તમારી આંખે આંખ મળે.
અંતર મારું આનંદે ને જીવનહેતુ સરે. ... તમારી.
એજ સાધ જીવનની મારી, મંગલ આંખ મળે;
સાધના તપસ્યા એ માટે, ‘પાગલ’ પ્રાણ કરે. ... તમારી.
આંખ મળે આંખે એમાંથી બંને હૃદય વરે;
જુગજુગજૂનો વિરહ થયો તે મિલન થતાં જ મરે. ... તમારી.
કાયમકાજે મળી રહે ને ભાવ અનન્ય ભરે;
મુક્તિ સ્વર્ગ ભલે વૈકુંઠ મળે મુજને ન મળે ! ... તમારી.
એજ ઝંખના, એજ લગન છે, સહેજ સમાધિ મળે;
એક જ દૃષ્ટિ તનમન ને અંતરમાં ક્રાન્તિ કરે. ... તમારી.
(૯-૮-૧૯૫૭, શુક્રવાર)
– © શ્રી યોગેશ્વરજી