Mon, Jan 25, 2021

સ્ત્રી-શક્તિ

या देवी सर्वभूतेषु शक्ति रूपेण तिष्ठति ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमोनमः ॥
या देवी सर्वभूतेषु, मातृ रूपेण तिष्ठति ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमोनमः ॥

જે દેવી સર્વ જીવોમાં, શક્તિરૂપે રમી રહી,
નમું તેને, નમું તેને, નમું તેને, નમું તેને.
જે દેવી સર્વ જીવોમાં, માતા રૂપે વસી રહી,
નમું તેને, નમું તેને, નમું તેને,  નમું તેને.

બ્રહ્માંડની સ્ત્રીશક્તિ.

શક્તિ, માતા, અંબા, અને જગદંબા તથા પ્રકૃતિ કે માયાનાં ભિન્ન ભિન્ન નામે સંબોધાયેલી એ શક્તિના મહિમાનું જયગાન દુર્ગાસપ્તશતીમાં કરવામાં આવ્યું છે. પ્રાચીન ભારતમાં સ્ત્રીશક્તિને કેટલા બધા માનાર્હ પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવેલી, કેટલા બધા આદરભાવથી જોવામાં આવતી, અને કેટલી બધી પૂજ્યા કે પ્રશસ્તિયોગ્ય માનવમાં આવતી, એનો એ એક નાનકડો છતાં અતિપ્રાચીન દસ્તાવેજી પુરાવો છે. ભારતવર્ષે યોગ્યતામાં સ્ત્રીને પુરૂષ સમોવડી જ કહીને સંતોષ નહોતો વાળ્યો, પરંતુ પુરૂષ કરતાં પણ વધારે શક્તિશાળી કહી બતાવેલી. એ વાતની પ્રતીતિ આપણને દુર્ગાસપ્તશતી પરથી સહેજ થઈ રહે છે.

સ્ત્રીઓ ત્યારે કેવળ વિદ્યાની અધિષ્ઠાત્રી જ ના મનાતી, લક્ષ્મીના સ્વામીની કે સૌન્દર્યની દૈદીપ્યમાન દેવી જ ના ગણાતી, જાતીય આકર્ષણની મૂર્તિના સુખદ કે સર્વોત્તમ સાધનરૂપ પણ ના સમજાતી, પરંતુ શક્તિના સમુચ્ચય સમી ગણાતી. સમાજ કે રાષ્ટ્રની સંરક્ષિકા જેવી મનાતી. લોકો પર જ્યારે આફત આવતી ત્યારે રણચંડીનું રૌદ્ર રૂપ ધારણ કરીને એ આગળ વધતી, અને પોતાના પ્રાણને પાથરતાં કે કાયાને કુરબાન કરતાં પણ ના અચકાતી. એ જેટલી કોમળ કે નાજુક હતી એટલી જ કઠોર થઈ શકતી. પ્રેમાળ હતી એટલી જ પ્રતિશોધની ભાવનાથી ભરપૂર બની શકતી. અને સુંદર હતી એટલી જ સંગ્રામમાં શસ્ત્રો ધારણ કરીને શઠનો સામનો કરવા માટે શૂરવીર પણ થઈ શકતી. દુર્ગાસપ્તશતીમાં નારીના એ વીર રૂપનો જ ઈતિહાસ છે, અને અત્યંત જાજવલ્યમાન મહામહિમાવંતો ઈતિહાસ છે.

આવો, એના પર આછોપાતળો દૃષ્ટિપાત કરી જઈએ.

પુરાણકાળમાં ચંડ, મુંડ, ને મહિષાસુર જેવા માનવરાક્ષસો પૃથ્વી પર પેદા થઈને આતંક ફેલાવતા'તા ત્યારે દેવતાઓએ એમનો નાશ કરવા માટે, પોતાના વ્યક્તિગત તેજને એકત્રિત કરીને, એક દૈવી સ્ત્રીશક્તિને પ્રગટ કરી. એ સ્ત્રીશક્તિ અથવા તો મહાદેવીએ દાનવોની સામે લલકાર કર્યો, અને એમને નિર્મૂળ કરવાનું વ્રત લીધું. એમનું નિકંદન કાઢીને ધરાને દુઃખમુક્ત કરવા માટે એણે નિર્ણય કર્યો. આમ જે કામ દેવતાઓથી ના થઈ શક્યું તે દેવીએ, સંસારની આદ્યશક્તિએ કરવાનો મનોરથ કર્યો.

અને એ મનોરથ પૂરો પણ થયો.

દાનવોનો સંહાર કરીને દેવીએ ધરતીને ભયમાંથી મુક્તિ આપી.

દાનવોની સાથે દેવીએ ઘોર સંગ્રામ કર્યો. દાનવો ભયંકર શસ્ત્રોથી સંપન્ન હતા, જુદી જુદી જાતની માયાવી વિદ્યાઓ જાણતા હતા તથા અતિશય બળવાન હતા. તો પણ દેવીએ એમનો સફળતાપૂર્વક સામનો કર્યો, અને એમનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.

રાક્ષસોના રાજા શુંભે દેવીને કહેવડાવ્યું કે હે કોમલાંગી ! હે સૌન્દર્યના સંપુટ સરખી સ્ત્રી ! તારા હાથમાં હથિયાર નથી શોભતાં, તું લડવા માટે નહિ પરંતુ મનુષ્યના હૃદય પર રાજ્ય કરવા માટે જન્મી છે. તારું સુંદરતમ સ્વરૂપ દેવતાઓને પણ મોહિત કરી શકે એમ છે તો તું મારી પત્ની બની જા. હું તને મારી મહારાણી બનાવીશ. ત્યારે દેવીએ એના દૂતને ઉત્તર આપ્યો કે મારો પતિ તો તે જ બની શકે કે જે મને યુદ્ધના મેદાનમાં જીતી લેશે, અને મારી સમકક્ષ બનીને જે મારી સાથે લડીને મારા અહંકારને ચૂર્ણ કરશે.

આ રહ્યો એ પ્રખ્યાત શ્લોક :
यो मां ज्योति संग्रामे, यो मे दंर्पव्यपोहति ।
यो मे प्रतिखलो लोके, स मे भर्ता भविष्यति ॥

કેટલું બધું મજબૂત મનોબળ ! અને કેટલો બધો દૃઢ કે ઉત્કટ સંકલ્પ ! વાહ રે સ્ત્રીશક્તિ ! દેવોએ તને સર્વોત્તમ કહીને નમસ્કાર કર્યા છે, તથા તારી પ્રેમપ્રશસ્તિ કરી છે તે યોગ્ય જ છે. આવા દૃઢ નિરધાર તથા મજબૂત મનોબળ વિના રાક્ષસોનો સંહાર ભાગ્યે જ કરી શકાત. 

ચંડ, મુંડ ને મહિષાસુર તથા શુંભ ને નિશુંભ દેવીની સામે લડ્યા અને અતિશય ઉગ્રતાથી લડ્યા, છતાં પણ દેવીનો વાળ પણ વાંકો ના થઈ શક્યો. દેવીએ એટલી જ બલકે એથી પણ વિશેષ ઉગ્રતાથી લડીને એમને ધરાશાયી કરી દીધા. જગતને બતાવી દીધું કે સ્ત્રીશક્તિ જરાય પછાત નથી. સમાજ પર આફત આવે છે અને સમાજની હસ્તી ભયમાં મુકાય છે, ત્યારે શસ્ત્રસજ્જ બનીને સ્વ ને પરની રક્ષા માટે એ આગળ આવે છે અને પોતાની ફરજ અદા કરે છે.

આજની અને ભવિષ્યની સ્ત્રીઓને માટે આ હકીકતમાં કેટલી બધી પ્રેરણા સમાયેલી છે ? સ્ત્રી ગમે તે રીતે પણ આતંકકારીનો સામનો કરી શકે છે, એ વાતને યાદ રાખવાની જરૂર છે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

+1 #1 Garasiya Parsingbhai 2012-07-21 12:57
Maa, Shakti, devi is life .. good.

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.