Tue, Jan 19, 2021

'મા'ની પ્રેરણા

(૧) 'મા'ની પ્રેરણા

આત્મકથાનું ક્રમિક વાંચન-મનન કરનારાને 'મા'ની પ્રેરણા પ્રમાણે - એ ગયા પ્રકરણને અંતે લખેલા શબ્દો કાંઇ નવા નહીં લાગે. મારું જીવન વરસોથી ખરેખર એ રીતે જ ચાલે ને તે વાત આ કથા પરથી સહેજે સમજી શકાશે. 'મા' જ તેને પ્રેરે છે, દોરે છે કે ચલાવે છે. એટલે પ્રેરણા શબ્દને કેવળ લખવા ખાતર નથી લખતો. તેને લખવાની ટેવ પડી છે એમ પણ નથી. આધ્યાત્મિક પુરુષો કે સાધકોના જીવનમાં અત્યંત વિરલ કે ભાગ્યે જ આવતી અંતઃપ્રેરણા કે ઇશ્વરીય આદેશની આવી વાતો મારા જીવનમાં ડગલે ને પગલે આવે છે ને તેમનો ઉલ્લેખ મેં ઠીક લાગ્યો ત્યાં ત્યાં કરી બતાવ્યો છે. તેની પાછળ મારી વ્યક્તિગત વિશેષતાને કહી બતાવવાનો લેશ પણ ખ્યાલ નથી; પરંતુ જે સત્ય હકિકત છે તેને રજૂ કરવાની જ દૃષ્ટિ છે. ઇશ્વરી શક્તિ જીવનમાં કેવી રીતે કામ કરે છે ને મદદરૂપ બને છે તેનો ખ્યાલ આપી, એ રીતે તેનો થોડોઘણો મહિમા બતાવી, તેના પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને આદરભાવ ઉત્પન્ન કરવાનો ગૌણ વિચાર પણ તેની પાછળ કામ કરી રહ્યો છે. આત્મિક વિકાસને પંથે પ્રવાસ કરનારની ઇચ્છા રાખનારાને તે વત્તેઓછે અંશે કામ લાગશે એવી આશા છે. તેમ થશે તો આ પંથના એક શરૂઆતના ને સાધારણ પ્રવાસી તરીકે મને ખરેખર આનંદ થશે.

આત્મકથાનું લેખન બીજા પ્રકારના લેખનથી સહેલું છે કે અઘરું એ પ્રશ્નને છોડી દઇએ અથવા અણઉકલ્યો જ રહેવા દઇએ તો પણ એક વાત તો નક્કી ને વિવાદ વગરની છે કે આત્મકથાનું લેખન હાથવણાટની કે એવી કોઇ કળાની જેમ અત્યંત શાંતિ, સમજ ને સંયમ સાથે કરવું પડે છે, ને તેથી ભારે ધીરજ, હિંમત ને વિવેચનશક્તિ માગી લે છે. જીવનના ઇતિહાસને જેવો છે તેવો રજૂ કરવાની વૃતિ કે દૃષ્ટિ આત્મકથાના આલેખનકારે નજર સામે રાખવાની આવશ્યકતા છે. વાસ્તવિકતાને વધારીને ના હોય તેવા સ્વરૂપમાં રજૂ કરવાની અથવા તો વાસ્તવિકતાને કોઇ કારણે વેરવિખેર કરીને, કાપીને કે ઘટાડી દઇને બીજા રૂપમાં ચીતરવાની એ ઉભયવિધ વૃત્તિ, દૃષ્ટિ અથવા તો આદતમાંથી એણે મુક્તિ મેળવવાની જરૂર છે. નહિ તો તે સાહિત્યને સારુ સાહિત્ય સમજી શકશે પરંતુ જીવનનો ઇતિહાસ નહિ આપી શકે કે જીવનને ન્યાય પણ નહિ કરી શકે.

બીજી વાત એ પણ છે કે દરેક લેખકને પોતાનો આગવો જીવનઇતિહાસ હોય છે. તેમાં કેટલાય મુદ્દાઓ નવા લાગે તેવા ને સામાન્ય લોકો જલ્દી ના સમજે ને ના સ્વીકારે તેવા હોય છે. તેમાંથી કોઇને માટે વિવાદ કે શંકા પણ થવાનાં. પણ તેનો જ વિચાર કરીને લેખકે - ને ખાસ કરીને આત્મિક સાધનાના લેખકે પોતાની હકીકતને વિકૃત રૂપે રજૂ કરવાની કે છેક જ છૂપાવવાની જરૂર નથી. ઊંડા વિચાર પછી જીવનનો જે ઇતિહાસ તેને રજૂ કરવા જેવો લાગે તે તેણે પૂરી પ્રામાણિકતાથી રજૂ કરવો જોઇએ. લોકોના આઘાત પ્રત્યાઘાતોનો વિચાર તે ભલે કરે પરંતુ તેથી જ પ્રેરાઇને કે પ્રભાવિત થઇને લખવા બેસે નહિ. તેથી જ એ કામમાં ભારે ધીરજ, હિંમત, સંયમ, સમજ ને શાંતિની આવશ્યકતા પડે છે એ વાતનો ઉલ્લેખ આપણે આગળ ઉપર કરી ગયા છીએ.

 હવે ઋષિકેશની પુણ્યભૂમિમાં પ્રવેશ કરીએ.

આ વરસે ઋષિકેશમાં પરિસ્થિતિ જરા જુદી હતી. દર વખતે તો ભરત મંદિરની ધર્મશાળામાં રહેવાનું થતું પરંતુ આ વખતે બીજી જગ્યા શોધવી પડે તેમ હતી. અમે જે ઓરડીમાં દરેક વખતે રહેતા તે ઓરડી મંદિરના કોઇક કર્મચારીને રહેવા માટે લાંબા વખતથી અપાઇ ગઇ હતી. ધર્મશાળામાં બીજા ઘણાં ઓરડા હતા ને તે ખાલી પણ રહેતા પરંતુ અમે જેમાં રહેતા તે જગ્યા બીજી બધી જ રીતે અનુકૂળ હોવાથી બીજે રહેવાનું મન ના થાય તે સાવ સ્વાભાવિક હતું. ભરત મંદિરના મેનેજર શ્રી ભટ્ટજીને અમારા પર પ્રેમ હતો. તે પ્રેમથી પ્રેરાઇને તેમણે અમારે માટે ઋષિકેશના રાધાકૃષ્ણ મંદિરમાં રહેવાની વ્યવસ્થા કરેલી પરંતુ તે સ્થાન સારું છતાં વસ્તીની વચ્ચે હતું. તેથી ત્યાંના મહંતનો પ્રેમ હોવા છતાં અમે ત્યાં રહેવાની વાતને પડતી મૂકી, ને ભગવાન આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું. ભગવાન આશ્રમનું સ્થાન પણ જો કે વસ્તીમાં હતું પણ પહેલાનું પરિચિત હોવાથી ઘણું અનુકૂળ રહ્યું ને દોઢેક મહિના જેટલો સમય ત્યાં અત્યંત શાંતિ ને પ્રસન્નતાપૂર્વક પસાર થઇ ગયો. સ્થાન એકદમ સ્વચ્છ ને વ્યવસ્થાવાળું હોવાથી ગમી ગયું.

આ વખતે સાધના અથવા 'મા'ની વિશેષ કૃપાને માટે પહેલેથી જ નવરાત્રિનું વ્રત ને તે દરમ્યાન ઉપવાસ કરવાનો વિચાર હતો પણ ગયા વરસની જેમ આ વરસે પણ 'મા'એ પ્રેરણા આપીને ઉપવાસ કરવાની ના પાડી તેથી ઘણી ઘણી ઇચ્છા હોવા છતાં ઉપવાસનો વિચાર પડતો મૂક્યો.

એ માટેના અનુભવ તારીખ ૨૮-૯-૧૯૫૮ સવારે સાડા છ વાગ્યે ને તારીખ ૧-૧૦-૧૯૫૮ બુધવારે સવારે સાડા છ વાગ્યે થયા હતા. આ રહ્યા એ અનુભવ -
'મા'એ દર્શન આપ્યુ એટલે દેહાતીત દશામાં આ પ્રમાણે વાતચીત થઇ :
કહો કે હવે અહીંથી ક્યારે નીકળું ? પાંચમે નીકળું નવરાત્રીમાં ?
કહે, હા. પાંચમે નીકળજો.
પછી ઋષિકેશ જાઉં ?
હા.
ત્યાં ક્યાં રહું ?
ભગવાન આશ્રમમાં.
ત્યાં ફાવશે ?
હા. ફાવશે.
તો પાંચમ સુધી અહીં ને પછી નવરાત્રિમાં ઋષિકેશ રહું એમ ને ?
હા. 'મા'એ ઉત્તર આપ્યો.
બીજો અનુભવ આપીને 'મા'એ કહ્યું કે નવરાત્રીમાં ઉપવાસ કરવાની જરૂર નથી.
એટલે અનુભવ દર વખતે પોતાની ઇચ્છા પ્રમાણે જ મળે છે એમ નથી સમજવાનું. જેની ઇચ્છા કે કલ્પના ના હોય એવા અનુભવ પણ પ્રાપ્ત થાય છે. તે આપવા - ના આપવામાં જે દૈવી શક્તિ આપણી પાછળ કામ કરે છે તે સંપૂર્ણ સ્વતંત્ર છે. આપણું કામ તો એની ઇચ્છાને અપનાવવાનું ને અનુકૂળ થઇને જીવવાનું છે. એમાં ઓછું આત્મસમર્પણ નથી જોઇતું. ખાસ કરીને ઇચ્છાને અનુકૂળ ના હોય તેવી પ્રેરણા મળે ત્યારે જ સાધકની ખરેખરી કસોટી થાય છે. મારે માટે એ વાત નવી ન હતી એટલે ઘણી ઇચ્છા હોવા છતાં 'મા'ની મંજૂરી ના મળવાથી મેં ઉપવાસનો વિચાર પડતો મૂક્યો.

પરંતુ સાધનાની લગન કાંઇ એથી ઓછી મટે છે ? ઉપવાસ થાય કે ન થાય પણ તે તો સાવ સહજ કે સ્વાભાવિક હોવાથી ચાલુ જ રહેવાની. નદી જ્યાં સુધી દરિયાને મળે નહિ ત્યાં સુધી તેનો પ્રવાસ કર્યા જ કરે છે, તે પ્રમાણે તેનું પણ સમજી લેવાનું છે. સંપૂર્ણ સફળતા સુધી તેની સફર ચાલુ જ રહેવાની. એવી સફર કાંઇ ઓછું મનોબળ નથી માગી લેતી. તેમાં અનન્ય નિષ્ઠા, હેતુની પ્રામાણિકતા ને ભારે જાગૃતિની જરૂર પડે છે. પ્રભુની કૃપા સિવાય એ બધાનું જતન કરવાનું કામ ખરેખર મુશ્કેલ થઇ પડે છે. નવરાત્રીના બધા દિવસો બીજા અનેક દિવસોની જેમ એ વખતે પણ મેં સતત પ્રેમપૂર્ણ પ્રાર્થનામાં જ પસાર કર્યા.

ઋષિકેશમાં એ વખતે દિવાળી પહેલાં ઠંડીનું પ્રમાણ ઘણું ઓછું લાગ્યું પરંતુ દિવાળી પછી ઋતુમાં ઝડપી પરિવર્તન થઇ ગયું. ઠંડી ઘણી જ વધી પડી. છતાં પણ રોજ સવારે ગંગાસ્નાનનો અમારો કાર્યક્રમ ચાલુ જ રહ્યો. ઋષિકેશ પર્વતની તળેટીમાં છે તો પણ અત્યંત આકર્ષક અને સુંદર લાગે છે. ગંગાનો નિર્મળ પ્રવાહ પર્વતીય પ્રદેશની સંકડામણવાળી કેડીને છોડીને અહીં પહેલી જ વાર વિશાળ બને છે ને પર્વતની પાસે વિસ્તરેલાં વિશાળ મેદાનમાં પ્રવેશ કરે છે. તેથી અત્યંત હૃદયંગમ લાગે છે. પર્વતો ગંગાને લીધે શોભે છે કે ગંગા પર્વતોને લીધે એ કહેવું મુશ્કેલ છે. છતાં પણ કહેવા ખાતર કહીએ કે બંને એકમેકને લીધે સમૃદ્ધ લાગે છે ને શોભે છે. જેમ કોઇ સુંદર કવિતા કે નાટકનો સ્વાદ લેતાં ધરાવાય નહિ તેમ તેનો રસ પીતાં પણ તૃપ્તિ ના થાય. ગંગાને કાંઠે કલાકો સુધી બેસી રહો પણ કંટાળો ના આવે. ઉલટું, શાંતિ થાય ને ઉઠવાનું મન જ ના થાય. મનની સ્થિરતા ત્યાં સહેજે સધાઇ જાય.

(૨) મુંબઈ-સરોડા થઇને હિમાલય
મદ્રાસનો બે મહિના જેટલો સઘળો સમય ખૂબ જ શાંતિમય પસાર થઇ ગયો. છેવટે અમે મુંબઈ પહોંચ્યા. મુંબઈ બહુ થોડા દિવસો માટે જ રહેવાનો વિચાર હતો એટલે દર વખતની પેઠે સેનેટોરિયમની વ્યવસ્થા કરવાને બદલે અમે માધવબાગના મુળજી નિવાસમાં જ મુકામ કર્યો.

તે પછીના ચાર મહિના અમારે સરોડામાં જ રહેવાનું થયું. તે દરમ્યાન મેં વરસની શરૂઆતમાં શરૂ કરેલું ઉપનિષદ પરનું લખાણ 'ઉપનિષદનું અમૃત' પૂરું કર્યું. વળી તે દરમ્યાન છેલ્લા દિવસોમાં પ્રેમી ભાઇ ચંપકભાઇની મદદથી એકાદ બે પ્રકાશકોની મદદથી થોડુંક સાહિત્ય છપાવવા માટે સાધારણ જેવો પ્રયાસ પણ કરી જોયો. એ બાબત ચંપકભાઇએ ઘણો સારો ઉત્સાહ બતાવ્યો. બે વાર તો તે સરોડા પણ આવી ગયા. છેલ્લે છેલ્લે એમના એક પ્રકાશક મિત્રને લઇને તે મને મળવા ને બધું નક્કી કરવા પણ આવવાના હતા પરંતુ પેલા ભાઇની તબિયત એકાએક બગડવાથી તે ના આવી શક્યા. એમ તે પ્રયાસ ને બીજા પણ બે પ્રયાસ એક યા બીજા કારણથી નિષ્ફળ ગયા.

સરોડા ગામ છેક નાનું ને ત્યાં રહેવાનું મકાન શાંતિમય અને એકાંતમાં હોવાથી વરસો વરસ ત્યાં રહેવાનું ગમતું ને ફાવતું પણ ખરું. ગયે વરસે બાકી રહેલી ગીતાની વિચારણા આ વરસે ફરી ચાલુ કરી ને ચાર મહિનામાં દસથી માંડીને તેરમા અધ્યાયના અર્ધ ભાગ સુધી આવી પહોંચ્યા. રોજ બપોરના ચારથી પાંચના એ સત્સંગ દરમ્યાન ઘણાં રસિક ને જિજ્ઞાસુ ભાઇબેનો આવતા હતા. બેન તારાબેન તથા  બાળકો પણ અમારી સાથે જ હતાં. ઉનાળાની રજામાં ભાઇ અંબાલાલે મણિનગર મકાન રાખ્યું એટલે તે બધાં અમદાવાદ ગયાં. તેમને ત્યાં ને નડિયાદ થોડો વખત રોકાઇને અમે અષાઢ સુદ એકમને દિવસે સવારે હિમાલય માટે પ્રસ્થાન કર્યું. એ વખતે તારાબેનને સુવાવડ આવવાની હતી. એટલે માતાજીનું મારી સાથે આવવાનું અનિશ્ચિત હતુ. પરંતુ બેન સમરથ સરોડાથી બેનની સેવાસુશ્રુષા સારુ આવી પહોંચ્યા એટલે તેમને રાહત મળી ને શાંતિ થઇ. બેન સમરથ અત્યંત પ્રેમી, સમજુ ને સેવાભાવી હોવાથી બેનનો બધો ભાર ઉપાડી લે તેમ હતા. માતાજીને તેમણે ભારે ભાવપૂર્વક વિદાય આપી. પ્રભુ જે કરે તે સારાને માટે માનીને અમે હિમાલય માટે વિદાય થયા. ગયા વરસની જેમ એ વખતે પણ પ્રથમથી જ ઇશ્વરી આદેશ મળી ચુકેલો એટલે એને અનુલક્ષીને અમારે મસુરી જ જવાનું હતું.

 

 

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.