Wednesday, July 08, 2020

યોગાભ્યાસની રુચિ

 યોગાભ્યાસ તરફ મારું મન પહેલેથી જ ખેંચાતું હતું. યોગાભ્યાસ કરીને લોકોત્તર શરીરસંપત્તિ કે સિદ્ધિઓની પ્રાપ્તિ કરવાનો મારો વિચાર ન હતો. યોગાભ્યાસ મને આત્માનો સાક્ષાત્કાર કરાવી આપશે એવી આશાથી જ તે તરફ મારું મન આકર્ષાતું. મારા દિલમાં જગદંબાનું દર્શન કરવાની લગની લાગેલી. તે લગનીને જે શાંત કરી ના શકે તેવા યોગ, જ્ઞાન કે સાધનની મારે મન કશી કિંમત ન હતી. મારા થોડાં ઘણાં વાચન પરથી મને જાણવા મળ્યું કે યોગસાધનાનો આધાર લેવાથી પરમાત્માનો સાક્ષાત્કાર સાધકને સહેલાઈથી થઈ શકે છે. તેથી મને યોગ પ્રત્યે રુચિ થઈ. પરમાત્માનાં દર્શન માટે મારા દિલમાં તે વખતે જે લ્હાય લાગી હતી, ને જે વેદના થતી હતી તેનું વર્ણન કેવી રીતે કરું ? તે વખતની મારી વિરહદશાનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. મારું મન સંસારના કોઈયે પદાર્થમાં લાગતું નહિ. કોઈયે વિષયની રસવૃત્તિ મને સ્પર્શી ના શકતી. પરમાત્માના દર્શન માટે મારું અંતર આતુર બનીને રડતું. મન બેચેન બનતું. વિરહની પરંપરા ઊઠતી, વેદના તેને નીચોવી નાખતી. જીવનમાં પ્રેમની જ્વાળા સળગી રહેતી. હૃદય રાગમય બનીને 'મા'ને પોકારતું અને આંખ ચારે તરફ તેની શોધ કરતાં તલસતી. રાત પડતી ને હૃદય રડી પડતું કે એક દિવસ વધારે વહી ગયો પણ 'મા'નું દર્શન ના થયું ! તેના દર્શન વિના જીવનમાં કશો સાર ના દેખાતો. એ દશા ઘણી અજબ હતી. તે દશામાં 'મા'નો સાક્ષાત્કાર કરવા મારાથી બને તેટલા બધા પ્રયાસ હું કરી છૂટું તે વાત સહેલાઇથી સમજાય તેવી છે. માંદા માણસો જેમ સાજા થવાના બધા જ પ્રયાસ કરે, ને શક્ય તેટલા વધારે વૈદો ને ઉપચારોનો આધાર લે તેમ મેં પણ બને તેટલા વધારે સાધનનો આધાર લેવાનો ને છેવટે દિલના દર્દને કાયમ માટે દૂર કરવાનો વિચાર કર્યો. તેથી જ મને યોગાભ્યાસ પ્રત્યે પ્રેમ થયો.

 પરંતુ યોગની સાધના શીખવી કેવી રીતે ? યોગાભ્યાસની માહિતી કેવી રીતે ને કોની  પાસેથી મેળવવી ? યોગાભ્યાસ કરવાની ઈચ્છા હોય તેથી જ કાંઈ યોગાભ્યાસનું કામ સહેલું થઈ જતું નથી. યોગાભ્યાસ માટે મુખ્ય અનિવાર્ય આવશ્યકતા ગુરુ અથવા માર્ગદર્શકની છે. જેણે પોતે યોગની સાધના કરી હોય ને તેના રહસ્યનું જેને જ્ઞાન હોય એવા અનુભવી પુરુષની દોરવણી વિના યોગની સાધના ભાગ્યે જ થઈ શકે. પણ એવા અનુભવી પુરુષ ક્યાંથી મળે ? મહાપુરુષો કહે છે કે દૃઢ ઈચ્છા હોય તો તેવા પુરુષ મળી શકે છે. જેનું હૃદય તેવા પુરુષના મિલન માટે તલસતું હોય તેને તેની પ્રાપ્તિ થઈ રહે છે. ઈશ્વરની કૃપાથી એવા સંજોગો ઊભા થાય છે અને એવું વાતાવરણ મળી રહે છે. એ કથનનો અનુભવ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મારા જીવનમાં મને એનો અનુભવ આજ સુધી અનેકવાર થયો છે. તે વખતે પણ તેની જરા જેટલી ઝાંખી થઈ શકી.

તે વખતે મુંબઈમાં ત્રણેક યોગાશ્રમો ચાલતા. એમાંનો એક અમરધામ યોગાશ્રમ ચર્નીરોડ સ્ટેશનની પાછળ એક ઊંચા મકાનમાં હતો. તેની વાત મેં સાંભળી એટલે એક દિવસે સવારે મેં તેની મુલાકાત લીધી. આશ્રમના મુખ્ય સંચાલક ગુરુજી કહેવાતા. તે યોગ વિદ્યામાં કુશળ મનાતા. તેમની પાસે જઈને મેં આશ્રમ વિશે માહિતી માગી. તે બહુ ભલા માણસ હતા. તેમનું વર્તન માયાળુ, નમ્ર ને સરળ હતું. તે મને જોઈને ખુશ થયા ને મારી જિજ્ઞાસાને તૃપ્ત કરવા તેમણે પોતાનાથી બનતો પ્રયાસ કરી જોયો. મેં તેમની પાસે મારા મનોભાવોની રજૂઆત કરતાં ખુલાસો કર્યો કે મારો વિચાર ઈશ્વરનું દર્શન કરવાનો છે. તે માટે મને લગની લાગી છે ને તે વિના મને ચેન પડતું નથી. શું તમે ઈશ્વરદર્શન કર્યું છે ? પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે ?  અથવા તેનો ચોક્કસ ઉપાય તમે જાણો છો ? અહીં આસનો, ષટ્ ક્રિયા ને પ્રાણાયામ શીખવવામાં આવે છે. પણ મારો મુખ્ય રસ તેમાં નથી. મને ઈશ્વરદર્શન કરવાની જ ઈચ્છા છે. તેના વિના બીજું કાંઈ જ નથી ગમતું.

મારી વાત સાંભળીને તેઓ પ્રસન્ન થયા. તેમણે મારા તરફ પ્રેમથી જોયું ને પછી કહેવા માંડ્યા, 'તમારા જેવા વિદ્યાર્થી તો અમારા યોગાશ્રમમાં આ પહેલા જ આવે છે. આ મુંબઈ નગરીમાં ઈશ્વરની ભૂખ ભાગ્યે જ કોઈને લાગી હશે. અત્યારે તો લોકો સંસારના સુખને સર્વસ્વ માનીને તેને મેળવવા માટે જ મહેનત કરે છે. ધન, પ્રતિષ્ઠા, સત્તામાં વધારે ભાગના મનુષ્યો ડુબી ગયા છે. તેની મોહિનીને મૂકીને આત્મસાક્ષાત્કારની વાતો કોણ કરે ? તમને ધન્ય છે કે આટલી નાની ઉંમરમાં તમને આવા ઉત્તમ વિચારો આવે છે. તમારા સંસ્કારો ઘણા સારા છે. અહીં ઈશ્વરદર્શનની તાલીમ તો નથી અપાતી. પણ આસન, પ્રાણાયામ વિગેરે શીખવાય છે. તેનું મહત્વ પણ ઘણું છે. શરીર ને મન બંને પર તેની સારી અસર થાય છે. તેમાં થોડો થોડો રસ લો તો કંઈ ખોટું નથી. તેથી કોઈ નુકસાન થવાને બદલે લાભ જ થશે.'

 તેમના શબ્દો સાંભળીને મને આનંદ થયો. એમનું કહેવું સાચું હતું. મુંબઈની મોહમયી નગરીમાં ઈશ્વરદર્શનની ઉત્કટ ઈચ્છાવાળા માણસો ભાગ્યે જ કો'ક હશે. માણસો રોજીન્દા જીવનના પ્રશ્નોમાંથી જ ઊંચા આવતા નથી તો વળી ઈશ્વરદર્શનની ઈચ્છા ક્યાંથી કરે ? જેમને રોજીન્દા જીવનના પ્રશ્નો સતાવતા નથી એટલે કે જેઓ સાંસારિક રીતે સુખી છે તે સુખને જ સર્વ કાંઈ સમજે છે, અને આત્મિક ભૂખ તેમને લાગતી નથી. તેવા લોકોને ઈશ્વનદર્શનની લગની ક્યાંથી લાગે ? આ વાત એકલા મુંબઈ શહેરને જ નહિ, પણ સંસારનાં લગભગ બધાં જ શહેરોને લાગુ પડે છે. આ આશ્રમમાં આવનારા સાધકોમાંના બહુ જ ઓછા સાધકો આત્મોન્નતિની ઈચ્છાથી પ્રેરાઈને આવતા હોય છે. કેટલાક સાધકો કેવળ શોખ ખાતર તો કેટલાક સ્વાસ્થ્યના સુધાર અને સંરક્ષણ માટે યોગાશ્રમમાં આવે છે. બીજા કેટલાક કુતૂહલથી પ્રેરાઈને તો કેટલાક નવીનતાના મોહને લીધે આવે છે. આત્મસાક્ષાત્કાર કે ઈશ્વરદર્શનની લગનવાળા સાધકો બહુ વિરલ હોય છે. તેથી તેમને જોઈને ઉપર કહ્યું તેમ કેટલીકવાર યોગાશ્રમના અનુભવી સંચાલકોને પણ આશ્ચર્ય થાય છે, પરંતુ એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. જન્માંતર સંસ્કારની મૂડીવાળા માણસો મુંબઈ, કલકત્તા, લંડન, મોસ્કો, ન્યૂયોર્ક કે એવા સંસારના કોઈયે નાના કે મોટા શહેરમાં જન્મી ને પ્રક્ટી શકે છે. તેવા માણસોના સંસ્કારો એટલા બધા પ્રબળ હોય છે કે ગમે તેવું શહેરી કે સંસારી વિપરીત વાતાવરણ પણ તેમને નિર્મૂલ કરી શકે તેમ નથી હોતું. પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહીને પણ તે પોતાનો માર્ગ કરી શકે છે. મુંબઈનું વાતાવરણ મારે માટે અનુકૂળ કહી શકાય તેવું ના હોવા છતાં પણ મારા પૂર્વસંસ્કારો જરા વધારે શક્તિશાળી હશે. એટલે મારા જીવનને આધ્યાત્મિક ઉન્નતિને માર્ગે લઈ જવામાં તે સફળ થઈ શક્યા.

જે વસ્તુની મને ઝંખના હતી તેની પ્રાપ્તિનો સંભવ ના હોવા છતાં યોગ તરફના આકર્ષણને લીધે મેં યોગાશ્રમમાં જવાનું શરૂ કર્યું. વ્યાયામનો શોખ મેં કેળવ્યો. વળી શીર્ષાસન કરવાની ટેવ પણ પહેલાની સંસ્થામાં મારી મેળે જ પાડેલી. એટલે બીજાં આસન શીખવામાં મને મુશ્કેલી ના પડી. તે વખતે આશ્રમમાં કોઈ વિદેશી સાધક આવતા. તે ધોતીક્રિયા ઘણી સારી રીતે કરતા. તે મારા પર પ્રેમ રાખતા. મને પશ્ચિમોત્તાનાસન કરતાં ફાવતું નહિ તેનો તેમને ખ્યાલ હતો. એકવાર હું તે આસન કરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે એ અચાનક પાછળથી આવીને મારા બરડા પર બેસી ગયા. બસ મારું નાક લાંબા કરેલા પગના ઘૂંટણને લાગી ગયું અને આસન થઈ ગયું. ત્યારથી પશ્ચિમોત્તાસન મારે માટે સહજ થઈ ગયું.

યોગાશ્રમમાં બધા મળીને કેટલા દિવસ જવાનું થયું તે મને બરાબર યાદ નથી. પણ બહુ થોડા દિવસ હું ત્યાં જઈ શક્યો. મારા દિલમાં જે ઈશ્વરદર્શનની ઝંખના હતી તે મને વારંવાર સૂચના કરતી કે હૃદય શુદ્ધ થતાં ને પ્રેમની વૃદ્ધિ થવા માંડતા ઈશ્વરદર્શન સહેજે થઈ શકશે. તે માટે યોગાસનની જરૂર છે જ એમ નથી. યોગની બીજી ક્રિયાની માહિતી વિના પણ ચાલી શકે છે. મારું હૃદય મને કહેતું કે ઈશ્વરને માટે આતુર બાળકની જેમ આક્રંદ કરવાથી, તલસવાથી ને પ્રાર્થનાથી તેનું દર્શન જરૂર થઈ જશે. તેને માટે નરસી, મીરા, શબરી, રામકૃષ્ણદેવ ને ચૈતન્ય મહાપ્રભુ જેવો પ્રેમ જગાવવો જોઈએ. તેની યાદ ને તેના ભાવમાં ચક્ચૂર બનીને ડૂબી જવું જોઈએ. રોમરોમમાં તેનો જ રાગ ભરી દેવો જોઈએ. એ સાધન અક્સીર છે ને પૂરતું છે. એટલે થોડા દિવસ પછી મેં યોગાશ્રમમાં જવાનું બંધ કર્યું.

એનો અર્થ એવો નથી કે મને યોગસાધના તરફ અરુચિ થઈ. ના, કદાપિ નહિ. યોગસાધનાનો રસ મારા જીવનમાં ચાલુ જ રહ્યો ને ઉત્તરોત્તર વધતો જ રહ્યો. તે વખતે પણ નિયમિત આસન કરવાનો ક્રમ મેં ચાલુ જ રાખ્યો. તે ક્રમ આજે પણ ચાલુ છે. તેથી મને શારીરિક અને માનસિક સારો લાભ થયો છે. યોગાસન પ્રત્યેનો મારો પ્રેમ આજે પણ એવો જ અખૂટ છે. મુંબઈ છોડ્યા પછી વડોદરામાં મને નેતિ, ધોતિ ષટ્ ક્રિયા શીખવાનો લાભ મળ્યો ને પછી તો બીજી પણ કેટલીક જરૂરી ક્રિયાઓ શીખવાની તક મળી. તેનો ઊડતો વિચાર ક્રમેક્રમે કરી શકાશે. અહીં તો આ પ્રકરણને આટલેથી પૂરું કરીને મારે એટલું જ કહેવાનું છે કે યોગાભ્યાસ પ્રત્યેક માનવને માટે ખૂબ જ ઉપયોગી છે. આત્મિક ઉત્કર્ષની વાત કોરે મૂકીએ તો પણ સ્વાસ્થ્યના સુધાર ને સંરક્ષણ માટેય તેનું મહત્વ ઘણું મોટું છે. દરેક યુવક-યુવતીએ તેમાં રસ લેવાની આવશ્યકતા છે. આપણી શાળાઓમાં ફરજિયાત વ્યાયામનું શિક્ષણ આપવાની વ્યવસ્થા છે. તેની સાથે સાથે આપણા બાળકો તથા યુવક-યુવતીઓને યોગાભ્યાસની શરૂઆતની તાલીમ આપવામાં આવે તો તે તેમની તનમનની સંપત્તિને વધારવામાં ઘણો જ મહત્વનો ભાગ ભજવી શકે. એ દિવસ વહેલો આવે એવું ઈચ્છું છું.

 

 

Today's Quote

There is no God higher than Truth.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok