Tuesday, June 02, 2020

અદભૂત અનુભૂતિ - સિદ્ધિપ્રાપ્તિ

ઇ. સ. ૧૯૬૦નું વર્ષ સાધનાત્મક રીતે શકવર્તી નીવડ્યું.

જમીનમાં નાખવામાં આવતું બીજ બહાર ના દેખાય કે વૃદ્ધિ પામતું ના જોવાય તો પણ અંદરખાને પોતાની પ્રવૃત્તિ કર્યા કરે છે. એક ધન્ય સાર્થક ક્ષણે એ અંકુરના રૂપમાં બહાર ઊગી નીકળે ત્યારે અભૂતપૂર્વ આનંદ આપે છે. જેમને બીજના આરોપણની માહિતી નથી હોતી એમને અંકુરનો એ આવિર્ભાવ આકસ્મિક અને આશ્ચર્યકારક લાગે છે. પરંતુ કુદરતી કાનુનને સમજનારની ઉપર એવી પ્રતિક્રિયા નથી થતી. એ તો સ્પષ્ટતયા સમજે છે કે બીજ એના નૈસર્ગિક નિયમાનુસાર જ અંકુરના આકારમાં આવિર્ભાવ પામ્યું છે. આત્મિક સાધનાના ક્ષેત્રમાં પણ જુદા જુદા અવસર દરમ્યાન જે બીજારોપણ કરવામાં આવે છે એના અંકુરો, એના સિદ્ધિરૂપી ફળો કે સુપરિણામો તરત ને તરત જ નથી દેખાતાં. તો પણ એ બીજારોપણ નકામું નથી જતું. નૈસર્ગિક નિયમને અનુસરીને એ એક દિવસ અંકુરિત થાય છે, બહાર નીકળે છે અને દૃષ્ટિગોચર બને છે કે અનુભવાય છે ત્યારે અનેકને આશ્ચર્યચકિત કરે છે. મારા સાધનાત્મક જીવનમાં પણ એવો અસાધારણ અવસર આવી પહોંચ્યો. ઇ. સ. ૧૯૬૦ની શરૂઆતમાં સંસિદ્ધિની એક અલૌકિક અવસ્થાનો એકાએક આરંભ થયો. છેલ્લા કેટલાય વખતના, સુદીર્ઘ સમયના ઉપવાસ, પોકાર તથા પ્રાર્થનાવ્યાપાર જાણે કે સાર્થક અથવા સફળ થયા.

એ વખતે વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને હું મુંબઈમાં વાલકેશ્વર પરના ખીમજી જીવા સેનેટોરિયમના મારા વિશ્રામખંડમાં બેઠેલો ત્યારે પરમાત્માની જે પરાત્પર સર્વસમર્થ મહામહિમામયી શક્તિનો મને ધ્યાનાવસ્થામાં વારંવાર સંસ્પર્શ અથવા સાક્ષાત્કાર થતો તે શક્તિ અથવા જગદંબાનો સંસ્પર્શ અથવા સાક્ષાત્કાર જાગૃતિ દશામાં સ્થૂળ ભૂમિકા પર થવા માંડ્યો અને એ પણ એક વિપળના વ્યવધાન વિના અખંડ અથવા સતત રીતે હરતાં-ફરતાં કે કોઇપણ ક્રિયા કરતાં એ અનુભૂતિની એ અવસ્થા અનવરત રીતે ચાલુ રહી. એ અવસ્થા દરમ્યાન પરમાત્માની એ પરાત્પર પરમ ચેતનાનો સનાતન સંપર્ક અને એની સાથેનો ઇચ્છાનુસાર વાર્તાલાપ શક્ય બન્યો. એ અવસ્થાવિશેષને દૈવી શક્તિના અવતરણની અવસ્થા કહેવા કરતાં દૈવી શક્તિના અલૌકિક અદભૂત આવિર્ભાવની અવસ્થા કહીએ એ વધારે ઉચિત લેખાશે. એ અનેરી અનુભૂતિથી મને અવર્ણનીય આત્મસંતોષ અને આનંદ થાય એ સ્વાભાવિક હતું. વરસોના તપ, વ્રત અને વેદના સફળ થયેલા લાગ્યાં. સાધનાની સાર્થકતા દેખાઇ. શરીર ધારણની ધન્યતા અનુભવાઇ. જે સનાતન પરમ શક્તિ, સત્તા કે ચેતનાનો અનુભવ સુદીર્ઘ સમયની સાધના પછી કોઇક સૌભાગ્યશાળી સુસંસ્કારી સત્કર્મપરાયણ સાધકને સમાધિ દશામાં ભાગ્યે જ થાય તે શક્તિ, સત્તા, કે પરમ ચેતના મારે માટે અતિન્દ્રીય અવસ્થાની અનુભૂતિ મટીને પ્રત્યક્ષ થઇ, એકાદ વારની અનુભૂતિ મટીને ક્ષણે ક્ષણની શાશ્વત સ્વાનુભૂતિ થઇ, એ કૃતકૃત્યતા કાંઇ ઓછી ન હતી. મારું અંગેઅંગ આનંદાર્ણવમાં અવગાહન કરવા માંડ્યું. જગદંબાના એ અસાધારણ અવર્ણનીય અનુગ્રહને લીધે અંતર ભાવવિભોર બનીને અશ્રુબિંદુના રૂપમાં ટપકવા લાગ્યું.

પરમાત્માની પરમ ચેતનાના સ્થૂળ ભૂમિકા પરના એ અનુભવની અલૌકિક અવસ્થા ત્યારથી નિત્ય નિરંતર ચાલુ જ રહી છે. એ દેશકાળથી અતીત, દેશકાળ નિરપેક્ષ અવસ્થામાં એક વિપળનોય વિક્ષેપ નથી પડ્યો. પહેલાં જગદંબાના સંપર્ક માટે ધ્યાન કરવું કે પ્રાર્થવું પડતું. હવે એવી આવશ્યકતા ના રહી. ધ્યાન, સમાધિ અને જાગૃતિના ભેદ મટી ગયા. શરીર સંજીવનથી સંપન્ન બન્યું. અવનવી બેટરીથી ચાર્જ બન્યું. ચિન્મય થયું. એ અલૌકિક અનુભૂતિના સુપરિણામે કેટલીય અવનવી શક્તિઓનો આવિર્ભાવ થયો. રેડિયો પર જેમ ઇચ્છાનુસાર કોઇયે સ્ટેશનને વગાડી કે સાંભળી શકાય તેમ વિશ્વમાં વિરાજતા કે વિચરતા કોઇયે સુક્ષ્મ શરીરધારી સિદ્ધ મહાપુરુષનો સંપર્ક સંકલ્પમાત્રથી સત્વર સધાવા લાગ્યો. ગમે તે આત્માનું આહવાન કરીને એની સાથે વાર્તાલાપ કરવાનું શક્ય બન્યું. વૈદિક ઋષિઓ દેવતાનું આહવાન કરતાં તે વાત યથાર્થ લાગી. ભૂત ભાવિના ભેદ સરળ બન્યા. જીવન પરમાત્માની પરમ શક્તિ કે જગદંબાના સીધા પવિત્ર પથપ્રદર્શન પ્રમાણે એની જ લીલા રૂપે ચાલવા લાગ્યું. તન, મન, વચન, અંતર સઘળું એનો આધાર બન્યું. કોઇ વાર એવું બનતું કે શાસ્ત્રોના ગુઢતમ રહસ્યોને સમજવામાં મુશ્કેલી લાગતી ત્યારે એમના રચયિતા મહાપુરુષની મદદથી એ રહસ્યોનું ઉદઘાટન કરાતું ને મને સંતોષ સાંપડતો. કેટલીક વાર 'મા'ની વિરાટ વિભૂતિ તો કેટલીક વાર એ મહાપુરુષો મારી દ્વારા લેખનકાર્ય પણ કરવા લાગ્યા. મોટા મોટા સાધકો તથા સંતોને માટે પણ એવી અલૌકિક અવસ્થાને સમજવાનું કામ કપરું છે તે જાણું છું. તેને સમજવાની વાત તો દૂર રહી પરંતુ એની સુચારુરૂપે કલ્પના કરવાનું કામ પણ કઠિન છે. છતાં પણ તેની વાસ્તવિકતાની મને પ્રતીતિ થઇ. 'મા'નું સતત સાનિધ્ય સાંપડ્યું, અખંડ અનવરત અનુસંધાન મળ્યું. એ ઘટના જીવનની અમુલખ આશીર્વાદરૂપ અમર ઘટના બની ગઇ. તેથી અધિક શું લખું ? એ રહસ્યમયી અલૌકિક અનુભૂતિના કેટલાક રહસ્યો વ્યક્તિગત હોવાથી મારા પોતાના પૂરતાં મર્યાદિત અને સુરક્ષિત રહે એ જ ઉચિત છે. એનું આટલું આલેખન પર્યાપ્ત છે.

 

 

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok