Fri, Jan 22, 2021

ઉડીયાબાબાનો મેળાપ

કેટલાંક પ્રસંગો અથવા મેળાપો શાશ્વત બનવા માટે સરજાયેલા હોય છે અને જીવનમાં એમની અમીટ અમર છાપ મૂકી જાય છે. એ પ્રસંગો અથવા મેળાપો જીવનના ધન્ય પ્રસંગો અથવા મેળાપો બની રહે છે. ઈ. સ. ૧૯૭૨ના ઓક્ટોબરની અગિયારમી તારીખે થયેલો મેળાપ પણ એવો જ ધન્ય ને ચિરસ્મરણીય મેળાપ હતો. એ મેળાપ અથવા વધારે સારી ભાષામાં કહીએ તો સ્વર્ગીય સમાગમ એક પ્રાતઃસ્મરણીય સત્પુરુષ અથવા સંતનો હતો. એ સુખદ સમાગમનું વિહંગાલોકન કરી જઈએ.

એ વખતે અમે બદરીકેદારના પુણ્યપ્રવાસેથી પાછા ફરતાં થોડા વખતને માટે દેવપ્રયાગના દૈવી સ્થળમાં રોકાયેલા. ત્યાં વરસો પહેલાં અમે જે સ્થાનમાં નિવાસ કરેલો તે સ્થાનમાં ઓરિસ્સા તરફના એકાંત પ્રેમી મહાત્મા પાંચ-છ વરસોથી નિવાસ કરતા. એમનું નામ ઉડિયાબાબા હતું. દેવપ્રયાગના નિવાસીઓ એમના તપ તથા ત્યાગની મુક્તકંઠે પ્રશંસા કરતા. અમે અમારી સાથેના જિજ્ઞાસુ ભાઈબહેનોની ઈચ્છાને માન આપી એ સ્થાનના દર્શને ગયા ત્યારે એમના સમાગમનો લાભ સહેજે મળી ગયો.

અમારા વખતની કુટિરને તોડી પાડીને એના સ્થાન પર એક નાની સરખી પાકી સુંદર કુટિરનું નિર્માણ કરવામાં આવેલું. ઉડિયાબાબા એમાં જ નિવાસ કરતા. એ સ્થાન કેટલું બધું સુંદર, આકર્ષક અને એકાંત દેખાતું ? અમે એ નાની સરખી, કુદરતની ગોદમાં વિરાજેલી કુટિરમાં પ્રવેશ કર્યો ત્યારે ઉડિયાબાબાને એની અંદર બેઠેલા જોયા. એમનું વ્યક્તિત્વ લેશ પણ આકર્ષક અથવા અસાધારણ નહોતું દેખાતું. શરીર શ્યામ હતું. મુખમંડળ કોઈ પણ પ્રકારની વિશિષ્ટતા અથવા ચમત્કૃતિથી રહિત હતું, અને એમનું આખુંય વ્યક્તિત્વ છેક જ સાધારણ દેખાતું. અલબત્ત એમના મુખ પર ને નેત્રોમાં ઊંડી શાંતિ પથરાયેલી અથવા આત્મસંતોષની આભા પ્રકટેલી. એ નિશાની કાંઈ જેવી તેવી અને ઉપેક્ષણીય ન હતી. એમના શિર પર મલિન લાગતા ગૂંચળાંવાળા વાળની જટા, મુખ પર નાની સરખી શ્વેત દાઢી અને શરીરે સફેદ, સંપૂર્ણ કે સારી પેઠે સ્વચ્છ ના કહી શકાય એવાં વસ્ત્રો હતાં. પ્રથમ નજરે નિહાળતાં જ એ કોઈ વૈરાગી સાધુ હોવાની છાપ પડ્યા વિના ના રહી. એવા એકાંત, નિતાંત એકાંત સ્થાનમાં રહેવાનું કાર્ય સામાન્ય કક્ષાના સાધકને માટે મુશ્કેલ હતું. પૂરેપૂરી ઈશ્વરભક્તિ, સાધનાપ્રીતિ કે વિરક્તિ વગર એવા સ્થાનમાં સુદીર્ઘ સમય સુધી ના જ રહી શકાય. એવા વિચારથી અમને એમના સારુ સદભાવ પેદા થયો. ભારતમાં આજે પણ એવા કેટલાય સંતો છે જે ઈશ્વરપરાયણ જીવન જીવતાં આત્મવિકાસની સમજપૂર્વકની સાધનામાં પોતાના જીવનને જોડીને એકાંતમાં વસી રહેલા છે. એમનો સમાગમ સાચેસાચ સુખદ ઠરે છે.

ઉડિયાબાબાએ સૌને બે હાથ જોડીને મસ્તક નમાવીને નમસ્કાર કર્યા. એમના એવા વર્તનની પાછળ ભારે વિનમ્રતાનું દર્શન થયું. સામાન્ય રીતે સંતપુરુષો બીજાને એવી રીતે નમસ્કાર કરવાનું ઓછું પસંદ કરતા હોય છે. અમારી સાથેના પ્રવાસીઓ એમની એ વિનમ્રતાને  વિલોકીને આશ્ચર્ય પામ્યા. ઉડિયાબાબાએ શાંતિપૂર્વક છતાં પણ ભાવભરપૂર ભાષામાં મને જણાવ્યું કે તમે આ સ્થાનમાં વરસો સુધી વસવાટ કરેલો એ જાણીને તમને મળવાની ભાવના થયેલી. ઈશ્વરકૃપાથી એ ભાવના આજે પૂરી થઈ. જીવનમાં પરમાત્મા વિના કશું જ સ્થાયી નથી. એ જ જાણવા કે પામવા જેવા છે. જીવ એમને ભૂલીને ને જગતના વિષયોમાં ડૂબીને દુ:ખી થાય છે. જે પરમાત્માને ભજે છે ને જાણે છે તેની કૃતાર્થતાનો અંત નથી રહેતો. એ સદાને  સારું, સાચા અર્થમાં સુખી બની જાય છે.

એમણે ખૂબ ખૂબ પ્રેમપૂર્વક અમારે માટે નીચેથી પેંડાનો પ્રસાદ મંગાવ્યો. અમારી સાથેના સૌ કોઈએ એમના ચરણે પૈસા અર્પણ કર્યા. એની પાછળ શુદ્ધ સેવાદૃષ્ટિ હોવા છતાં એમણે એ પૈસાને ગ્રહણ ના કર્યા. 'મારે પૈસાનું કામ જ શું છે ? એના સિવાય સહેજે ચાલે છે. આ બધા પૈસા પાછા લઈ લો. ભગવાનની કૃપા છે. એમનો ભંડાર મારે માટે ઉઘાડો છે. મારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી  નથી. આ ધન મારે ના જોઈએ.' એ એમના ઉદગારો હતા. એમની અપરિગ્રહ વૃત્તિ અને નિ:સ્પૃહતા સાચી અને સંપૂર્ણ હતી. એમને મનાવવાના કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા તો પણ એ હિમાલય જેવા અચળ રહ્યા અને લેશ પણ ના ડગ્યા. આખરે અમારી સાથેના એક બીજા બીજા સાધુપુરુષને એ પૈસા આપી દેવામાં આવ્યા. એમણે એ સહર્ષ સ્વીકારી લીધા. એ એમના મહત્વમાં માનતા હોવાથી એમને માટે એ સહજ હતું.

ઉડિયાબાબા એવા વિવિક્તવાસ દરમિયાન પોતાનો નિર્વાહ કેવી રીતે ચલાવતા ? એવો પ્રશ્ન સહેજે પેદા થાય છે. એના ઉત્તરમાં અમારી સાથેના પંડાભાઈઓએ કેટલોક પ્રકાશ ફેંક્યો. એમણે કહ્યું કે ઉડિયાબાબા ગામમાં નથી આવતા. લોકસંપર્કની અભિરુચિ એમને જરા પણ નથી. કોઈની પાસે એ કશું માંગતા નથી. કોઈ સહજ રીતે પ્રેમભાવે કશુંક પહોંચાડે તો આવશ્યક્તાનુસાર સ્વીકારે છે. વધારે ભાગે તો મગની દાળ પર અથવા કશું ના હોય ત્યારે પાંદડાં ખાઈને જીવન ગુજારે છે. એ ઈશ્વરપરાયણ થઈને કેવળ આકાશ વૃત્તિથી જ જીવે છે. કોઈની પણ લાલસા, વાસના કે અપેક્ષા નથી રાખતા.

ઉડિયાબાબાના મુખમંડળ પર નિસ્પૃહતા છવાયેલી. એમની નિઃસ્વાર્થતા અને તપપરાયણતા ખીલી ઊઠેલી. એની સાથે સાથે ઊંડા આત્મસંતોષની છાયા દેખાતી. એ એક અસાધારણ અવસ્થાએ આસીન થયેલા સંતપુરુષ હતા એમાં કશા સંદેહને માટે સ્થાન ન હતું.

એમની અસાધારણતાનો એક બીજો વિશેષ પુરાવો તો એ પછી છેક છેવટે, એમની અને એમના એકાંત આશ્રમની વિદાય લેતી વખતે મળ્યો. અમે એ નાની સરખી કુટિરમાંથી બહાર નીકળ્યા ત્યારે અમારી સાથે એ પણ બહાર નીકળ્યા. લગભગ મધ્યાન્હનો સમય હતો. સૂર્યનારાયણ પોતાની  પરિપૂર્ણ શક્તિથી પ્રકાશી રહેલા. કુટિરના પર્વતમાળાથી આવૃત્ત થયેલા આંગણામાં આવીને એ મહાપુરુષ ભારે નમ્રતાપૂર્વક પ્રેમથી પરિપ્લાવિત હૃદયે મારી આગળ ઉભા રહ્યા. એમણે પૂર્ણપણે તપતા સૂર્ય તરફ દૃષ્ટિને સ્થિર કરીને મનોમન કાંઈક બોલવા માંડ્યું. સૂર્યનો પ્રખર પ્રકાશ એમને આંજી શકતો ન હતો. એમણે સૂર્યોપાસનાની કોઈક સામાન્ય સિદ્ધિ મેળવી હોય એવું લાગવા માંડ્યું. સૂર્ય સામે એવી રીતે એકધારું જોયા પછી એ મારી તરફ ફર્યા અને મને બે હાથ જોડીને એકાએક પગે લાગ્યા, એમના મુખમંડળ પર સુમધુર સંમોહક સ્મિત ફરી વળ્યું. એ બે હાથ જોડીને મારા તરફ જોઈ રહ્યા અને સત્વર, વિપળનાય વિલંબ વિના ધીમા છતાં સરસ સ્વરમાં બોલ્યા: ' તમે ....છો. તમે ..... ફરી આવ્યા છો.' 

એટલું બોલીને એ સ્નેહપૂર્વક છૂટા પડ્યા. ધીમેથી ઉચ્ચારાયેલા એ શબ્દોને મારા સિવાય બીજું કોઈ ના સાંભળી શક્યું. બીજાં બધા જ અમારાથી દૂર હતાં.

એમના શબ્દો સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી. નવાઈ લાગે એ સ્વાભાવિક હતું. કેવો અચિંત્ય, અલૌકિક અવનવો અનુભવ ! અને એ પણ કેટલી બધી આકસ્મિક રીતે થયો ! હું .... છું તેની માહિતી એમને કેવી રીતે મળી ? એ હકીકત એ એમના ઈષ્ટદેવની મદદથી જાણી શક્યા કે બીજી કોઈ રીતે ? એ પ્રશ્નોના મહત્વ કરતાં એમને મળેલી મહામૂલ્યવાન માહિતીનું મહત્વ મારે મન વધારે હતું. મારા જીવનમાં મેં જોયેલા અનેક નાના મોટા મહાત્મા પુરુષોમાં કેવળ એક જ મહાત્મા એવા મળેલા જેમણે મને સ્થૂળ રીતે, જાગૃતિ દશામાં, મારા પૂર્વજન્મની માહિતી આપી હોય. ઈ.સ. ૧૯૪૪માં મને મારા પૂર્વજન્મની માહિતી મળી ત્યારથી માંડીને આજ સુધી સૂક્ષ્મ શરીરધારી, સમાધિ જેવી અવસ્થામાં એનો લાભ આપનારા મહાત્મા પુરુષો તો કેટલાય, અવારનવાર અને અનેક મળ્યા પરંતુ જીવંત મહાપુરુષોમાંથી કોઈએ જાગૃતિમાં એ જ્ઞાન પૂરું પાડ્યું હોય એવો પ્રસંગ તો આ બીજો જ હતો. અને એ પણ ક્યારે ઉપસ્થિત થયો તે જાણવા જેવું છે. છેલ્લા કેટલાક વખતથી મારા મનમાં વિચાર પેદા થતો કે કોઈ એવા મહાપ્રતાપી મહાપુરુષ નહિ હોય જે આપણને જોતાંવેંત આપણા પૂર્વજન્મને જાણી શકે ? એવા મહાત્માનો અત્યારે અભાવ હશે ? આટલા મોટા દેશમાં એવા મહાત્મા હશે જ નહિ ? હશે તો ક્યાં હશે ? એમનો મેળાપ શી રીતે થશે ? ઈશ્વરની વિરાટ શક્તિએ એવા વિચારો કે પ્રશ્નોના પ્રત્યુત્તરરૂપે આ વિરક્ત મહાપુરુષનો મેળાપ કરાવ્યો અને એ પણ મારી વરસો પહેલાંની, વરસો સુધીની ચિરસ્મરણીય ઐતિહાસિક શાંત સુંદર સાધના ભૂમિમાં, એ ઓછા આનંદની વાત ન હતી. ઉડિયાબાબા પોતે પણ એ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ એકદમ આકસ્મિક અને આશ્ચર્યકારક રીતે પરમાત્માની અલૌકિક શક્તિનું માધ્યમ બનીને કરી શક્યા હોય એવું લાગ્યું. શક્તિના મંગલમય માધ્યમ બનવાનું સદભાગ્ય પણ કાંઈ સ્વલ્પ કે સાધારણ તો નહોતું જ. ઉડિયાબાબા એને માટે પૂરેપૂરા યોગ્ય હતા. એ દૃષ્ટિએ એમનું મહત્વ ધાર્યા કે માન્યા કરતાં ઘણું વધારે હતું.

એ પ્રસંગને અત્યાર સુધી હું અનેક વાર વાગોળતો રહ્યો છું. મારે માટે એ ખૂબ જ પ્રસન્નતાપ્રદાયક તેમજ પ્રેરક થઈ પડ્યો છે. ભારત વર્ષ આજે પણ આધ્યાત્મિક રીતે, આધ્યાત્મિક મહાપુરુષોના જગતમાં જીવે છે ખરું. ઉડિયાબાબા જેવા તપઃપૂત પરમ પ્રતાપી પરમાત્મપરાયણ મહાત્મા પુરુષ એની પરિતોષપ્રદ પ્રતીતિ કરાવે છે. એમને સાદર સસ્નેહ વંદન કરીએ. બહારથી છેક જ સાધારણ દેખાતા હોવા છતાં પણ એ અંદરથી અત્યંત અસાધારણ હતાં એમાં શંકા નથી.

 

Today's Quote

Do not wait to strike till the iron is hot; but make it hot by striking.
- William B. Sprague

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.