Fri, Jan 22, 2021

સાધનાનો દિવસ લંબાય છે

આ વખતે સાધનાની સંપૂર્ણ સિદ્ધિ માટે ઋષિકેશમાં મહા સુદી પાંચમનો દિવસ મળ્યો હતો. એ વાત મેં આગળ પર જણાવી જ છે. એના અનુસંધાનમાં મહાસુદી ચોથને દિવસે અમે સરોડા આવી પહોંચ્યાં. પરંતુ પાંચમનો તે દિવસ પણ નિષ્ફળ ગયો. તે દિવસે નિર્ધારીત વખતના થોડાક સમય પહેલાં એટલે રાતે ૧ વાગે 'મા'એ મને પ્રેરણા આપી કહ્યું કે 'કામ ના થાય તો ચિંતા ના કરશો. નિરાશ ના થશો.' ને ખરેખર કામ ના જ થયું. સાધનાની સિદ્ધિના આવા કેટલાય દિવસો છેલ્લાં દસેક વરસમાં મિથ્યા થયા. મિથ્યાત્વનું આ ચક્ર લાંબા વખતથી ચાલ્યા કરે છે. તેની અસર પણ મારા પર ભારે થાય છે. છતાં નિરાશ થઇને બેસી રહેવાથી શું વળે ? મારી સમજશક્તિ દૃઢ ને પ્રબળ હતી. તેથી જ હું પ્રત્યેક વખતે પ્રસન્ન ચિત્ત રહી શકતો. સાધનાનો માર્ગ સહેલો નથી. તેમાં દૃઢ સંકલ્પ, શ્રદ્ધા ને સમર્પણના ભાવની જરૂર પડે છે. જે મહાન ને સર્વસમર્થ ઇશ્વરી શક્તિ માનવને ડગલે ને પગલે દોરી રહી છે ને જેને તેણે જીવનનું દાન કર્યું છે તેની દોરવણીમાં તેને વિશ્વાસ હોવો જોઇએ. તેના હાથમાં પોતે સલામતીનો સતત અનુભવ કરતો હોવો જોઇએ. તો જ તે દેખીતી ટીકા, નિરાશા, નિષ્ફળતાની સામે અડગ રહી શકે, હસી શકે, અને ઉત્તરોત્તર આગળ પણ વધી શકે.

આ વખતનો દિવસ તો જરૂર સાચો પડશે એવો વિશ્વાસ હતો. પરંતુ સાધનાની પ્રતીક્ષા કરવાનું ભારે કપરું કામ હજુ બાકી જ હતું. હજી મારી ધીરજ, હિંમત અને સહનશક્તિની વધારે કસોટી થવાની હતી, અને સિદ્ધિની એ સોનેરી ઘડી થોડી દૂર હતી. આ વખતે મારું ધારેલું કાર્ય પરિપૂર્ણ થયું હોત તો કેટલો બધો આનંદ થાત ! વરસોની મહેનત સફળ થાત અને મગજ પરથી એક મોટી ચિંતા ટળી જાત. પરંતુ 'મા'ની ઇચ્છામાં આનંદ માન્યા વિના બીજો ઉપાય ન હતો. તેણે નક્કી કરેલા દિવસે મારો મનોરથ પૂરો થશે અને મારી ચિંતા દૂર થશે એવી શ્રદ્ધા સાથે હજી થોડો વધારે વખત વિતાવવાની જરૂર હતી. તે માટે મારી તૈયારી પણ હતી.

નિરાશ થયા કે હિંમત હાર્યા વિના 'મા'ની કૃપા માટે મેં ફરીવાર પ્રાર્થના કરવા માંડી. 'મા'એ પ્રાર્થનાને પરિણામે મને ફરી શાંતિ આપી. એટલે કે પોતાની કૃપાને માટે જેઠ સુદી પાંચમનો બીજો દિવસ આપ્યો. પરંતુ તે દિવસ પણ બીજા બધાં દિવસોની પેઠે કામચલાઉ જ સાબિત થયો. લાંબા સમયથી શરૂ કરેલી સાધનાની સફર એવી ને એવી જ અધૂરી રહી. તેની પૂર્ણતા કે સફળતાના ધન્ય દિવસને હજી વાર હતી અને તેને માટે વધારે ને વધારે ધીરજને ધારણ કરી, હિંમતથી સજ્જ બનીને આગળ વધવાનું હતું. એક વાત જરૂર છે કે સાધનાની સંપૂર્ણ અને ઇચ્છાનુસાર સિદ્ધિના આવા ઉપરાઉપરી અથવા અવારનવાર મળેલા મળેલા મિથ્યા દિવસોએ મારા આશા ભરેલા અંતરને તોડી નાખ્યું નથી અને એનો ઉત્સાહ ઓછો પણ નથી કર્યો. ઉપરાઉપરી આવી મળેલી નિષ્ફળતા છતાં પણ મારી શ્રદ્ધાની જ્યોતિ એવી જ જ્વલંત અને અડગ રહી છે કે મારા જીવનની પાછળ, જીવનની પ્રત્યેક પળ અને પ્રવૃતિની પાછળ, એ મહાન શક્તિનો હાથ છે. મારા દ્વારા તેની જ સાધના થઇ રહી છે, તે જ સાધના કરે છે, અને તેની ઇચ્છા પ્રમાણેના ચોક્કસ સમયે સાધનાના સુવર્ણ મંદિરને સિદ્ધિના કિંમતી કળશથી પણ તે જ સુશોભિત કરી દેશે. એ શ્રદ્ધા જ મારી સદાની સહચરી બનીને મારા જીવનમાં જાગ્રત રહી છે અને મને શક્તિ પણ તેણે જ પૂરી પાડી છે. મારી જગ્યાએ કોઇ બીજો માણસ હોત તો લાંબા વખતથી મળતી આવી નિષ્ફળ પ્રેરણાઓને લીધે જરૂર હાલી જાત. તેનું હૈયું હિંમત હારી બેસત, ઉત્સાહ ખોઇ નાખત, ને ઇશ્વરમાં, પોતાની જાતમાં તથા સાધનાના માર્ગમાં તે નાસીપાસ તથા નિરાશ થઇને અવિશ્વાસુ બની જાત. સાચું છે, માણસના ઉમળકાભર્યા કોમળ કાળજા પર આવી વાતોની અસર અચૂક અને અત્યંત ઊંડી થાય. પરંતુ જે ઇશ્વરી શક્તિ મને ચલાવે છે તેની મારા પર કૃપા દૃષ્ટિ છે. તેની મીટ મારા પર સદા મંડાયેલી છે. મારા અદમ્ય ઉત્સાહ, ખંત, ધૈર્ય અને વિશ્વાસ તથા પુરુષાર્થનો બધો યશ તેને જ ઘટે છે. તે મહાશક્તિનું શરણ લેવામાં આવે તો કોઇયે સંજોગોમાં નિરાશ થવાનું કે ડરવાનું કારણ ના રહે. તેના હાથમાં તેનું સમગ્ર જીવન - ભૂત, વર્તમાન ને ભાવિ સહીસલામત બની જાય. સુખ ને દુઃખ, નિંદા ને સ્તુતિ, પતન ને ઉત્થાન - બધે જ વખતે તે શાંત ને અડગ રહી શકે ને ઇશ્વર માટેની શ્રદ્ધાને સાચવી શકે.

તપેલી ધરતી જેમ વરસાદની રાહ જોઇને ઉભી રહે છે તેમ રોમેરોમમાં રાગની રાગરાગિણી ભરીને તે પરમશક્તિની પૂર્ણ કૃપાની પ્રતીક્ષા કરીને વધારે ને વધારે તપવા સિવાય મારે માટે કોઇ માર્ગ ન હતો.

'ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું' એ મંત્ર મને ખૂબ જ પ્રિય થઇ પડ્યો.

 

 

Today's Quote

God, grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can, and the wisdom to know the difference.
- Dr. Reinhold Niebuhr

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.