Text Size

Inspirational Quotes

ઉપવાસની આવશ્યકતા

સાધના કરતાં કરતાં એક અવસ્થા એવી આવે છે જ્યારે ભક્તે ઉપવાસ કરવા ન પડે પણ ઉપવાસ આપોઆપ થઈ જાય, એણે ભોજન છોડવું ન પડે પણ ભોજન આપોઆપ જ છૂટી જાય. ઉપવાસ બધાંને માટે આવશ્યક કે અનિવાર્ય નથી. ખરેખર અનિવાર્ય તો છે ચારિત્ર્યશીલ અને પવિત્ર જીવન, ઉત્તમ વિચારો અને સત્કર્મો. બાહ્ય ત્યાગ બધાને માટે અનિવાર્ય નથી પરંતુ અંદરનો ત્યાગ - વિકારો, વાસના, બુરા વિચારો અને કુકર્મોનો ત્યાગ અતિ આવશ્યક છે.

એકાગ્રતા

પ્રારંભમાં સાધકોએ પોતાના મનને એકાગ્ર કરવા માટે સંઘર્ષ કરવો જ પડે છે. એ સંઘર્ષ થોડા સમય માટે ચાલે કે દીર્ઘકાલપર્યંત તે કાંઈ કહી શકાતું નથી. તેનો આધાર પરમાત્માની અનુકંપા, સાધકના ઉત્સાહ, સાધકની વૈરાગ્યવૃતિ તેમજ એના જીવનની વિશુધ્ધિ પર રહેલો છે. સતત આત્મનિરિક્ષણ કરી જીવનની વિશુધ્ધિ સાધવા સાધક કેટલો કટિબધ્ધ છે તેના પર તેના મનની એકાગ્રતાનો આધાર રહેલો છે.

કલાનું રૂપ

દરેક કલા ઈશ્વર કે મનુષ્યની અંદર રહેલા ચૈતન્ય સાથે સંવાદ સાધવા માગે છે. તે પ્રયત્નનું પરિણામ એ કલાનું રૂપ છે. સંગીત, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, નૃત્ય, દરેકનો મુખ્ય ઉદ્દેશ તો આત્માને ભુલી જવાનો, સ્વયં આનંદ ને રસમાં તરબોળ થવાનો છે. કોઈ પણ કલા આ હેતુને જેટલે અંશે સાધ્ય કરી શકે તેટલે અંશે તેનું ગૌરવ વધારે છે.

કુકર્મ

ધર્મને નામે ભારતવર્ષમાં કેટલીય ભ્રાંત માન્યતાઓ પાછળથી પેસી ગઈ જેમ કે સ્ત્રીઓથી ૐ કાર ન જપાય, સ્ત્રીઓથી વેદ-ઉપનિષદ ન ભણાય વિગેરે. અરે! પરમાત્માનું નામ લો એ તો સત્કર્મ છે અને પુરૂષ હોય કે સ્ત્રી - સત્કર્મ તો બધાથી થાય. હા, કુકર્મ કોઈનાથીય ના કરાય. કુકર્મ કરવાનો કોઈનેય અધિકાર નથી.

ગીતાનો સંદેશ

યોગાભ્યાસને માટે, જીવનને મુક્તિ અને પૂર્ણતાથી સંપન્ન બનાવવા માટે ક્યાંયે નાસી જવાની કે સંબધવિચ્છેદ કરવાની જરૂર નથી. આપણા લૌકિક કર્તવ્યોને પણ તિલાંજલી આપવાની આવશ્યકતા નથી. આપણે સમાજની અંદર જ આદર્શ મનુષ્યને છાજે તે રીતે રહીએ અને સમાજજીવન તથા વ્યક્તિગત જીવનમાંથી દુર્ગુણોને નેસ્તનાબૂદ કરવા સંકલ્પબધ્ધ થઈએ. આ જ ગીતાનો સંદેશો છે.

ગૃહસ્થાશ્રમ

ગૃહસ્થાશ્રમમાં રહીને ભક્તિ થાય, ધ્યાન-ધારણા થાય, સત્સંગ થાય, શાસ્ત્રોનું અધ્યયન થાય, સેવા કરાય અને હાથ લાંબો કરીને દાન પણ દેવાય. જો ગૃહસ્થાશ્રમને સારામાં સારી રીતે પાળવામાં આવે તો સંન્યાસ પણ એની આગળ ફીકો પડે. સંન્યાસનું મંગલમય મંદિર ત્યાં પેદા થઈ જાય છે અને એના દર્શન કરવા ભગવાને પણ આવવું પડે છે.

જીવનસાફલ્ય

માણસનો છેલ્લો સમય આવે ત્યારે એના જીવનભરની સાધનાની કસોટી થાય છે. એ વખતે જો એનું મન ચંચળ બની વિષયોમાં દોડાદોડ કરતું હોય તો સમજવું કે એની સાધના અધૂરી હતી. પરંતુ અંત સમયે જો એ સ્વસ્થ રહી શકે, શાંત અને પ્રસન્ન રહી શકે તો સમજવું કે એના જીવનની સાધના પૂરી થઈ. આંખ મીંચાય ત્યારે માણસ આટલા શબ્દો જ કહી કે અનુભવી શકે -  I have done my duty - તો એનું જીવન સફળ સમજવું.

ત્યાગ

કોઈ પણ પદાર્થને કોઈ પણ પળે પરિત્યાગવા માટે તૈયાર રહેવું એ અનંતના દ્વારને ઉઘાડવા બરાબર છે.

દીવો

જે ઘરમાં દીવો નિવાસ કરે છે ત્યાં અંધારું રહેતું નથી. જે ઘરની બહાર ચોકીદાર હોય ત્યાં જતાં ચોર અનેકવાર વિચાર કરે છે. તેવી જ રીતે જ્યાં ઇશ્વરનો નિવાસ હોય છે ત્યાં કામ ક્રોધાદિ રહેતા નથી.

દૈવી કે આસુરી

શરીરને ક્યે વખતે ક્યાં અને કેવી સ્થિતીમાં રાખવું એ ઈશ્વરના હાથની વાત છે. આપણે મનને ભગવાનમાં પણ રાખી શકીએ અને શયતાનમાં પણ રાખી શકીએ; આસુરી સંપત્તિથી આવૃત બની શકીએ કે દૈવી સંપત્તિથી સંપન્ન બની શકીએ; સત્કર્મો કરી શકીએ કે દુષ્કર્મો કરી શકીએ; સદભાવનાથી સંપન્ન બની શકીએ કે વાસનાના દાસ બની શકીએ. સાધકે દરેક સ્થિતિમાં મનને પરમાત્મામાં પરોવતાં શીખવું જોઈએ.

ધ્યાન

ધ્યાન કરતી વખતે મનને કયાં કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રુચિ કે પ્રકૃતિનો સવાલ છે. પણ હું પોતે એવું માનું છું કે યોગમાર્ગમાં આગળ વધવા માગનાર સાધકે પોતાના હૃદયપ્રદેશમાં કેન્દ્રિકરણ ન કરવું જોઈએ કારણ હૃદયપ્રદેશ લાગણીઓનું કેન્દ્ર છે અને યોગીએ પોતાની લાગણીઓને અસાધારણ બનાવવાની આવશ્યકતા નથી પરંતુ લાગણીઓને નિયંત્રિત કે સંયમીત કરવાની આવશ્યકતા છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok