Fri, Jan 22, 2021

ગાંધીજીનો અદભૂત અનુભવ

ઇ. સ. ૧૯૭૦નું વરસ ગાંધી શતાબ્દિ વરસ તરીકે ભારતભરમાં ઉજવવાનું નક્કી થયેલું. ભારતની બહારના દેશોમાં પણ એ દરમ્યાન કેટલાક વિશેષ કાર્યક્રમો યોજવાનું વિચારાયેલું. મહાત્મા ગાંધીજીનું યોગદાન ભારત પૂરતું મર્યાદિત ન હતું. એમણે આપેલો ફાળો સમસ્ત સંસારને માટે મહત્વનો હતો. એમનું મુખ્ય કાર્યક્ષેત્ર ભારત હતું એ સાચું હોવા છતાં એ પણ એટલું સાચું હતું કે એમની નજર સમસ્ત મહીમંડળ પર મંડાયેલી. ભારતમાં કરોડો દેશબાંધવોની મુક્તિ, ભક્તિ, શાંતિ તથા સમૃદ્ધિને માટે કરવામાં આવેલું એમનું કાર્ય ચક્રવર્તી અને ચિરસ્મરણીય હતું. એને લક્ષમાં લઇને એમને આદરપૂર્ણ અંજલિ આપવામાં આવે અને એમના વિરાટ વ્યક્તિત્વમાંથી ને કલ્યાણકાર્યમાંથી કાંઇ ને કાંઇ પ્રેરણા મેળવવામાં આવે એ ઉચિત અથવા આવકારદાયક હતું.

મેં પોતે પણ એમને મારી રીતે અંજલિ આપવાનો વિચાર કર્યો. ગાંધીજીના શરીરત્યાગ પછી કેટલેક વખતે મેં એમના જીવન અને કાર્યને અનુલક્ષીને 'ગાંધી ગૌરવ' નામની કાવ્યકૃતિની રચના કરેલી. એનું આવશ્યક સંશોધન-સંવર્ધન કરીને અને એને અભિનવ રૂપ આપીને શતાબ્દિ વરસ દરમ્યાન એના પ્રકાશનનો મેં સંકલ્પ કર્યો. એ સંકલ્પને સાર્થક કરવાનો પ્રયત્ન પણ પ્રારંભી દીધો. દિવસોના એકધારા નિષ્ઠાપૂર્વકના પરિશ્રમ પછી શતાબ્દિ મહોત્સવના વરસ પહેલાં જ 'ગાંધી ગૌરવ' કાવ્યકૃતિની રચના પૂરી થઇ. એને માટે મેં ગાંધીજીને લગતાં કેટલાંય પુસ્તકોનો આધાર લીધો. અત્યંત અનુરાગ અને શ્રદ્ધાભક્તિથી મેં એની રચના કરી. રચના દરમ્યાન અનેરો, અદભૂત, અવર્ણનીય આનંદ અનુભવ્યો. સંતશ્રેષ્ઠ તુલસીદાસજીના હૃદયમાં રામચરિતમાનસની રચના દરમ્યાન જેવી રામભક્તિ હશે તેવી જ ગાંધીભક્તિથી ભરાઇને મેં એ કાવ્યકૃતિની રચના કરેલી. એ રચના દ્વારા એક અત્યંત આવશ્યક, આશીર્વાદરૂપ કાર્યને કરવાનો મને સંતોષ થયો.

મારી ઇચ્છા 'ગાંધી ગૌરવ'ની પ્રસિદ્ધિ શતાબ્દિ વરસ દરમ્યાન અને કોઇ ખ્યાતનામ પ્રકાશન સંસ્થા દ્વારા થાય એવી હતી. પરંતુ એ ઇચ્છાની પૂર્તિ ધાર્યા જેટલી સહેલી ન હતી. અંતરમાં ઊંડે ઊંડે વિશ્વાસ તો હતો જ કે જે પરમ શક્તિએ એ સરસ કવિતાકૃતિનું સર્જન કરાવ્યું છે એ એના પ્રકાશનનો પ્રબંધ પણ કરશે જ, તો પણ એને માટે બને તેટલો પ્રયત્ન તો કરવાનો જ હતો. એ પ્રયત્નમાં સફળ થવા માટે મેં પરમાત્માની પ્રાર્થના કરી. એ સંબંધી ગાંધીજીનું જ માર્ગદર્શન માંગ્યું. એક ધન્ય દિવસે વહેલી સવારે ગાંધીજીએ મને અલૌકિક અનુભવ આપ્યો ત્યારે મને સંતોષ થયો.

'તમને મારું 'ગાંધી ગૌરવ' કાવ્ય ગમ્યું ?' મેં એમને પૂછ્યું.
એમણે પ્રત્યુત્તર આપ્યો : 'શા માટે ના ગમે ? ખૂબ જ ગમ્યું. મારે માટે આટલા બધા પ્રેમપૂર્વક બીજું કોણ લખે છે ? મને યાદ પણ કોણ કરે છે? હું એથી ખૂબ જ પ્રસન્ન થયો છું.'
'પરંતુ એને છાપશે કોણ ? કોઇક સારી સંસ્થા છાપે એવી મારી ઇચ્છા છે. વોરા કંપની છાપશે ?'
'ના. નહિ છાપે.'
'આર. આર. શેઠની કંપની ?'
'એ પણ નહિ છાપે.'
'તો પછી કોણ છાપશે ?'
'નવજીવન કાર્યાલય જ છાપશે અને સારી રીતે છાપશે.'
'પરંતુ નવજીવન સંસ્થા તો ગદ્ય જ છાપે છે, પદ્યના પુસ્તકો નથી છાપતી.'
'છતાં પણ ત્યાં કોશિષ કરજો. એ છાપશે અને બહાર પાડશે.'
એ બાબત વિશેષ દલીલ કરવાનો બીજો અર્થ ના હોવાથી એ વિષયને મેં ત્યાં જ પડતો મૂક્યો.
'ગાંધી ગૌરવ'ના પ્રકાશન માટે વરસો પહેલાં, લગભગ ઇ. સ. ૧૯૬૦માં મેં નવજીવનને પત્ર લખેલો. એ સંસ્થાની સૂચનાનુસાર એને એની હસ્તપ્રત પણ મોકલેલી. પરંતુ એ હસ્તપ્રત સંસ્થાની છાપવાની અશક્તિના શેરા સાથે પાછી આવેલી. ગાંધીજીએ આટલા બધા સમય પછી એ જ સંસ્થા પ્રકાશનસંસ્થા બનશે એવો સ્પષ્ટ નિર્દેશ કરીને એની સાથે પત્રવ્યવહાર માટે સંકેત કરેલો. તો પણ મેં મારી રીતે તપાસ કરવા વોરા કંપનીને અને બેત્રણ બીજી પ્રકાશન સંસ્થાઓને લખી જણાવ્યું. એ બધી પ્રકાશન સંસ્થાઓએ 'ગાંધી ગૌરવ'ના પ્રકાશન માટે ના પાડી. હવે ગાંધીજીની પ્રેરણા પ્રમાણે એક નવજીવન સંસ્થાને જ લખવાનું શેષ રહ્યું.

'ગાંધી ગૌરવ' વિશે ગાંધીજી સાથે જે વિશેષ વાર્તાલાપ થયેલો એનો ઉત્તરાર્ધ આ પ્રમાણે હતો :
'ગાંધી ગૌરવ' વિશે કોઇની પાસે પ્રસ્તાવના જેવું લખાવું ?'
'લખાવવું હોય તો કાકા કાલેલકર પાસે લખાવજો. એ સારું લખશે.'
'મોરારજી દેસાઇ પાસે કાંઇ લખાવું ?'
'એ પણ લખી આપશે. લખાવજો.'
મેં નવજીવન સંસ્થા પર પત્ર લખ્યો. 'ગાંધી ગૌરવ'નો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો. સંસ્થાના ટ્રસ્ટીએ ટૂંકમાં જણાવ્યું કે આ સંસ્થા કાવ્યોનું પ્રકાશન નથી કરતી. તમે મહાત્મા ગાંધીજી પર આટલું મોટું કાવ્ય લખ્યું છે તે જાણીને હર્ષ થાય છે. તમને હરકત ના હોય તો એની હસ્તપ્રત જોવા માટે મોકલી આપો.

એ ઉત્તરથી કંઇક અંશે ઉત્સાહિત અને આશાવાદી બનીને મેં એમને હસ્તપ્રત મોકલી આપી.

એ દરમ્યાન મેં કાકા કાલેલકરનો પત્ર દ્વારા સંપર્ક સાધીને એમની પાસે 'ગાંધી ગૌરવ' વિશે કશુંક લખી આપવાની માગણી કરી. એમણે કાવ્યોની પ્રસ્તાવના લખવાનું બંધ કરેલું અને એમની આંખની શક્તિ સારી ન હતી તો પણ હસ્તપ્રતને મંગાવીને પોતાનો અભિપ્રાય લખી મોકલ્યો. શ્રી મોરારજી દેસાઇએ પણ એમના અનેકવિધ વ્યવસાયમાં રત રહેવા છતાં પણ મારા પત્રના ત્વરિત પ્રત્યુત્તરમાં જણાવ્યું કે 'ગાંધી ગૌરવ' જેમ જેમ છપાતું જાય તેમ તેમ મને એના છપાયેલા ફરમા મોકલશો તો મારો અભિપ્રાય લખી મોકલીશ.

નવજીવન પ્રકાશન પાસે મારી 'ગાંધી ગૌરવ'ની હસ્તપ્રત ત્રણેક મહિના સુધી સુરક્ષિત રહી. એ દરમ્યાન એનું નામી કવિજન ને ગાંધીવાદી વિચારકોએ અવલોકન કર્યું. આર્થિક રીતે એનું પ્રકાશન અનુકૂળ રહેશે કે કેમ તે પણ વિચારવામાં આવ્યું. છેવટે સંસ્થા તરફથી એને છાપવાનો નિર્ણય કરવામાં આવ્યો. મને એ નિર્ણયથી આનંદ થાય એ સ્વાભાવિક હતું. ગાંધીજીની ઇચ્છા તથા પ્રેરણાનો વિજય થયો. મહાપુરુષોના સંકેતો સદા સાચા પડે છે. એ સ્થૂળ સ્વરૂપે વસતા હોય કે સુક્ષ્મ સ્વરૂપે શ્વાસ લેતા હોય તો પણ એમના ઉદગારો મિથ્યા નથી થતાં.

શ્રી મોરારજી દેસાઇએ લખેલ આમુખ સુયોગ્ય સમયે આવી પહોંચ્યો. 'ગાંધી ગૌરવ' ગાંધી શતાબ્દિ દરમ્યાન જ બહાર પડ્યું તેથી મારી પ્રસન્નતાનો પાર રહ્યો નહિ.

નવજીવન પ્રકાશનના મેનેજિંગ ટ્રસ્ટીએ એક વાર વાતવાતમાં મને જણાવ્યું : 'ગાંધી ગૌરવ'ના પ્રકાશનનો નિર્ણય લેતાં પહેલાં અમે સ્વાભાવિક રીતે જ ખૂબ ખૂબ વિચાર કરેલો. એને આટલો બધો સારો આવકાર મળશે એની કલ્પના પણ ન હતી. વિદ્વાનોએ એની ખૂબ જ પ્રસંશા કરી છે અને વિવેચકોએ એની પર સરસ વિવેચનલેખો લખ્યા છે. સાહિત્ય અને કવિતાની દૃષ્ટિએ એની રચના ઘણી સુંદર અને ઊંચી કોટિની થઇ છે.

એનાથી અધિક સંતોષ બીજો કયો હોઇ શકે ? એના પ્રકાશન પાછળની પ્રેરણાના પ્રામાણિક ઇતિહાસનું આલેખન કરતાં આજે આટલાં વરસો પછી પણ મારું અંતર અવનવા ભાવોનો અનુભવ કરે છે.

 

 

Today's Quote

That man has reached immortality who is disturbed by nothing material.
- Swami Vivekanand

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.