Sunday, August 09, 2020

લેખનની રુચિ

 સાહિત્યનો રસ મારા જીવનમાં કેવી રીતે ઉત્પન્ન થયો તે પણ જાણવા જેવું છે. નાની ઉંમરમાં મને વાંચનનો શોખ હતો. બહારનાં સારાં સારાં પુસ્તકો ને માસિકો વાંચવામાં મને આનંદ આવતો. અમારા આશ્રમમાં જ પુસ્તકાલય હતું. તેનો લાભ સૌને મળતો. તેમાં સારાં સારાં માસિકો પણ આવતાં. દર રવિવારે તેમનો લાભ લેવાની છૂટ મળતી. છાત્રાલય, શિક્ષણ પત્રિકા, બાલમિત્ર, બાલજીવન, કુમાર, પ્રસ્થાન, શારદા, નવચેતન ને ગુજરાત જેવાં સારાં સારાં માસિકો હું ખાસ રસપૂર્વક વાંચતો. તેમાં પ્રગટ થતાં કાવ્યો ને લેખોમાં મને રસ પડતો. મારી ઉંમર લગભગ બાર તેર વરસની હતી ત્યારે એક પ્રસંગ બન્યો. આશ્રમમાં કેટલાક મોટી ઉંમરના સાહિત્યરસિક ભાઈઓએ હસ્તલિખિત માસિક કાઢવાની શરૂઆત કરી. તેના તંત્રી ભાઈ શ્રી શંકરલાલ ચોક્સી હતા. તે બહુ સારા ને સદગુણી વિદ્યાર્થી હતા. તે માસિક જોઈને મને પણ કંઈક લખવાનો વિચાર થયો. એક દિવસ હિંમત કરીને મેં ગામઠી નિશાળના શિક્ષક વિશે એક નાનો લેખ લખી નાખ્યો. ભાઈ શંકરલાલને તે વંચાવતા તે ઘણા પ્રસન્ન થયા, મને ઉત્સાહ આપ્યો, ને વિદ્યાર્થીઓમાં મારા વખાણ કર્યા. 'વખાણી ખીચડી દાંતે વળગે' એ કહેવત આપણે ત્યાં જાણીતી છે. કેટલીક વખત તે સાચી પણ ઠરતી હશે. પરંતુ તે કહેવતને દૃષ્ટિ સામે રાખીને જેની તેની ને જ્યારે ત્યારે ટીકા કરવાની પદ્ધતિ  બહુ સારી નથી. ઘણી વાર સામેનો માણસ નિરાશ થઈ જાય છે. કેટલાક માણસોની પદ્ધતિ જ એવી હોય છે. ટીકાકાર કે વિવેચક બનવાનો પ્રસંગ આવે ત્યારે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવાના હોય તે રીતે સાહિત્યકૃતિમાંથી દોષ ઊભા કરે છે ને તેના પર સખત શબ્દોના પ્રહાર કરવા માંડે છે. તેમાં જ તેમને આનંદ આવે છે. કોઈ હાથી મદોન્મત બનીને કોઈ કમળને સૂંઢમાં ઉપાડી લઈને ધરતીમાંથી ખેંચી કાઢે ને ફેંકી દે તેવી તેમની દશા હોય છે. તે દશા સારી નથી. તેને લીધે કેટલીય કુમળી કળીઓ અકાળે કરમાઈ જાય છે. તેને બદલે વિવેચકો જરાક માયાળુ ને સહાનુભૂતિવાળા બને તે જરૂરી છે. તે યાદ રાખે કે તેમનું કામ કેવળ લેખકની કૃતિના ગુણદોષ બતાવવાનું નહિ પણ લેખકને પ્રોત્સાહિત કરવાનું ને તેના લેખનને સુધારવાનું પણ છે. એનો અર્થ એમ નથી કે તે લેખકના ગમે તે લખાણનાં નિરર્થક વખાણ જ કર્યા કરે અને એ રીતે એકાદ ભાટની યાદ અપાવે. સ્તુતિ ને ટીકાના કેફથી દૂર રહીને તે પોતાનું કામ કરે એ આવશ્યક છે. પણ લેખકને ઉત્સાહ આપવા તેણે તેના દોષની સાથે ગુણ બતાવવામાં પણ રસ લેવો જોઇએ. તે ઉપરાંત ઉગતા લેખકોની પીઠ થાબડવાનું પવિત્ર કામ પણ તેણે કરવાનું છે. એ રીતે કહીએ તો કહી શકાય કે તેણે એક માતાની જેમ હૃદયમાં મમત્વ રાખીને જીવવાનું ને વર્તવાનું છે.

નાના સરખા મારા લેખના વખાણથી મને ઉત્સાહ ચઢ્યો. જો તેની કડક ટીકા કે અવગણના થઇ હોત તો મારા હૃદયનો લેખન માટેનો ઉત્સાહ કાયમને માટે ઓસરી જાત. પ્રશસ્તિએ મારા પર જાણે કે પ્રેરણારૂપી પાણી રેડવાનું કામ કર્યું. પછી તો મેં બીજા એક-બે લેખો લખી નાખ્યા અને એક-બે ગીતો પણ લખ્યાં. ધીરે ધીરે વિદ્યાર્થીવર્ગમાં મારી વાતો થવા માંડી. પછી તો ચૌદેક વરસની ઉંમરે અમે હાઇસ્કૂલમાં 'ચેતન' નામે એક સ્વતંત્ર હસ્તલિખિત દ્વિમાસિક કાઢવાની શરૂઆત કરી. તેમાં મને તે વખતે મારી સાથે અંગ્રેજી ચોથા ધોરણમાં ભણતા ભાઇઓએ ને ખાસ કરીને મારા વિદ્યાર્થી મિત્ર ભાઇ નારાયણ જાનીએ મદદ કરી. એવી રીતે મારા સાહિત્યલેખનની સાધારણ શરૂઆત થઇ. તે ક્રમે ક્રમે વધતી જ ગઇ. આજે પણ તે ચાલુ જ છે. એક ગામઠી નિશાળના શિક્ષક પરના નાના સરખા લેખરૂપે શરૂ થઇને લેખનની એ કળા આજે આત્મકથાના અભિનવ સર્જનમાં પરિણમે છે એ પરથી એની પ્રતીતિ થશે.

આપણે ત્યાં જીવનકથા કે આત્મકથાનું સાહિત્ય વધતું જાય છે તે ખરેખર આનંદની વાત છે. તે પ્રકારના સાહિત્યક્ષેત્રનો જેટલો વિકાસ થાય તેટલો લાભકારક છે. જુદા જુદા દૃષ્ટિકોણથી તૈયાર થયેલી જીવનના જુદા જુદા પ્રવાહોને રજૂ કરનારી સત્ય ઘટનાત્મક કથાઓ વધારે ને વધારે પ્રમાણમાં બહાર પડે તે ઇચ્છવા યોગ્ય છે. તેથી લોકોને માનવજીવન, માનવ સ્વભાવ ને માનવ પુરુષાર્થની વિવિધતાનો ખ્યાલ આવશે અને બીજાના જીવનના ઘડતરમાં તે ફાળો ઘણો ઉપયોગી થઇ પડશે. સાધારણ રીતે આપણે ત્યાં મોટાભાગના લોકોમાં કંઇક એવો ખ્યાલ પ્રવર્તે છે કે જે મહાન હોય ને જેણે કોઇક મહાન પરાક્રમનું કામ કર્યું હોય તે જ પોતાની જીવનકથા લખી શકે. કેમ કે સાધારણ શ્રેણીના માણસના જીવનમાં બીજાને બતાવવા જેવું ને પ્રેરણા પૂરી પાડવા જેવું શું છે ? પરંતુ ખરી રીતે તેવું નથી. દરેક માણસના જીવનમાં વત્તીઓછી પ્રેરણાત્મક શક્તિ રહેલી હોય છે. તદ્દન સામાન્ય જેવા દેખાતા જીવનમાં પણ કેટલીક વાર એવી અસાધારણતા, એવું જાદુ ને પ્રેરણાબળ ભર્યું હોય છે જે આપણા અંતરમાં આદરભાવ જગાડે અને અલૌકિકતા જન્માવે. એટલે બહારથી સાધારણ ને વિશેષતા વિનાના દેખાતા જીવનને તદ્દન સાધારણ માની લઇને સદાને માટે ઉપેક્ષાની નજરે જોવાની જરૂર નથી. માણસે પોતે પોતાને દીન ને હીન માનીને પોતાના જીવનને ક્ષુદ્ર માનવાની પણ જરૂર નથી. સાધારણ કે અસાધારણ માનતા જે માનવને પોતાના જીવનની રજૂઆત જાહેર રીતે કરવાનું ઠીક લાગતું હોય ને તેવી રજૂઆતની કલા જેને સિદ્ધ થઇ ચૂકી હોય તે પોતાની જીવનકથા કે આત્મકથા લખી શકે છે. તેનો પ્રયાસ અવશ્ય આવકારદાયક ગણાશે.

જીવનકથા કે આત્મકથાનું આલેખન કોઇ દિલ બહેલાવ કે રમત નથી. કોઇ લૌકિક લાલસા કે મહત્વકાંક્ષાના પોષણનું તેમજ આત્મવિજ્ઞાપનનું અસરકારક સાધન પણ નથી, તે તો એક કષ્ટ કે સાધના છે. જીવનની શુદ્ધિ ને જીવનના વિકાસનું એક મોટું મદદકારક પીઠબળ છે. જીવનને ઉજ્જવલ કરવામાં મોટો ભાગ ભજવનારી વિદ્યા છે. જીવનને શુદ્ધ ને ઉચ્ચ બનાવવા માટે એનો આધાર લેવો આવશ્યક છે. જે માણસને જીવનનો વિચાર કરવાની ટેવ નથી તે પોતાની જાતને ભાગ્યે જ મહાન બનાવી શકશે. પોતાની જાતની ઉન્નતિ પણ ભાગ્યે જ કરી શકશે. જીવનનું આલેખન શબ્દોમાં કરવું જ જોઇએ એવો કોઇ ખાસ નિયમ નથી. તે તેની રુચિ પર અવલંબે છે. પરંતુ વિચારના પ્રદેશમાં, ચિંતન, મનન ને નિદિધ્યાસનના સાધનો દ્વારા તેનું આલેખન કરવાની ટેવ તો તેણે પાડવી જ જોઇએ. તે કળામાં તો તેણે પારંગત થવું જ જોઇએ. જીવનના વિકાસ માટે તે ખૂબ જ જરૂરી છે.

આત્મકથાનું આલેખન એક કળા છે એ વાતનો ખ્યાલ રાખીને એનો આશ્રય લેનારે ખૂબ ખૂબ સાવધ ને જાગ્રત રહેવાની જરૂર છે. સત્યને વફાદાર રહીને તેણે પોતાની જાતને જેવી હોય તેવી જ ચીતરી બતાવવાની છે. હૃદયમાં એક અને વાણીમાં બીજી એવી બે વાતોના પૂજારી તેણે બનવાનું નથી. અતિશયોક્તિના ઉન્માદમાંથી બચવાનું છે. તેની સાથે સાથે પોતાની જાતને વધારે પડતી કંગાળ ને હોય તેથી પણ દીન બતાવવાની ઘેલછામાં પણ નથી પડવાનું. આત્મપ્રશસ્તિ અને આત્મનિંદા બંનેના કેફથી સાવધ રહેવાનું છે. સત્ય ને વાસ્તવિકતાને વફાદાર રહીને, તટસ્થતાને વળગી રહીને પોતાની કથાને કહેવાની કળા તે સાધી લે તે જરૂરી છે. ઉપરાંત, તેણે પોતાની જાતના વિવેચક થવાની પણ આવશ્યકતા છે. તો જ તે જીવનના સારભાગને રજૂ કરીને પોતાની ને બીજાની સેવા કરી શકશે ને પોતાના જીવનનું આલેખન કરીને બેસી રહેવાને બદલે જીવનના વિકાસમાં રસ લઇને તે વિકાસને પરિપૂર્ણ કરવાની કોશિશ કરશે. એ દૃષ્ટિનો સ્વીકાર કરીને આત્મકથાના આ આલેખનમાં હું ઉત્તરોત્તર આગળ વધી રહ્યો છું.

 

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok