Sunday, June 07, 2020

કલકત્તામાં

 ઇ. સ. ૧૯૬૭ પછી સત્સંગપ્રેમી બેન અમરકુમારીના આમંત્રણને માન આપીને અમારે બે વાર કલકત્તા જવાનું થયું, ત્યારે દક્ષિણેશ્વરના દર્શનનો લાભ વરસો પછી અનાયાસે મળી ગયો. દક્ષિણેશ્વરનું દર્શન અત્યંત આનંદદાયક થઇ પડ્યું. ત્યાંના શાંત, સુંદર, સ્વર્ગીય વાયુમંડળમાં અમે ભૂતકાળની સંસ્મૃતિઓને તાજી કરતાં સારો સમય પસાર કર્યો. મારી ઇચ્છા એ શાંત વિશુદ્ધ વાયુમંડળમાં નવરાત્રિના દૈવી દિવસો દરમ્યાન વસવાની હોવાથી અમે ત્યાંના આંતરરાષ્ટ્રીય અતિથીગૃહનું નિરીક્ષણ કર્યું. પરંતુ એના અવલોકનથી અમને નિરાશા થઇ. એના નામ પ્રમાણે ત્યાં રહેવાની સારી સંતોષકારક વ્યવસ્થા જરા પણ ના દેખાઇ. એનું ઉદઘાટન શ્રી મોરારજી દેસાઇ દ્વારા કરવામાં આવેલું, અને એના પ્રાંગણમાં રામકૃષ્ણ પરમહંસદેવની મનહર મોટી મૂર્તિ સ્થાપિત થયેલી. એ સિવાય ત્યાં કશી જ વિશેષતા અથવા અનુકૂળતા નહોતી દેખાતી. એવા આંતરરાષ્ટ્રીય અગત્ય ધરાવતા ઐતિહાસિક સ્થળમાં કેવી સ્વચ્છ સુંદર ધર્મશાળા અથવા કેવું અદ્યતન અતિથીગૃહ જોઇએ ? દક્ષિણેશ્વરનું ટ્રસ્ટીમંડળ એ અનિવાર્ય આવશ્યકતા પ્રત્યે એકદમ ઉદાસીન લાગ્યું. દક્ષિણેશ્વરના સ્થળની પણ સ્વચ્છતા તથા રંગરોગાનની દૃષ્ટિએ ઉપેક્ષા કરાતી હોય એવી છાપ પડી. એના વિશાળ ચોકના અને ગગનગામી ઘુમ્મટોના નવનિર્માણની આવશ્યકતા લાગી.

બહાર દક્ષિણેશ્વરના મંગલમય મંદિરની સ્થાપિકા રાણી રાસમણિદેવીની પ્રતિમા-પ્રતિષ્ઠા કરવામાં આવેલી. મંદિરની દયનીય દશાથી એની મુખાકૃતિ સહેજ દુઃખી દેખાતી હતી. પાસે જ ગંગા વહેતી હતી. ગંગાનો અવાજ એટલે જીવનભર પુરુષાર્થ કરીને પોતાના આદર્શ તરફ વેગથી ધપતા કોઇ સાધકના હૃદયનો ઉલ્લાસ, સંવાદ, રણકાર, તરવરાટ ! પુરુષાર્થીના દિલની અખૂટ પ્રેરણા : કર્મવીરની દીક્ષા, કવિની કવિતા તથા તત્વજ્ઞાનનું તત્વ એવી ગંગા એટલા જ ઉલ્લાસથી વહી જતી. જોનારને તે સંદેશ આપી રહેલી કે હે માનવ, જીવનમાં અખૂટ કે અનંત આનંદની ઉપલબ્ધિ કર. ખૂબ પ્રેમથી જીવ. ઉલ્લાસથી આગે બઢ. ને તારા મૂળ આદર્શ ઇશ્વર તરફ - પૂર્ણતા તરફ પ્રયાણ કર. રાત હોય કે દિવસ, તાપ હોય કે છાંય, સલામતીનું સપાટ મેદાન હોય કે મુશ્કેલીની કાંકરાભૂમિ કે દુઃખના ડુંગર હોય, બધામાં પ્રસન્ન રહી, પ્રેરણાના પિયૂષનું પાન કરી, વિકાસ કર. માર્ગમાં ક્યાંય ઉત્તમ સુંદર વનશ્રી આવશે તો ક્યાંક દિલને ડોલાવી નાખનારા શહેર, ગામ કે કુદરતના દૃશ્યો આવશે. કોઇના હર્ષોલ્લાસ જોવા મળશે તો કોઇના પોકાર ને કોઇ દીનદુઃખીની આહ પણ સંભળાશે, કશાથી ચલિત કે ચંચલ થયા વિના વહ્યે જજે, કોઇ ફૂલ ધરે, આરતી કરે, કે સ્તુતિના બે બોલ કહે તો પણ રોકાઇ ના રહેજે. ને કોઇ થૂંકે, અપમાન કરે, નિંદે કે પ્રહાર કરે તો પણ દુઃખી ના બનજે. વિશ્વની વિવિધતા કે વિચિત્રતાનો એને પણ એક પ્રકાર માનીને કોઇને દુઆ દીધા વિના કે અભિશાપ આપ્યા વિના આગળ ને આગળ ધપ્યે જજે. સર્વને માટે મધુર થઇને શીતળતાનો રાગ તથા દ્વેષ - વહાલ ને વૈમનસ્ય બંનેને તિલાંજલી આપી, પ્રેમમાં પ્રતિષ્ઠિત થઇને ભાવવિભોર થઇને અનંત અમર જીવનની યાત્રાને ચાલુ રાખજે. પૂર્ણતાના પંથનો પ્રવાસી બનજે ને જીવનના ઉલ્લાસને ખોઇશ નહિ.

ગંગાનું દર્શન કરતાંવેંત એવી એવી ભાવોર્મિ હૃદયમાં જાગી ઊઠતી. ભૂતકાળના કેટકેટલા ઇતિહાસની એ શાંત સાક્ષી હતી ? એ મંદ ગતિથી દક્ષિણેશ્વરના દર્શનથી કૃતાર્થ બનતી પોતાના ગંતવ્યસ્થાન તરફ જઇ રહેલી.
કલકત્તા સુધીના પ્રવાસનો લાભ લઇને અમે જગન્નાથપુરી તથા તારકેશ્વર પણ જઇ આવ્યાં.
કલકત્તાના સુપ્રસિદ્ધ કાલી મંદિરમાં અપાતા પશુઓના બલિદાનની પ્રથાને પેખીને અમને પીડા થઇ. આઝાદીના આટલાં વરસો પછી પણ એવી પ્રથા ટકી રહી છે એ આશ્ચર્યકારક છે. એનો અંત આણવા લાગતાવળગતા સૌ કોઇએ કટિબદ્ધ બનવું જોઇએ. દેશમાં કોઇયે કારણે જીવહિંસા ના થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.
કલકત્તામાં અમે નેતાજી સુભાષચંદ્ર બોઝના નિવાસસ્થાનને જોવા ગયા, ત્યારે સુભાષબાબુના ભાઇએ અમને એમની સ્મૃતિમાં સચવાયેલી વસ્તુઓ બતાવી. મેં પૂછ્યું : 'નેતાજી અહીંથી એકાએક અદૃશ્ય થઇ ગયા તે પહેલાં કાંઇ વાંચતા હશે ?'
'હા.' એમણે ઉત્તર આપ્યો, 'નિયમિત રીતે વાંચતા હતા. '
'શું વાંચતા ?'
'એમને બે પુસ્તકોનું વાંચન પુષ્કળ પ્રિય હતું. એક તો સ્વામી વિવેકાનંદના પ્રવચનોનું ને બીજું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું.'
'ગીતાનું ?'
'હા. એ અવારનવાર કહેતા કે ગીતામાંથી મને નિષ્કામ કર્મયોગની, માતૃભૂમિને માટે કાંઇક કરી છૂટવાની પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. એ પ્રેરણાને સાર્થક કરવા માટે હું આજકાલ કાંઇક વિચારી રહ્યો છું.'

એમના શબ્દો આશ્ચર્યકારક હોવા છતાં સાચાં હતાં. ગીતાએ કેવળ સર્વસંગપરિત્યાગી વિવિક્તવાસી ત્યાગી પુરુષોને જ પ્રેરણા નથી પાઇ. એ વસ્તીની વચ્ચે વસનારા ને વિચરનારા વર્તમાન ભારતના નિર્માતા કે પ્રેરણાપ્રદાતા કર્મવીરોની પણ પ્રેરણાદાત્રી બની છે. નેતાજીને પણ એણે અસાધારણ અસર પહોંચાડી છે. એ વાર્તાલાપથી અમને એની માહિતી મળી.

 

 

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok