.

Explore Maa Sarveshwari's Bhajans :

  1. અર્ઘ્ય
  2. અંજલિ
પૂ. માના ભજનો સાંભળો
  1. અર્ઘ્ય (સ્વર: પુષ્પા છાયા;  સંગીત: ઉપેન્દ્ર ત્રિવેદી)
  2. અર્ઘ્ય (સ્વર: આશિત અને હેમા દેસાઈ; સંગીત: આશિત દેસાઈ)

Today's Quote

Arise, awake and stop not till the goal is reached.
- Swami Vivekananda
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok