Text Size

Mandukya

બધું ॐ રૂપ જ છે

શાંતિપાઠની એવી સુંદર ભાવના સાથે આ ઉપનિષદ શરૂ થાય છે. વિદ્વાનોને માટે આધારભૂત ને મનન કરવા યોગ્ય કહેવાયેલાં દસ ઉપનિષદોમાં આ ઉપનિષદ છેક નાનું છે. તેમાં બધા મળીને બાર જ મંત્ર છે, પરંતુ ઘણું સારું મનાય છે ને વખણાય છે. આ ઉપનિષદની ગાગરમાં તત્વજ્ઞાનના સારનો સાગર સમાવી લેવામાં આવ્યો છે, એમ કેટલાક વિદ્વાનો ને વિચારકોનું માનવું છે. આ ઉપનિષદમાં મોટે ભાગે ॐકારની જ વિચારણા રજૂ કરવામાં આવી છે ને ॐકારની જુદીજુદી માત્રા વિશે વિવરણ કરી ॐકારની ઉપાસનાનું ફળ બતાવવામાં આવ્યું છે.

પાંતંજલ યોગદર્શનમાં ॐકારને પરમાત્માનું નામ કહેવામાં આવ્યું છે ને પરમાત્માના પ્રતીક તરીકે તેની ગણના કરી છે; તે પ્રમાણે આ ઉપનિષદમાં પણ ઋષિ ॐકાર પરમાત્મારૂપ જ છે એમ કહે છે. પરંતુ વધારામાં એક બીજો ઉત્તમ વિચાર પણ રજૂ કરે છે. સામાન્ય રીતે એમ મનાય છે કે પરમાત્મા પોતે જ સંસારના રૂપમાં મૂર્ત કે પ્રકટ થયા છે. પરમાત્મા એક ને અદ્વિતીય છે એમ કહીએ ને તેમને બધે વ્યાપક ગણીએ છતાં સંસારની હયાતી તેનાથી અલગ માનીએ તો પરમાત્માની એકતા ને મહાનતામાં દોષ આવે છે ને પરમાત્મા ને સંસાર એવાં બે તત્વોને માનવાં પડે છે. એટલે તે વિચારને સદોષ સમજીને પરમાત્મા એક છે, અભિન્ન છે, ને સંસારના વિવિધ સ્વરૂપે પણ તે જ વ્યક્ત થયા છે એમ માનવું ડહાપણભર્યું ને બરાબર લાગે છે. આ ઉપનિષદના આરંભમાં ઋષિ આપણને એ જ સત્યની પ્રતીતિ કરાવે છે ને કહે છે કે આ બધું ॐ અક્ષર કે અવિનાશી ॐ રૂપ જ છે.

ओमित्येतदक्षरमिदं  सर्वम् ।
સર્વમ્ એટલે બધું જ. બધું જ ? હા. બધું જ. ભૂતકાળમાં જે થઈ ગયું છે, વર્તમાનમાં થઈ રહ્યું છે, ને ભવિષ્યમાં થવાનું છે, તે બધું જ સર્જન પરમાત્મામાંથી પ્રકટ થયેલું ને પરમાત્મારૂપ છે. સૌના રૂપમાં પરમાત્મા પોતે જ વિલસી રહ્યા છે. એ જ મહાન ને અવિનાશી પરમાત્મતત્વ બધા પદાર્થોમાં પ્રવેશીને બધા રૂપે રમી રહ્યું છે. જે દેખાય છે, સંભળાય છે ને અનુભવાય છે, તે તેનું જ સ્વરૂપ છે, એનો જ એકમાત્ર આવિર્ભાવ છે, એમ સમજવાનું છે. ઉષાના રૂપમાં વહેલી સવારે એ જ ઊગે છે ને સૂર્યના સ્વરૂપે પ્રકાશે છે. તારા ને ચંદ્રના રૂપમાં એ જ ચારુ લાગે છે. નદી, ઝરણાં, સરોવર ને સાગરના સ્વરૂપમાં એ જ પોતાના સુમધુર સંગીતસ્વરે વહ્યા કરે છે, ને પર્વતના રૂપમાં એ જ અચળ બની હસ્યા કરે છે. પુષ્પોમાં ને પંખીની સુમધુર સુરાવલિમાં પણ એ જ છે. વરસતા વરસાદમાં એ જ પોતાનું સુમધુર સંગીત ગાતાં ઘરતીને ભેટે છે ને વાદળમાં એ જ ગર્જે છે. પશુ, પંખી ને મનુષ્યમાં તે જ પ્રકાશે છે. ટૂંકમાં કહીએ તો સંસાર તેનું જ રૂપ છે. તેના વિના કોઈનું અલગ કે સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકતું નથી.

સામાન્ય રીતે અનુભવ કે વિવેક વિનાના માણસને આ વાત શેખચલ્લીના તરંગ કે ટાઢા પહોરનાં ગપ્પાં જેવી લાગે પરંતુ ખરેખર તેમ નથી. સ્વામી વિવેકાનંદને પણ પહેલાં આ વાતમાં વિશ્વાસ ન હતો. રામકૃષ્ણદેવ જ્યારે અભેદદર્શનની આવી વાત કરતા ત્યારે તે હસતા ને તેમની ઠેકડી પણ ઉડાવતા. પરંતુ શ્રી રામકૃષ્ણદેવની કૃપાથી એકવાર તેમને તેવી અલૌકિક અવસ્થાની પ્રાપ્તિ થઈ, ને તેને પરિણામે જ્યાં જ્યાં નજર પડે ત્યાં બધે જ તેમને પરમાત્મતત્વની ઝાંખી થવા માંડી. તેમના કહ્યા પ્રમાણે તેમની તે અવસ્થા લગભગ ત્રણેક દિવસ રહી. હાવરાના પુલ પરથી પસાર થતી વખતે તે તેના થાંભલાને માથું લગાડી જોતા જેથી તેમને પુલ છે કે નહિ તેની ખાતરી થાય. ત્રણેક દિવસના સતત સ્વાનુભવ પછી તેમની તે દશામાં ફેર પડ્યો ત્યારે તેમને ખાતરી થઈ કે રામકૃષ્ણદેવ જે કહે છે તે ખોટું નથી ને પરમાત્માની સત્તા ચર ને અચર બધે જ એક સરખી રહી છે. તે પછી જ તે અદ્વૈતવાદના મહાન હિમાયતી બની શક્યા હતા.

સંસારમાં સર્વત્ર પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની એ અવસ્થા માણસના જીવનમાં આવે છે ને અવારનવાર પ્રકટે છે પણ ખરી, પણ બીજું બધું ભાન ભૂલીને લાંબો વખત કે કાયમ માટે માણસ તે જ અવસ્થામાં રહે તેવું બનવું જરા કઠિન છે. તેવું કોઈક વિરલ માનવના સંબંધમાં જ બને છે, ને ત્યારે તેનાથી કોઈ બહારનાં વ્યાવહારિક કામ થઈ શકતાં નથી. પોતાના શરીરનાં જરૂરી કુદરતી કર્મ તેનાથી નથી થઈ શકતાં. તેવું કોઈક જ વાર બને છે. બાકી મોટે ભાગે તો એવું જ થાય છે કે આત્માનુભવ ને સૌમાં પરમાત્માના સાક્ષાત્કારની એ મહાન ભૂમિકાએ પહોંચ્યા પછી માનવ તે અનુભવની મૂડી ને અવસ્થાને અંતરંગ દ્રષ્ટિએ અખંડ રાખી જરૂરી વ્યવહાર કે કર્મ કરવાની શક્તિ મેળવે છે. આત્મિક રીતે તે આત્માની અખંડતા ને વ્યાપકતાનો અનુભવ નિરંતર કર્યા કરે છે, ને બાહ્ય રીતે લૌકિક કર્મ કરે છે. ગમે તેટલાં મોટાં ને સતત કર્મ કરવા છતાં તેની આત્માનુભવની અવસ્થામાં દોષ નથી આવતો કે ફેર પણ નથી પડતો. સંસારમાં જે પયગંબરો, અવતારી પુરૂષો ને ધર્મના મહાન સ્થાપકો ને ઉપદેશકો થયા છે તે મોટે ભાગે એવા જ શક્તિશાળી મહાપુરૂષો હતા.

બધે પરમાત્માનું દર્શન કરાવનારી આ દશા કોઈ બળજબરી કરીને ઉપરથી લાદેલી દશા નથી. તે કોઈ નકલ કરવાની વસ્તુ પણ નથી. તે તો એક સહજ અથવા સ્વાભાવિક દશા છે, ને સાધનાને પરિણામે, અંદરના વિકાસના ફળરૂપે, આપોઆપ જ આવી મળે છે. મનની નિર્મળતા થતાં તેમાં વિવેક જાગે છે, ને તેને લીધે દૈવી દ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે. તેને લીધે જુદાજુદા ને બહારથી વિભિન્ન દેખાતા પદાર્થો કોઈ એક સનાતન ને શક્તિશાળી સત્તાના સૂત્રમાં બંધાયા હોય એવો અનુભવ થાય છે. એ અનુભવને કામચલાઉ કે ઉપજાવી કાઢેલો માનીએ તોપણ, તેનાથી અનેક લાભ થાય છે. માણસ પોતાના વ્યવહારમાં વધારે પ્રેમાળ, પવિત્ર, રાગદ્વેષ વિનાનો, સેવાભાવવાળો, નમ્ર, નિખાલસ, કપટ ને પ્રપંચરહિત તથા પ્રભુમય બને છે. જે અનુભવથી માનવ દૈવી સંપત્તિનો સ્વામી ને ચાહક બને છે, જીવન પોતાને તથા બીજાને માટે મંગલમય થાય છે, ને માનવતાને મદદ મળે છે, તે અનુભવ સદાને માટે આદરણીય ને અનુકરણીય છે એમાં શંકા નહિ. એને આપણે અવશ્ય અભિનંદન આપીશું. સાધનાના સહજ પરિણામરૂપે એ અનુભવની પ્રાપ્તિ થાય છે એ આપણે કહ્યું છે. પરંતુ તે અનુભવ માટે માણસ વિવેકનો પ્રયોગ પણ કરી શકે છે. પોતાની બુદ્ધિ કે સમજશક્તિથી સૌની અંદર પરમાત્માની સત્તા રમી રહી છે એવો અનુભવ કરવાનો અભ્યાસ પાડવાથી પણ ધીરેધીરે લાભ જ થાય છે ને એવો અનુભવ પાછળથી સહજ બને છે.

સહજ રીતે મેળવેલો કે અભ્યાસની મદદથી કરેલો અનુભવ પોતાને ને બીજાને માટે મંગલકારક બને ને જીવનની કાયાપલટ કરી તેને વધારે ને વધારે ઉજ્જવળ, નિર્મળ ને રસમય કરે તે જ જોવાનું છે. તે હેતુ સધાતો હોય તો તો આપણને લાભ જ લાભ છે. માટે જીવનને એવા અનેરા અભેદભાવના અનુભવથી આલોકિત કરવા પળેપળે પ્રયાસ કરવાની જરૂર છે. જે દેખાય છે તે પ્રભુનું જ રૂપ છે; સુંદર, અસુંદર, ઉત્તમ, અધમ, આકર્ષક ને અનાકર્ષક − બધું તેનું જ સ્વરૂપ છે, ને તેનું જ પ્રતિનિધિત્વ રજૂ કરે છે, એવી ભાવના કેળવવાની ને તેમની તરફના વ્યવહારમાં પલટો લાવવાની જરૂર છે. માનવ, પશુ, પ્રાણી ને પંખીમાં તેનો જ પ્રકાશ છે; તે જ વિશાળ વનમાં હરિયાળી થઈને પથરાઈ રહ્યો છે, ને સુંદર સુમનમાં પણ તે જ સ્મિત કરે છે; પોતાના મસ્તકને બરફના મુકુટથી સુશોભિત કરીને પર્વતોનું રૂપ લઈને એ જ આંખને આનંદ આપે છે, ને ગિરિશિખરથી ઘોર ગર્જના કરતાં ઢળતા ધોધોમાં પણ તે જ ઢળ્યા કરે છે. તારાઓની અનંત આંખ ખોલીને આખી રાત તે જ જુએ છે, ને સૂર્યનાં કોમળ કિરણમાં રાતભર રડનારી વનરાજિની આંખ પણ તે જ લૂછે છે. એવા દર્શનની ટેવ પાડવાથી ખરેખર લાભ થાય છે ને આનંદ મળે છે. ઋષિ કહે છે કે ચરાચરમાં વ્યાપેલા ને ચરાચરરૂપે રહેલા તે પરમાત્મા જ ॐ કાર છે. ॐકાર તેમનું જ નામ છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok