કવિ ને કવિતા
લોકો મને કવિ કહે છે, પણ તેમને ખબર નથી કે સાચો કવિ તો બીજો જ છે. હું તો કેવળ વાંસળી છું, ને તે છે વગાડનારો. તેના સ્વર ઘણાં જ સુરીલા, શાંતિભર્યા ને રસાળ છે. પણ લોકોને તેની ખબર નથી. અરે, ભલભલા પંડિતો ને ભેદપારખુ ને પણ ખબર નથી.
આપણી કવિતા કોઈ શબ્દોનો સંગ્રહ નથી: કલ્પનાની કલા કે લેખનનો મીઠો વ્યવસાય પણ નથી. તે તો સાધના છે. તને ને મને એક કરનારી સ્નેહસાંકળની કડી છે. જ્યારે તારી ઈચ્છા હોય છે ત્યારે જ તે પ્રકટે છે, ને તું આલાપે ત્યારે જ આલાપમાં અવતરે છે.
માટે જ જે મને કવિ કહે છે તેને મારે કહેવું પડે છે કે સાચો કવિ હું નહિ પણ તું છે. તેમને ભલે ખબર ના હોય, તો પણ તું છે. મારી ને સમસ્ત સંસારની કમનીય કવિતાને કરનાર કેવળ તું છે !
- શ્રી યોગેશ્વરજી