સરસ્વતીનું સ્વપ્નદર્શન
જીવનને મહાન બનાવવા માટે સદગુણોના વિકાસ તરફ મેં વધારે ને વધારે લક્ષ આપવા માંડ્યું. મને ખબર પડી કે જીવનને મહાન બનાવવા માટે અધિક ધનની, રૂપની, યશની કે સંપત્તિની જરૂર નથી. વળી બીજા લોકો મહાન માને એવા કેટલાક લોકો છે જે લોકોની નજરમાં મહાન કહેવાય છે, પરંતુ તેમનામાં મહાનતાનો છાંટો પણ નથી હોતો. એથી ઊલટું કેટલાક મહાન પુરુષો સાચા અર્થમાં મહાન હોવા છતાં લોકોમાં જરાય પંકાયેલા હોતા નતી. એટલે લોકોમાં પંકાવું તે મહાનતાની પારાશીશી નથી. અધિક વિદ્વતા કે જ્ઞાન પણ માણસને મહાન બનાવી શકતું નથી. મહાન બનવા માટે મુખ્ય વાત તો એ છે કે માણસે સદગુણી ને સદાચારી થવું જોઈએ. દૈવી સંપત્તિના ગુણોથી સંપન્ન થવું જોઈએ. વિચાર, વાણી, વર્તનમાં એક થવું જોઈએ, અથવા તો એ બધા ભાવોને એક જ વાક્યમાં સમાવી લઈને કહેવું હોય તો કહી શકાય કે તેણે સાચા અર્થમાં માનવ બનવું જોઈએ. તેની સાથે સાથે પોતાના ને બીજાના હિતને માટે શ્રમ કરીને, મન ને ઈન્દ્રિયોનો સંયમ સાધીને પરમાત્મા કે પૂર્ણતાની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો જોઈએ. તો જ તેને સાચા અર્થમાં મહાન ને માનપાત્ર માની શકાય. તેવો માણસ લોકોમાં પ્રસિદ્ધ જ હોય એવું કશું નથી. લોકકીર્તિ કે નામનાથી દૂર રહીને પણ તે પોતાનું જીવન જીવી રહ્યો હોય અથવા તો કોઈવાર સમાજમાં પ્રતિષ્ઠા ને યશની પ્રાપ્તિ પણ કરી ચૂક્યો હોય. તે નિરક્ષર કે સાક્ષર પણ હોય શકે, પરંતુ બંને દશામાં વિવેકશક્તિથી સારી પેઠે સંપન્ન હોય. તેનામાં બહારના રૂપનો છાંટોયે ના હોય અથવા એમ પણ બને કે તે રૂપરૂપનો અંબાર હોય, પરંતુ બંને દશામાં બાહ્ય રૂપ ને રંગની આસક્તિથી પર હોય. ધનને જીવનનું પ્રધાન અંગ ના માનતો હોય, તેને જરૂર જેટલું જ મહત્વ આપતો હોય, ને જીવનના પ્રધાન બળ તરીકે આત્મબળ કે ઈશ્વરને જ માનતો હોય. એવા જ પુરુષને મહાન પુરુષ કે મહાત્મા કહી શકાય. તેવા લોકોત્તર પુરુષની સંક્ષિપ્ત રૂપરેખા એવી જ હોઈ શકે તે વિશે મને સંશય ન હતો. એટલે કિશોરાવસ્થાના તે કાળમાં જ તે ખ્યાલને સાકાર કે સફળ કરવાની શરૂઆત મેં કરી દીધી. મારી નાની ઉંમરના પ્રમાણમાં મહાન જીવનનો એ ખ્યાલ જરાક મોટો હતો. પરંતુ તેને સ્પષ્ટતાથી સમજવામાં બુદ્ધ, રામકૃષ્ણદેવ, દયાનંદ ને વિવેકાનંદ જેવા મહાન પુરુષોના જીવનચરિત્રો તથા ગીતામાંથી મને મદદ મળી. તેમણે મારા કામને પ્રમાણમાં સહેલું કરી દીધું.
એટલે મારા જીવનની શુદ્ધિ માટે મેં વ્યક્તિગત પ્રયાસો કરતાં કરતાં ઈશ્વરરૂપી 'મા'ને પ્રાર્થના કરવા માડી. તે દિવસોમાં એક બીજું યાદગાર સ્વપ્નું આવ્યું. તે સ્વપ્ન ઘણું જ સુંદર ને રસિક હતું. તેમાં મેં આકાશમાં સફેદ રૂના ઢગલા જેવાં વાદળો પર સુંદર મેઘધનુ જોયું. તેના પર જગદંબા-માતા સરસ્વતી બેઠેલાં. તેમણે સફેદ દૂધ જેવાં વસ્ત્રો પહેરેલાં. તેમનું સ્વરૂપ અતિશય સુંદર ને ગૌર વર્ણનું હતું. લાંબા લાંબા ખુલ્લા વાળ તેમના મુખની આજુબાજુ ઊડી ને શોભી રહેલા. તેમના હાથમાં વીણા હતી. તેના તાર પર તેમની કિસલય કરતાં પણ કોમળ દેખાતી પાતળી અંગુલિ ફરી રહેલી. તેમની આંખ ને વદનના ભાવો કેટલા અનુપમ હતા તે તો કોઈ મોટામાં મોટો કવિજન પણ કેવી રીતે કહી શકે ? હું તો એટલું કહી શકું કે તેમના વદન પર અખૂટ શાંતિ ને મધુરતા દેખાતી. તેમની બંને બાજુ બે-બે બીજી સ્ત્રીઓ ઊભેલી. તેમાંથી કોઈ પંખો નાખતી તો કોઈ પ્રણામ કરીને જોઈ રહેલી. સ્વપ્નનું એ દર્શન એટલું બધું સાફ હતું કે વાત નહિ. અંતરિક્ષમાં છતાં છેક પાસે જોવામાં આવેલું 'મા'નું એ સ્વરૂપ આજે પણ સ્મૃતિપટ પર એવું જ સાફ દેખી શકાય છે. એ સ્વપ્ન વીણાપાણિ સરસ્વતીનું હતું એમ સામાન્ય રીતે કહી શકાય. કેમ કે વીણાપુસ્તકધારિણી સરસ્વતીની કલ્પના સાથે તે બંધ બેસે છે. વળી પેલા પ્રસિદ્ધ શ્લોકમાં કહ્યા પ્રમાણે તો સ્વરૂપ કુંદ, ઈન્દુ ને તુષારહાર જેવું ધવલ ને સ્વચ્છ શ્વેત વસ્ત્રોથી સંપન્ન હતું. પરંતુ મારે માટે તો તે 'મા'નું દર્શન હતું. જે 'મા'ને મેળવવા માટે મારું હૃદય રડી રહેલું ને જેને જોવા માટે મારી આંખમાં ઝંખના હતી તે 'મા'એ જ પોતાના સુંદર સ્વરૂપને સ્વપ્નમાં મારી પાસે આ રીતે પ્રગટ કર્યું એમ મેં માની લીધું. ને મારું માનવું બરાબર ન હતું એમ કોણ કહેશે ? શાસ્ત્રોકારોએ સાધનાની સરળતા ખાતર, સાધકોની જુદી જુદી રુચિ કે પ્રકૃતિનો વિચાર કરીને મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી એવાં ત્રણ શક્તિસ્વરૂપોનું વર્ણન કર્યું છે. તે ત્રણે સ્વરૂપો બહારથી ભિન્નતાવાળાં દેખાવા છતાં પણ અંદરખાને એક છે અને એક જ જગદંબાના ત્રણ રૂપ છે એ વાતની કોણ ના કહેશે ? તે દ્વારા 'મા'ના મહિમાની અભિવ્યક્તિ નથી થઈ રહી એવું કહેવા કયો વિચારશીલ ને અનુભવી પુરુષ તૈયાર થશે ? આપણા ઋષિવરો તો કહી ગયા છે કે સત્યરૂપી પરમાત્મા એક જ આ સંસારમાં વિરાજી રહ્યા છે. બીજા જુદાં જુદાં નામ ને રૂપ તેમનાં જ છે. एकं सद्विप्रा बहुधा वदन्ति. એટલે કેવલ પુરુષરૂપો જ નહિ જ પણ સ્ત્રી ને પુરુષનાં બધાં જ રૂપો એક પરમાત્માનાં જ છે. સૌમાં તત્વરૂપે તે જ રહેલા છે. ભેદભાવને દૂર કરીને અભેદભાવના એવા અનુભવની પ્રાપ્તિ કરવાની છે. અનેકતામાંથી એકતામાં પ્રવેશ કરવાનો છે. ઈશ્વરની કૃપાથી મને જીવનનાં એ શરૂઆતના વરસોમાં એમ જ લાગતું કે જડ ને ચેતનનાં જુદાં જુદાં રૂપોમાં એ ઈશ્વરરૂપી 'મા' જ વિલસી રહી છે. એટલે તે જ 'મા'એ કૃપા કરીને મને સ્વપ્નમાં પોતાનું સ્વરૂપ બતાવ્યું એમ મેં માની લીધું.
'મા'ના એ સ્વપ્નદર્શનથી મને આનંદ થયો. સાથે સાથે મને વિચાર થયો કે 'મા'નું સ્વરૂપ કેટલું બધું સુંદર છે ? સમસ્ત સંસારની સુંદરતા સાથે પણ તેની સુંદરતાની સરખામણી ભાગ્યે જ કરી શકાય. સંસારની સ્ત્રીઓમાં જે સુંદરતા દેખાય છે તે તો માની સુંદરતાના એક સહસ્ત્રાંશ બરાબર પણ નથી. સંસારમાં સુંદર દેખાતાં ને કહેવાતા બધાં જ શરીરો વ્યાધિ, વૃદ્ધાવસ્થા, ગંદકી ને મરણને શરણ થનારાં છે. તેમાં કોઈ શાશ્વત નથી. પછી તેમની સુંદરતા ક્યાંથી શાશ્વત હોઈ શકે ? માનવ શરીરમાં પ્રગટ થનારું યૌવન ને તેનું સૌંદર્ય તો આકાશમાં ક્ષણવાર ચમકીને અદૃશ્ય થઈ જનારી ચપલાની પેઠે ચંચળ છે. તેનો મોહ ને ગર્વ અસ્થાને છે. તેની પ્રીતિ પણ મિથ્યા છે. કોઈ પણ વિવેકી પુરુષ સુંદરતાના સદન સમા ઈશ્વરરૂપી 'મા'ના આવા સનાતન ને સુખમય સ્વરૂપને છોડીને સંસારનાં સાધારણ સ્વરૂપોમાં આસક્ત થવાનું ભાગ્યે જ પસંદ કરશે. બીજા ગમે તેમ કરે પણ મારે તો 'મા'ના એ સુંદર સ્વરૂપમાં જ મન લગાડવું જોઈએ. ને તેનો સાક્ષાત્કાર કરવાના પ્રયાસ કરવા જોઈએ. 'મા'નું આવું સુંદર સ્વરૂપ ઉઘાડી આંખે જોવાનો લહાવો મળે તો કેટલો આનંદ આવે ? જીવન ત્યારે જ સફળ ને ધન્ય બને.
એ પ્રમાણે 'મા'ના સ્વપ્નદર્શનથી 'મા'નો સાક્ષાત્કાર કરવાની મારી ભાવનાને બળ મળ્યું. મને થયું કે 'મા'ની મારા પર કૃપા છે ને તેને પરિણામે 'મા'નું સાક્ષાત્ દર્શન એક ધન્ય દિવસે જરૂર થશે.