if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 ધ્યાન કેવી રીતે કરવું તેની મને ખબર ન હતી. સમાધિની સમજ પણ તે દિવસોમાં બરાબર ન હતી. માત્ર તેની ઝાંખી સરખી કલ્પના હતી. એકાંતમાં આંખ મીંચીને શાંતિપૂર્વક બેસી રહેવું ને મનને નિર્વિચાર કરી દેવું તેને હું ધ્યાન માનતો. એવું ધ્યાન મને ગમતું. એનો અભ્યાસ વહેલી સવારે તથા રાતે કરવાનો મેં નિયમ રાખ્યો. તેથી મને શાંતિ મળી. એમ કરતાં કરતાં શરીરનું ભાન ભૂલાઈ જશે, મન સંપૂર્ણપણે એકાગ્ર બનીને પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મામાં મળી જશે, ત્યારે સમાધિની સિદ્ધિ થશે, એવો મારો ખ્યાલ હતો. તેવી સિદ્ધિ માટે હું પ્રયાસ કરતો પણ તેની પ્રાપ્તિનું કામ જરા કઠિન હતું. મોટામોટા સાધકો ને જ્ઞાનીઓને માટે પણ તે કઠિન છે તો પછી હું તો એક સાધારણ અનભિજ્ઞ બાળક હતો. મારામાં જ્ઞાન કે સાધનશક્તિનો છાંટો પણ ન હતો. મારે માટે તે કામ સહેલું ક્યાંથી થઈ શકે ? છતાં પણ મારા પ્રયાસ ચાલુ હતા. મને વિશ્વાસ હતો કે 'મા'ની કૃપાથી એક દિવસ મારા પ્રયાસ જરૂર સફળ થશે ને મને સમાધિ અવસ્થાના અનેરા આનંદની પ્રાપ્તિ થઈ જશે. વિશ્વાસની એ શક્તિની સહાયતાથી મારું જીવન આગળ ને આગળ વધી રહ્યું.

તે વરસોમાં જ્યારે જ્યારે ઉનાળાની રજા પડતી ત્યારે હું વડોદરા ને સરોડામાં રહેતો. સરોડાના ગ્રામજીવનમાં મને વધારે ગમતું. સરોડામાં રહેતો તે દરમિયાન સવારે સાબરમતી નદીમાં સ્નાન કરવાનો મેં નિયમ રાખેલો. ઉપરાંત રોજ બપોરે ગામથી દૂર એકાંતમાં આવેલા સિદ્ધેશ્વરી માતાના સ્થાનમાં જઈને હું બેસતો. ત્યાં માતાના મંદિરમાં બેસીને પ્રાર્થના ને ધ્યાન કરતો. એવી રીતે મારો વખત શાંતિપૂર્વક પસાર થઈ જતો. વડોદરામાં પણ સાંજે રાજમહેલ રોડ તરફ ફરવા જવાની મેં ટેવ પાડેલી.

એવી જ રીતે એક વેકેશનમાં હું વડોદરા ગયો હતો. તે વખતે મારી ઉંમર સોળેક વરસની હતી. માતાજીના ભાઈ રમણભાઈ વડોદરાની લોહાણા બોર્ડીંગના મકાનમાં જ રહેતા. તેમના મકાનમાં એક નાનું સરખું માળિયું હતું. ત્યાં બેસીને હું કોઈ સારા પુસ્તકનું વાચન ને સાંજે એકાદ કલાક પ્રાર્થના ને ધ્યાન કરતો. સૂર્યાસ્ત થયા પછી થોડીવારે માળિયામાં અંધારું છવાઈ જતું એટલે મને આનંદ આવતો. કારણ કે અંધારું મને પ્રથમથી જ પ્યારું લાગતું. અંધારા એકાંતમાં પ્રાર્થના ને ધ્યાન કરતાં કલાકો લગી બેસી રહેવાની કેટલાય વખતથી મેં ટેવ પાડેલી.

એક દિવસ સાંજનો સમય હતો. માળિયાની નાની સરખી બારીમાંથી બહારનું ખુલ્લું આકાશ દેખાતું. તેમાં છવાઈ ગયેલા સંધ્યાના સુંદર રંગોનું દર્શન કરતાં હું બારી પાસે ઊભો રહ્યો. તે વખતે મને ધ્યાનમાં બેસવાનું મન થયું. હું ધ્યાનમાં બેઠો.

તે દિવસે કોણ જાણે કેમ પણ મને ધ્યાનમાં ઊંડી શાંતિ મળી. કોઈ શીતળ સરિતામાં સ્નાન કરતો હોઉં એમ મારું મન છેક જ શીતળ થઈ ગયું. લગભગ કલાક જેટલો સમય વીતી ગયો. ધ્યાનનો કાર્યક્રમ પૂરો થયો. આંખ ઉઘાડીને થોડીવાર ત્યાં ને ત્યાં જ પ્રાર્થના કરવાનો મેં વિચાર કર્યો. તે પ્રમાણે મેં આંખ ઉઘાડી. ત્યાં મારી નવાઈનો પાર રહ્યો નહિ. અત્યાર સુધી કદી પણ ના જોયેલું ને જેની કલ્પના પણ ન હતી એવું એક દૃશ્ય મારી સામે ઉપસ્થિત થયું. આ કદાચ મારા મનનો ભ્રમ કે મારી આંખોની નબળાઈ તો નથી ને, એમ વિચારીને મેં ધ્યાનાવસ્થામાંથી તાજી ઉઘડેલી મારી આંખને ચોળી જોઈ, એકવાર ફરી બંધ કરી ને ઉઘાડી. પણ તે દૃશ્ય તો એવું જ અચલ રહ્યું. વાત એમ હતી કે મારી સામે લગભગ બે ફૂટ જેટલે જ દૂર માળિયામાં બધે પ્રકાશ પથરાઈ ગયેલો અને એની વચ્ચે મારી બરાબર સામે એક મહાપુરુષની આકૃતિ પ્રકટેલી. તે મહાપુરુષ આંખ બંધ કરીને સનાતન શાંતિની મૂર્તિ બનીને બેઠેલા. તેમણે પીળા રંગનું વસ્ત્ર ચીવર પહેરેલું. તેમના તેજસ્વી સુવર્ણસમા મુખ પર મધુરતા ને નિશ્ચલતા હતી. શિર પર કાળા કોમળ કેશ હતા. તે શિરની વચ્ચે કોઈ પ્રાચીન ઋષિવરની પેઠે બાંધેલા હતા. એવી અપાર શોભાના સાકાર સ્વરૂપ જેવા એ મહાપુરુષ મારી તદ્દન નજીક વિરાજેલા. તેમને ઓળખી કાઢતાં મને વાર ના લાગી. તેમના ચિત્રો મેં જોયાં હતાં. તેમની સાથે તેમની આકૃતિ તદ્દન મળતી હતી. એટલે મને નક્કી કરતાં વાર ના લાગી કે આ મહાપુરુષ ભગવાન બુદ્ધ છે. પ્રભુના એક મહાન પ્રતિનિધિ, અવતાર, પ્રેમ ને ત્યાગની મૂર્તિ અને અહિંસાના ઉપદેશક ભગવાન બુદ્ધ જ કૃપા કરીને મારી સામે પ્રગટ થયા છે ને મને તેમના દર્શનનો દુર્લભ લાભ મળી રહ્યો છે એ વિશે મને તલ માત્ર સંદેહ ના રહ્યો. રામકૃષ્ણદેવ જેવા મહાપુરુષોના જીવનમાં આવા દર્શનના પ્રસંગો મેં વાંચેલા. સાધકના જીવનમાં મહાપુરુષો, દેવતાઓ ને ઈશ્વરના અવતારના દર્શનના આવા પ્રસંગો આવે છે તે વાતની ખબર પણ મને તેથી જ પડેલી. ભગવાન બુદ્ધનું જીવન મેં વાંચેલું. તે મને ખૂબ જ ગમી ગયેલું. તેમની જેમ જ આત્મોન્નતિ કરવાનો મારો વિચાર હતો. તે વિચારને જાણી લઈને ભગવાન બુદ્ધ પોતે જ મને આશીર્વાદ આપવા આવ્યા કે શું ? મારા સુષુપ્ત સંસ્કારને જાગ્રત કરવા ને મારી સાથેનો પોતાનો પુરાતન સંબંધ ફરી ચાલુ કરવા તેમણે આ ઉત્તમ તક ઊભી કરી કે શું ? એક સારા સાધક તરીકે મારી યોગ્યતા તલભાર પણ ન હતી. જ્ઞાન, ભક્તિ ને યોગના રહસ્યથી હું અજાણ હતો. ટૂંકમાં કહું તો તદ્દન કોરો હતો. છતાં પણ ઈશ્વરની કૃપાથી દર્શનનો આ અનેરો અવસર મને પ્રાપ્ત થયો. કૃપાના એ રહસ્યનો એ ઉકેલ કોણ કરી શકે ? તેનો પાર કોણ પામી શકે ? તે કોના પર, ક્યારે ને ક્યાં કૃપા કરવા માગે છે તેનો ભેદ કોણ જાણી શકે ? મોટા મોટા મુનિવરોની મતિ ત્યાં મૂંઝવણમાં મુકાય છે તો મારું શું ગજું ?

ગમે તેમ પણ દર્શનનો આનંદ અનેરો હતો. ભગવાન બુદ્ધની આકૃતિ કેટલી બધી પ્રેમમય અને અલૌકિક હતી ? તેનું પાન કરતાં આંખ થાકતી ન હતી અને અંતરને તૃપ્તિ પણ વળતી નહિ. લગભગ પાંચેક મિનિટ સુધી એ દર્શન કાયમ રહ્યું. પછી ભગવાનની છાતી પર મોટા રૂપેરી અક્ષરો લખાયા. પહેલા 'યુ' લખાયો. તે અદૃશ્ય થઈ ગયો. પછી 'ગા' લખાયો. તે પણ અદૃશ્ય થઈ ગયો. એમ ક્રમેક્રમે 'યુગાવતાર' એમ પાંચ અક્ષરો શુદ્ધ ગુજરાતીમાં લખાયા ને અદૃશ્ય થઈ ગયા. તેનો સાચો મર્મ મારા સમજવામાં આવ્યો નહિ. તે પછી બુદ્ધ ભગવાનનું સ્વરૂપ સહેજ ઝાંખું થયું, વધારે ઝાંખું થયું, ને છેવટે અવકાશમાં મળી ગયું કે અદૃશ્ય થયું.

દર્શનનો  આવો પ્રંસંગ માટે પહેલો જ હતો તેથી મારો ઉત્સાહ વધી ગયો. સાધકના જીવનમાં આવા અનુભવથી ઉત્સાહ વધે ને શ્રદ્ધા બળવત્તર બને એ સમજી શકાય તેમ છે. તેથી સાધનામાં મન વધારે લાગે અને એકાગ્રતા વધે. એથી ઈશ્વર કેટલીકવાર સાધકોના જીવનમાં આવા પ્રસંગો પેદા કરે છે. પણ જેને આવા અનુભવો ના મળતા હોય તેણે પણ નિરાશ થવાની જરૂર નથી. કેમ કે દરેકના અનુભવ એકસરખા ભાગ્યે જ હોય છે. અનુભવની વધારે ચિંતા કર્યા વિના સાધનાના માર્ગે આગળ ને આગળ વધતા રહેવું જોઈએ.

રામકૃષ્ણદેવ કહ્યું છે કે કેટલાક ઝાડને પહેલાં ફળ ને પછી ફૂલ આવે છે તેમ કેટલાક સાધકોને  પહેલાં અનુભવ થાય છે ને પછી તે સાધકો સાધના કરે છે. મારા સંબંધમાં એ વાત સાચી ઠરી. નહિ તો કોઈ પણ પ્રકારની વિશેષ સાધના વિના મને આવો અનુભવ ક્યાંથી થાય ? કદાચ તેમાં જન્માંતર સંસ્કારો કારણરૂપ હશે.

ભગવાન બુદ્ધની એ અલૌકિક આકૃતિ આજે પણ એવી જ યાદ આવે છે. તે પછી તો તેમના પ્રત્યેનો મારો પ્રેમ ઘણો વધી ગયો છે. તેવી રીતે ભગવાન બુદ્ધને માટે જેના દિલમાં પ્રેમ હોય ને જેનું અંતર તેમનું દર્શન કરવા આતુર હોય તે આજે પણ તેમનું દર્શન કરી શકે છે એવો મારો વિશ્વાસ છે. મારામાં તે વખતે વિશેષ પ્રેમભાવ ના હોવા છતાં તેમણે મને દર્શન આપ્યાં તો જે રાત દિવસ તેમના પ્રેમમાં રંગાઈ જશે ને તેમની યાદમાં ચકચૂર બનશે તેને તો તે દર્શન દેશે જ એ નક્કી છે. ભગવાન બુદ્ધનો આ સંદેશ છે. એ સંદેશના પ્રદાતા ભગવાન બુદ્ધને મારા પ્રણામ છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.