Thursday, May 28, 2020

મુંબઈના નિવાસનો અંત

 સાહિત્યના લેખન ઉપરાંત બીજી કેટલીક પ્રવૃત્તિઓમાં પણ હું ભાગ લેતો. જી. ટી. બોર્ડીંગ હોસ્ટેલમાં દર વરસે વકતૃત્વ કળાની હરીફાઈ થતી. તે ઉપરાંત, ચર્ચાસભા (ડિબેટિંગ સોસાયટી) પણ યોજાતી, ને વાર્ષિક ઉત્સવ થતો. તેમાં ભાગ લેવાનું મને ગમતું. પહેલે જ વરસે વકતૃત્વકળાની હરિફાઈમાં આખી હોસ્ટેલમાં મને પહેલું ઈનામ મળ્યું. વિલ્સન કોલેજની વાર્ષિક વકતૃત્વ હરિફાઈમાં પણ પહેલું ઈનામ મારે જ ફાળે આવ્યું. વળી કોલેજના વાર્ષિક અંકમાં મેં ‘ગાંધીયુગનું સાહિત્યમાં સ્થાન' નામે એક લેખ આપ્યો તેને માટે સમસ્ત ગુજરાતી વિભાગમાં મને પહેલું ઈનામ મળ્યું. એ રીતે મારી કોલેજજીવનની કારકીર્દિ ઘણી સારી હતી. અમારા ગુજરાતીના પ્રોફેસર શ્રી પી. કે. શાહ ઘણા ભલા, માયાળુ ને સજ્જન પુરુષ હતા. હાઈસ્કૂલમાં પણ અમારા ગુજરાતી શિક્ષક તે જ હતા. એટલે તે મારા પર પ્રેમ રાખતા. ગુજરાતીનો વિષય લઈને હું બી. એ. થાઉં ને ઉત્તમ કારકિર્દી પ્રાપ્ત કરું એવી તેમની ભાવના હતી. મને પણ મારી જાતમાં ને મારા ઉજ્જવળ ભાવિમાં શ્રદ્ધા હતી ને તેથી પ્રેરાઈને ગુજરાતીના પ્રોફેસર થવાનો વિચાર મારા દિલમાં અવારનવાર સ્ફુરી આવતો.

પરંતુ ઈશ્વરની ઈચ્છા જુદી જ હતી. તેની ઈચ્છા જ સર્વોપરી છે, ને તે પ્રમાણે જ બધું થયા કરે છે, એ કોણ નથી જાણતું ? તેની ઈચ્છા મને આધ્યાત્મિકતાના માર્ગ પર, પૂર્ણતા ને પ્રકાશને પંથે, આગળ ને આગળ લઈ જવાની હતી. તેને લીધે મારે હિમાલયની નવી જ યુનિવર્સિટીમાં પ્રવેશ કરવો પડ્યો ને લાંબા વખત સુધી નવી તાલીમ લેવી પડી.

 કોલેજના વખત દરમ્યાન મારો વૈરાગ્યભાવ વધતો જતો હતો. પરમાત્માનો સાક્ષાત્કાર કરવો એ જ જીવનનું લક્ષ્ય છે ને તેની પ્રાપ્તિ માટે વધારે ને વધારે પુરુષાર્થ કરવામાં જ જીવનની શોભા ને મહત્તા છે એ વિચાર મારા મનમાં ઠસી ગયો. કોલેજના અભ્યાસમાં મારું મન લાગતું ન હતું. જો કે કોલેજમાં હું નિયમિત રીતે હાજર રહેતો. પણ મને તેમાં ખાસ રસ પડતો નહિ. મને લાગતું કે જીવનનો અમૂલ્ય વખત બરબાદ થઈ રહ્યો છે. કોલેજના વખત દરમિયાન વિદ્યાર્થીઓનું ધ્યાન વધારે ભાગે જમીન પર પગ પછાડીને અવાજ કરવામાં, આગલી હરોળમાં બેઠેલી છોકરીઓને જોવામાં ને પ્રોફેસરો પર કાગળના વિમાન નાંખીને ને બીજી રીતે સતાવવામાં જ રહેતું. વર્ગમાં વધારે ભાગે અશાંતિ જ રહેતી. એવા વાતાવરણમાં મને ભાગ્યે જ આનંદ આવતો. મારી બેઠક વધારે ભાગે બારણાની પાસેના બાંકડા પર જ રહેતી. ત્યાંથી ચોપાટીનો દરિયાકિનારો ને દરિયો દેખાતો. આકાશમાં કેટલીકવાર વાદળ ફરી વળતાં ત્યારે દેખાવ ખૂબ જ સુંદર લાગતો. તે વખતે મને હિમાલયની યાદ આવતી. મને થતું કે હિમાલયનો પ્રદેશ કેવો સુંદર હશે !  હિમાલય તો ઋષિમુનિઓનું નિવાસસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ. તેના પરમાણુ કેટલાં પવિત્ર ને શક્તિશાળી હશે ! ત્યાં કેટલી અસીમ શાંતિ હશે ! ગંગાના તટ પર આજે પણ મહાન યોગી વસી રહ્યા હશે ને તપસ્વી વિચરણ કરતા હશે. તેમનાં દર્શન ને સત્સંગનો લાભ મળે તો કેટલો આનંદ થાય ?  હિમાલયના એ પાવન પ્રદેશમાં રહેવાનું સૌભાગ્ય સાંપડી જાય તો સાધનાનું કામ સરળ બને ને ઈશ્વરનું દર્શન કરીને જીવનને કૃતાર્થ કરી શકાય. કોલેજની કેળવણીથી શું વળશે. તેથી બહુ બહુ તો પ્રોફેસર થઈ શકાશે અને અર્થચિંતા ટળશે તથા સામાજિક જીવન સુખી બનશે. પણ તેથી શું અંતરની અશાંતિ ટળી શકશે ? શાંતિની ભૂખ શમી શકશે ? ઈશ્વરદર્શન થઈ શકશે ? મુક્ત ને પૂર્ણ જીવનની પ્રાપ્તિ કરી શકાશે ? માટે તે કેળવણીની પાછળ વધારે સમય ને શક્તિ ખરચવાને બદલે હિમાલયના પ્રદેશમાં પ્રવેશ કરીને આત્મોન્નતિની સાધના કરવી જોઈએ ને વહેલામાં વહેલી તકે ઈશ્વરની કૃપાની પ્રાપ્તિ કરીને ધન્યતા મેળવવી જોઈએ. હિમાલયના શાંત પ્રદેશમાં વસવાની તક મળશે તો મારી ભાવના જરૂર ને જલદી પૂરી થશે.

એવા એવા ભાવોથી મારું હૃદય ભરાઈ જતું. હિમાલયની યાદ કોણ જાણે કેમ પણ મને વારંવાર આવ્યા કરતી. હિમાલય જેવા શાંત ને સુંદર પ્રદેશમાં રહેવાનું મળે તે માટે હું પ્રભુને પ્રાર્થના પણ કરતો. તે વખતે મને શી ખબર કે મારા હૃદયમાં ઉત્પન્ન થતા ભાવો મારા ભાવિ જીવનના સૂચક, પ્રભુપ્રેરિત અને પ્રભુની ઈચ્છાનુસાર સાચા થવા સર્જાયેલા હતા ! મારી પ્રાર્થના પ્રભુની પાસે પહોંચી ચૂકી છે ને નજીકના જ ભવિષ્યમાં પ્રભુ તેના પર મંજૂરીની મહોર મારી દેશે તેની મને શી ખબર ? એ સ્વીકૃતિની છાપ લાગવાથી મારું જીવન તદ્દન બદલાઈ જશે તેની પણ તે વખતે મને શી ખબર ? તે વખતે તો હું મહત્વાકાંક્ષા ને ભાવનામાં રમ્યા કરતો ને ભાવિ જીવનનાં સુખદ સ્વપ્નાં સેવીને આનંદ માણતો.

કોલેજનું એ વરસ મારા જીવનમાં ક્રાંતિકારી સાબિત થયું. પરીક્ષાના છેલ્લા દિવસો સુધી મેં જરૂરી વાંચન કર્યું નહિ અને અધૂરી તૈયારીએ જ પરીક્ષા આપી. પરિણામે હું બેએક વિષયમાં પાંચ જેટલા માર્કે નાપાસ થયો. અમારા ગુજરાતીના પ્રોફેસરે પોતાનાથી બનતા બધા જ પ્રયાસ કર્યા પણ પરિણામમાં ફેર ના પડ્યો. વેકેશનમાં હું વડોદરા હતો. ત્યાં મને પરિણામની માહિતી મળી. મને જરા દુઃખ થયું. કેમકે નપાસ થવાનો સમય મારે માટે આ પહેલો જ હતો. નપાસ થયેલા વિદ્યાર્થીને જી. ટી. બોર્ડીંગની સંસ્થામાં ફરી દાખલ કરતા નથી એવી મારા પર છાપ પડેલી. એટલે મેં ફરી મુંબઈ જવાનો કે સંસ્થામાંથી માહિતી મેળવવાનો પ્રયાસ પણ ના કર્યો. કર્યો હોત તો આજે કદાચ મારા જીવનનો નક્શો જુદો હોત. કેમ કે પાછળથી મને માહિતી મળી કે નાપાસ થનાર વિદ્યાર્થીને સંસ્થામાં ફરી તક આપવામાં આવતી ને હું ફરીવાર સંસ્થામાં કેમ ના ગયો તે માટે સંસ્થાના સંચાલકો તરફથી પૂછપરછ કરવામાં આવેલી. હું સંસ્થામાં ગયો હોત તો મને પ્રવેશ જરૂર મળ્યો હોત. કેમ કે સંસ્થાના સંચાલકોને મારે માટે માનની લાગણી હતી. પરંતુ હું મુંબઈ ના જઈ શક્યો. તેમાં મારા પ્રારબ્ધસંસ્કારે, સંકોચશીલ સ્વભાવે, ઈશ્વરની ઈચ્છાએ કે મારી સંસ્થાના નિયમોની અજ્ઞાનતાએ, ખરેખર તે બધાએ કે તેમાંથી કોઈ એકે તો કોણે, ભાગ ભજવ્યો તે કોણ કહી શકે ? પણ એટલું તો સાચું કે નપાસ થવાની એ ઘટનાએ મારા આખા જીવનનો પ્રવાહ પલટાવી દેવામાં ઘણો મહત્વનો ભાગ ભજવી દીધો.

 

 

Today's Quote

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok