પ્રભુમાં શ્રદ્ધા રાખ, સાધક,
પ્રભુમાં શ્રદ્ધા રાખ.
જે કરશે તે મંગલ કરશે, મુખથી એવું ભાખ;
અંતરમાં ઉત્સાહ અડગતા, વદને સ્મિતને રાખ. ... સાધક.
કાયરતાને પ્રમાદ છોડી કર્મતણા ફલ ચાખ;
દુઃખદર્દ નિંદા નિષ્ફળતા તરફ નજર ના નાખ. ... સાધક.
ધ્યેય પુનિત હો, મલિન ભાવ ને વિચારને કર ખાખ;
ચોળી દે તન તેમજ મનમાં દિવ્ય પ્રેમની રાખ. ... સાધક.
છોડ નિસાસા નાહિંમત ને ધૈર્ય પરાક્રમ દાખ;
સફળ કરી લેશે જીવન તો સાધક કૈં છે શાખ. ... સાધક.
(૨૪-૮-૧૯૫૭, શનિવાર)
– © શ્રી યોગેશ્વરજી