Text Size

Inspirational Quotes

નિમિત્ત

માનવ જો એવો સૂક્ષ્મ અહંકાર પણ રાખે કે હું ઈશ્વરના હાથમાં હથિયાર છું, નિમિત્ત છું અને આ કાર્ય કરું છું તો એવો અહંકાર પણ અસ્થાને છે. ઈશ્વર આવા હજારો હથિયાર પેદા કરી શકે, આપણા જેવા હજારો નિમિત્તો ઉભા કરી શકે. ઈશ્વરની શક્તિ અનંત છે.

નિષ્ફળતા

પ્રયત્નથી સાપડેલી નિષ્ફળતા એ નિષ્ફળતા નહિ પણ સફળતાની કેડી છે.

પરહિત

જે બીજાને માટે વૃક્ષનું રોપણ કરે એણે કદી તાપથી સંતપ્ત થવું પડતું નથી. જે બીજાને માટે પરબનું નિર્માણ કરે એણે કદી પિપાસુ રહેવું પડતું નથી. એ જ રીતે, પરહિત જેના જીવનનું વ્રત હોય એણે કોઈપણ દિવસ પરિતાપ કે ક્લેશનો અનુભવ કરવો પડતો નથી.
- શ્રી યોગેશ્વરજી

પૂર્વસંસ્કાર

જેમનાં સત્કર્મો સમુદય પામ્યા હોય તેવા માણસો જ શ્રેયને માર્ગે વળે છે અને વળ્યા પછી તેને વળગી રહે છે. આગળ ને આગળ વધે છે. તેવા માનવોને જ ધ્યાન કરવું ગમે છે, નામજપનો આધાર લેવાનું પસંદ પડે છે, સ્વાધ્યાયની પ્રવૃતિઓમાં રસ લાગે છે. તેઓ પોતાના જીવનના વિશોધન કે પરિશોધનને માટે પ્રયત્નો કરે છે. તેઓને આચાર-વિચારની શુધ્ધિનો આગ્રહ રાખવાનું ગમે છે. આ તો પૂર્વસંસ્કારની વાત છે, બધાને કાંઈ તેવું થતું નથી.

પ્રકાશ

અંધકારનો અંત આણવા અંધકારનો વિરોધ કરવાની, અંધકારની આલોચના કરવાની કે એની સામે વિદ્રોહ જગાવવાની આવશ્યક્તા નથી હોતી : આવશ્યક્તા અને એકમાત્ર અનિવાર્ય આવશ્યક્તા હોય છે પ્રકાશને પ્રકટાવવાની.

પ્રાર્થના

પરમાત્માની પરમકૃપાને અનુભવવા પ્રાર્થના જેવું સીધું, સરળ, સરસ અને સચોટ સાધન બીજું કોઇ જ નથી. જો નિયમિત સમજપૂર્વક રીતે પ્રાર્થનાનો આધાર લઇએ તો બીજી કોઇ સાધનાની આવશ્યકતા નહીં રહે. એ એક જ સાધનથી આત્મવિકાસના પાવન પથ પર પ્રયાણ કરી આગળ વધી શકીએ અને પૂર્ણતાને પામી શકીએ.

પ્રાર્થના

પ્રાર્થના કોઈ સંગીતશાસ્ત્રવિશારદ ઉસ્તાદની શાસ્ત્રીય રાગરાગિણી નથી. પ્રાર્થના કેવળ સુરીલો રાગ નથી. પ્રાર્થના એટલે વિચારો અને ભાવોનું પરમાત્મા પ્રત્યે પ્રવાહીકરણ, અણુપરમાણુનું પવિત્ર પ્રેમપૂર્ણ પ્રસ્ફુટીકરણ. એ કોઈ લૌકિક માગણી નથી, પરંતુ પોતાના હૃદયને પરમાત્મા પ્રત્યે વહેતું કરવાની પ્રશાંત પ્રસન્ન પ્રક્રિયા છે. જીવ તથા શિવને સાંધનારો સેતુ છે. આત્મા અને પરમાત્માના સંમિલનની સરળ સચોટ સીધી સાધના છે.
- શ્રી યોગેશ્વરજી

પ્રેમ

પ્રેમ પ્રકટાવો, ઈશ્વર તો એની મેળે આવશે. તે આવ્યા વિના રહી શકશે નહીં. કમળ ખીલે એટલે ભ્રમર તો આપોઆપ આવે. તેમને કાંઈ બોલાવવા પડે નહિ.

પ્રેરણાસ્ત્રોત

પ્રજાને પ્રેરણા ક્યાંથી મળે છે? પ્રજા રાજકીય નેતાઓ પાસેથી, શાળા કે વિશ્વવિદ્યાલયના અધ્યાપકો પાસેથી, ધર્માચાર્યો પાસેથી અને સાહિત્યમાંથી પ્રેરણા ગ્રહણ કરે છે. જો આ બધા જ સ્ત્રોતો આદર્શ હોય, માનવતાથી મહેકતા હોય તો પ્રજા તેમાંથી ઉત્તમ પ્રકારની પ્રેરણા પામી આગળ વધે છે. આજકાલ આ પ્રેરણાંના ઝરણાંઓ સુકાઈ ગયેલા હોય તેવું દેખાય છે. પ્રજાને બેઠી કરવા, દેશને શક્તિશાળી બનાવવા એ સ્ત્રોતોને માનવતાથી મહેકતા કરવાની આવશ્યકતા છે.

પ્રોત્સાહન

કોઈ આપણું બગાડતું હોય કે ના બગાડતું હોય પણ આપણને કોઈના પ્રત્યે દ્વેષ ન થવો જોઈએ. આપણે કોઈનું બુરું ન કરીએ અને કોઈ બુરું કરતું હોય તેને સહયોગ ન પ્રદાન કરીએ. આપણે કોઈની પ્રશસ્તિ ન કરી શકીએ પણ કોઈ કોઈની નિંદા કરતું હોય તો આપણે એને સમર્થન ન આપીએ. આપણે કોઈ સત્કર્મ ન કરી શકીએ પણ કોઈ સત્કર્મ કરતું હોય તેના માર્ગમાં ન આવીએ અને તેને પ્રોત્સાહન પ્રદાન કરીએ. જીવનમાં આપણે આટલું પણ કરી શકીએ તો ઘણું છે.

બાહ્ય ત્યાગ

ઘરમાં રહેવું એક વાત છે અને ઘરના બનીને રહેવું બીજી વાત છે. તમે સંસારમાં રહી વિભિન્ન પ્રકારના કર્તવ્યોનું પરિપાલન અથવા અનુષ્ઠાન કરો પણ સંસારને તમારી અંદર ન રાખો. તમારી અંદર સંસાર નહીં પણ ભગવાન જ રહે - એવી સ્થિતિ જ્યારે થઈ જશે ત્યારે પરમાત્માનો પરમ પ્રેમ તમારા જીવનમાં ઉદય પામશે. તે વખતે તમારા સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે તમારી અવસ્થા એવી થશે કે તમે સંસારમાં રહી જ નહીં શકો. પદ, પ્રતિષ્ઠા, સત્તા, યૌવન કે અધિકારની મોહિની તમને ચલાયમાન નહીં કરી શકે. ત્યારે તમે બાહ્ય ત્યાગ કરી શકશો.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok