Saturday, June 06, 2020

ચંપકભાઈ ચાલ્યા ગયા

તારીખ ૨૭ ઓક્ટોબર ૧૯૬૪ને દિવસે શ્રી ચંપકલાલ વોરાનો આત્મા પંચમહાભૂતના સ્થૂળ શરીરને છોડીને ચાલ્યો ગયો. લૌકિક રીતે અથવા રૂઢ ભાષામાં કહીએ તો એમનું અવસાન થયું. એ કેવી રીતે બન્યું ? કાળને કોઇ ને કોઇ નિમિત્ત જોઇએ છે. અને એ અનુસાર એમના અવસાનને માટે પણ એક કરુણ, અતિ કરુણ, કહો કે કરુણાતિકરુણ નિમિત્ત ઊભું થયું. આગલે દિવસે રાતે રાજકોટના બેડીપાર વિસ્તારમાંથી ખેડૂતો સાથે વાતચીત કરીને એ લગભગ અગિયારેકના સુમારે પાછા ફરતા હતા. ત્યારે થોડો વખત પગે ચાલવાથી એમને હાંફ ચઢી. એટલે ઘેર પહોંચવા માટે રસ્તામાંથી એમણે રીક્ષા કરી. પરંતુ એ રીક્ષા એમને માટે કાળના દૂત જેવી થઇ પડી. થોડીક વાર પછી સામેથી આવતા બંબા સાથે એ રીક્ષા અથડાઇ. એના પરિણામરૂપે ચંપકભાઇ ભયંકર રીતે ઘાયલ થયા. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોની મહેનત છતાં એ બચી ના શક્યા. તારીખ ૨૭મી ને મંગળવારે બપોરે બારેક વાગે એમનું શરીર છૂટી ગયું.

બરાબર એ જ દિવસે અમે મસુરીથી નીકળીને દહેરાદૂન આવ્યા. ત્યાંથી ગુરુવારે ઋષિકેશ આવ્યા ત્યારે બપોર પછી તાર મળ્યો. ત્યારે જ એ કરુણ ઘટનાની ખબર પડી. સૌથી પહેલા તો મન માન્યું નહિ પરંતુ પછી માન્યા સિવાય છુટકો ન હતો.

લગભગ પંચાવન વરસની વયે ચંપકભાઇનું અવસાન થયું. ઉમર કાંઇ બહુ મોટી ના કહેવાય. પરંતુ કાળ નાના મોટાનો હિસાબ ક્યાં રાખે છે ? એ તો પોતાનું ધારેલું જ કરે છે. માનવતાનો એક મહાદીવડો જાણે કે અકાળે ઓલવાઇ ગયો. સંસારની વિશાળ વાટિકામાંથી એક ફોરમવંતુ સુંદર ફુલ ચૂંટાઇ ગયું. સમસ્ત સૌરાષ્ટ્રની અને એમાંયે રાજકોટની ધરતી આક્રંદ કરી ઉઠી. ચેતના, પ્રભા તથા શ્રીવિહોણી થઇ.

ચંપકભાઇ એક ઉત્તમ કક્ષાના આદર્શ માનવ હતા. લોકસેવા તથા તેને માટેના જરૂરી સ્વાર્પણની ભાવના એમને ગળથૂથીમાંથી પ્રાપ્ત થઇ હતી. એ એમના અસ્તિત્વના અણુએ અણુમાં અને રગેરગમાં ઉતરી આવી હતી. કોઇ પણ પ્રકારના દંભ, ઘમંડ કે પુરસ્કારની બાહ્ય કામના વિના બીજાની સુખ-શાંતિ ને સમૃદ્ધિ માટે ભારે ખંત અને લગનપૂર્વક પુરુષાર્થ કર્યા કરવો, એ એમને માટે સ્વભાવમાં વણાયેલી એક સહજ વસ્તુ હતી. તારીખ ૧૭મી ની રાતે અકસ્માતના ભોગ બન્યા ત્યારે પણ એ મોડી રાતે લોકોના કૂટપ્રશ્નોમાં રસ લઇને પાછા ફરતા હતા. રાજકોટ મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકે અને બીજી રીતે એમણે કરેલી જનતાની સેવા સુવિદિત છે. એમની જગ્યાએ કોઇ બીજો માણસ હોત તો પોતાના પદ અથવા પોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને અતિશય સમૃદ્ધિવાન કે માલદાર બની જાત; પરંતુ એમના સ્વભાવમાં એ વસ્તુ હતી જ નહિ. પોતાની પદવી તેમજ લાગવગનો એમણે કદી પણ અને ક્યાંયે પોતાની અંગત સમૃદ્ધિ માટે દુરુપયોગ નહોતો કર્યો. મને કેટલીય વાર વિચાર આવે છે કે દેશમાં બધા જ પ્રધાનો, અમલદારો, પાર્લામેન્ટ તથા એસેમ્બલીના સભ્યો તેમજ લોકસેવકો અને નેતાઓ ચંપકભાઇ જેવા નિસ્વાર્થ અને શુદ્ધ હેતુથી કામ કરવા માંડે તો ? દેશનું ચિત્ર કેટલું બધું ફરી જાય અને સુંદર થાય ! આજે જવાબદાર નેતાઓ અને પ્રધાનો સામે લાંચરુશ્વતની તથા પદપ્રતિષ્ઠાનો દુરુપયોગ કર્યાની જે ફરિયાદો થાય છે ને સાચી ઠરે છે એ ફરિયાદોનો એમને માટેના કારણો સાથે અંત આવી જાય, જાહેર જીવન સ્વચ્છ થાય, તેમજ એમને માટેનો પ્રજાનો વિશ્વાસ પણ વધી પડે. ચંપકભાઇ દૈવયોગે એક મર્યાદિત ક્ષેત્રમાં રહ્યા પરંતુ તેને બદલે એમને કોઇ મોટા ક્ષેત્રમાં કામ કરવાનું થયું હોત તો પણ પોતાના એ જન્મજાત સ્વભાવગુણથી બીજા અનેકને માટે ઉદાહરણરૂપ અથવા માર્ગદર્શક થઇ પડત.

આટલી બધી ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓમાં રહેવા છતાં એમનો આત્મા એ પ્રવૃત્તિઓથી ખરડાયેલો ન હતો. રોજ સવારે ઊઠતાંવેંત એ ઇશ્વરનું નામસ્મરણ ને ઇશ્વરની પ્રાર્થના કરતાં. મને તે વારંવાર કહેતા કે આપણી પ્રવૃત્તિઓનું શું મૂલ્ય ? ઇશ્વર કોઇ વિશાળ, મોટી, વધારે લોકોના હિતની શક્યતાવાળી પ્રવૃત્તિ આપે તો એમાં જોડાઇ જઇએ. ક્ષય રોગમાંથી બચ્યો છું તે ઇશ્વરની કૃપા છે. એટલે બાકીનું બધું જ જીવન હવે તો લોકોની સેવાના કામમાં ખરચવાનો જ નિર્ણય કર્યો છે.

ઇ. સ. ૧૯૪૬ પછી ક્ષયરોગમાંથી સંપૂર્ણ સાજા થઇને, મારી સૂચનાથી લગ્નજીવનનો સ્વીકાર કરીને એ સ્થિર થયા, ત્યારથી દર વરસે મને મળવાનો તેમણે સંકલ્પ કરેલો અને એ સંકલ્પ પ્રમાણે એ મને મળતા પણ ખરા. પરંતુ એવો એક પણ વખત ન હતો જ્યારે મને મળીને એમણે દેશની ચિંતા ના કરી હોય. દેશની સમસ્યાઓનું ચિંતન, મનન ને ચર્વણ એ હંમેશા કર્યા કરતાં. છેલ્લે છેલ્લે મને મળવા માટે સરોડા આવેલા ત્યારે નહેરુજીનું અવસાન થયેલું. એટલે 'હવે દેશનું શું થશે, કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, કોણ વડાપ્રધાન બનશે, અને કોણે બનવું જોઇએ, તથા મોંઘવારીને દૂર કરવા માટે શું કરવું જોઇએ' એની જ ચર્ચાવિચારણા કર્યા કરી. એમનું અંતર આખા દેશની સાથે એકતાનતા અનુભવતું. એમની વિચારધારા તથા ભાવના દેશવ્યાપી હતી. દેશની પરિસ્થિતિની એ ચિંતા કરતા. દેશની સમસ્યાઓનો જ જપ જપતા. એ જોઇને પ્રત્યેક વખતે મને એમને માટે પ્રેમ અને આદરભાવ થતો. એ વાતચીત કરતા હોય ત્યારે હું અવારનવાર એ જ વિચાર કરતો કે એમનું હૃદય કેટલું બધું સીધું, સરળ, સાફ અને સેવાસભર છે ! બીજાને માટેની કેટલી લાગણી એમના દિલમાં ઊછળી રહી છે ? જે માણસ દિવસના મોટા ભાગમાં પોતાની લેશ પણ ચિંતા કર્યા વગર બીજાની જ ચિંતા કર્યા કરતો હોય તે માણસનો આત્મા કેટલો બધો ઉંચો હશે ? ખરેખર, ચંપકભાઇ એવા ઉચ્ચાત્મા હતા. આદર્શરૂપ હતા. બધા જ માણસો એવી રીતે પોતે જેમાં રહે છે તે સમાજની ને દેશની ચિંતા કરી, તેને સુખી અને સમૃદ્ધ કરવાના સાધનો શોધી, એમના અમલને માટે ભરચક કોશિષ કરવા માંડે તો ? સમાજ ને દેશ કેટલો બધો સમુન્નત થાય ? એવી રીતે જો બધા જ કે મોટાભાગના માણસો યથાશક્તિ પ્રયાસ કરવા માંડે તો અછત, આપત્તિ, કંગાલિયત અને ભાતભાતનાં દુઃખદર્દ દૂર થાય ને સંસારમાં સ્વર્ગને ઉતારવાની મહાપુરુષોની ઇચ્છા પણ સફળ થાય.

 

 

Today's Quote

God, grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can, and the wisdom to know the difference.
- Dr. Reinhold Niebuhr

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok