Text Size

Inspirational Quotes

ભક્તિ

ભક્તિ ભગવાનનાં ચરણોમાં સમજપૂર્વકનું, ભાવસહિત, સર્વસમર્પણ છે. અથવા એવું કહો કે ભક્તને ભગવાન સાથે, માનવની વ્યક્તિગત આત્મિક ચેતનાને પરમાત્માની સમષ્ટિગત સર્વવ્યાપક પરમચેતના સાથે જોડનારો સેતું છે. તે ભવ પાર કરનારી અવિદ્યારૂપી અર્ણવને તરવામાં મદદરૂપ થનારી નૌકા છે. એની મદદથી પુરુષ સાચા અર્થમાં પુરુષ અને પછી પુરુષોત્તમ બની શકે છે.

ભક્તિ અને યોગ

યોગ અને ભક્તિ કાંઈ પરસ્પર વિરોધી નથી. ભક્તિ પણ યોગ જ છે. જેમ જેમ માનવ ભક્તિ કરે તેમ ધ્યાન આપોઆપ થઈ જાય. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં મન બાહ્ય પદાર્થોમાંથી ઉપરામ થઈ આપોઆપ ભગવાનમાં કેન્દ્રિત બને છે અને ભક્તિભાવ પ્રબળતા ધારણ કરે તેમ અંતઃકરણના આવરણો હઠતા ચાલે અને અંતરાત્મામાંથી શુધ્ધતમ આત્મજ્ઞાનનો આપોઆપ આવિર્ભાવ થાય છે. આમ ભક્તિથી જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે.

ભાગ્યવિધાતા

માનવ પોતાનો ઘડવૈયો બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે, પરંતુ તે માટે તેણે સૌપ્રથમ નક્શો તૈયાર કરવો પડે અને પછી તેને સાકાર સ્વરૂપ આપવા પ્રમાદને ત્યાગી પુરૂષાર્થ કરવો પડે. જે માનવ કેવળ નક્શાઓ જ બનાવ્યા કરે અને તેને સાકાર સ્વરૂપ આપવા ક્રિયાશીલ ન બને તેની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. તેવી જ રીતે, માનવે આત્મવિકાસની યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવા માટે નિશ્ચયાત્મક રીતે અને નિયમિત રીતે સાધનાપરાયણ થવું જોઈશે.

ભ્રાંતિ

આપણા સમાજમાં એવો ભ્રાંત ખ્યાલ પ્રવર્તમાન થયેલો જોવા મળે છે કે જેણે યોગનો અભ્યાસ કરવો હોય તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. સર્વસંગપરિત્યાગી બની જવું જોઈએ. એનાથી લગ્નજીવનમાં પ્રવેશાય નહીં, લોકસેવાની પ્રવૃતિઓમાં એ કાઈપણ પ્રકારનો રસ લઈ શકે નહીં વગેરે. એ બધી જ ભ્રાંત માન્યતાઓ છે કારણ કે ભગવદ્ ગીતાના ઊપદેશક ભગવાન કૃષ્ણ તો આદર્શ ગૃહસ્થાશ્રમી હતા, સંન્યાસી નહોતા એટલું જ નહીં તેઓ લોકસેવાની પ્રવૃતિમાં આજીવન રત રહ્યા હતા.
- શ્રી યોગેશ્વરજી

મનની આંખ

જેવી રીતે સિનેમાના પડદા ઉપર કે નાટકના રંગમંચ પર જુદીજુદી જાતના દ્રશ્યો દેખાય તે જ રીતે સ્મૃતિના આધારે મનના ફલક પર જુદીજુદી જાતના દ્રશ્યો પેદા થાય છે. મન એ દ્રશ્યોનું અવલોકન કે નિરિક્ષણ કર્યા કરે છે. બહારથી જોતાં એમ લાગે કે આંખ બંધ છે પણ મનની આંખ દ્વારા જુદી જુદી જાતના દ્રશ્યોનું દર્શન થયા જ કરે છે. જ્યારે તનની સાથે મનની આંખ પણ જોવાનું બંધ કરે છે ત્યારે સાધક પરમાત્મદર્શન માટેની જરૂરી એકાગ્રતાને અનુભવે છે.
- શ્રી યોગેશ્વરજી

મનની શુદ્ધિ

અશુધ્ધ મન સહેલાઈથી સ્થિર થઈ શકતું નથી. મન જે વિષયોની વાસના અથવા લાલસાથી સંપન્ન હોય તે તરફ પ્રભુનું સ્મરણ કરતી વખતે પણ આકર્ષણ અનુભવ્યા કરે અને તેથી તે તરફ ગતિમાન બને. ત્યાંથી મનને પાછું લાવવું પડે છે. જેણે પોતાના જીવનની અંદર મનની શુધ્ધિને સાધવાને માટેના પ્રયત્નો કર્યા હોય તેવા સાધકો પોતાના મનને સહેલાઈથી સ્થિર કરી શકે છે.
- શ્રી યોગેશ્વરજી

મનની સ્થિરતા

તદ્દન એકાંત હોય, બહારથી કોઈ શબ્દ ન સંભળાતા હોય તોપણ માનવ પોતાના મનને સ્થિર કરી શકે એવું નથી. કારણ કે જ્યારે બહારના શબ્દો સંભળાતા નથી ત્યારે પણ અંદર સૂતેલાં સંસ્કારોને લીધે માનવ કલ્પના કરી શબ્દોનું શ્રવણ કર્યા કરે છે. તે જ રીતે આંખ બંધ કર્યા પછી બહારના દ્રશ્યો ભલે ન દેખાતા હોય પણ મનની આંખ આગળ કલ્પનાજન્ય દ્રશ્યો દેખાયા કરે છે. અને એની પ્રતિક્રિયાને પરિણામે આપણે હર્ષ-શોક કે શાંતિ અને અશાંતિનો અવુભવ કરીએ છીએ. એથી શરૂઆતમાં સાધકે મનને સ્થિર કરવાનો સંઘર્ષ કરવો પડે છે.
- શ્રી યોગેશ્વરજી

મનનું કેન્દ્રિકરણ

જપ કે ધ્યાન કરતી વખતે મનને ક્યાં સ્થિર કરવું જોઈએ? તમે જ્યાં તમારા મનને સહેલાઈથી એકાગ્ર કરી શકતા હો, જ્યાં કેન્દ્રિત કરવાથી તમારું મન બાહ્ય સંકલ્પ વિકલ્પોને પરિત્યાગીને સહેલાઈથી એકાગ્રતા અનુભવી શકતું હોય ત્યાં મનને સ્થિર કરો. ચિત્તને હૃદયપ્રદેશ, ભ્રમરમધ્યે કે અન્ય સ્થાને કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રૂચિનો પ્રશ્ન છે. એને માટેનો કોઈ નિશ્ચિત નિયમ દરેક સાધકને માટે બાંધી શકાતો નથી. પ્રત્યેક સાધકે પોતાની રૂચિ મુજબ ધ્યાનની પધ્ધતિની પસંદગી કરવી જોઈએ.
- શ્રી યોગેશ્વરજી

મનોબળ

માનવે ગમે તેવા પ્રતિકૂળ-પીડાજનક પ્રસંગ દરમિયાન પણ પોતાના મનોબળને મજબૂત રાખવું જોઈએ. મનને મક્કમ કરીને અને રાખીને ધીરજ, હિંમત તથા શાંતિપૂર્વક આગળનો માર્ગ વિચારવો જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ. સ્થિરતાને સદા સતત રાખવી જોઈએ. કદી કોઈયે કારણે ભંગાઈ કે નંખાઈ જવું ના જોઈએ. માનવની સાચી કસોટી કપરા સંજોગોમાં જ થતી હોય છે. એ સંજોગો બદલાય છે પણ ખરા. માટે માનવે સદા આશાવાદી બનીને નિરાશાની વચ્ચે પણ નાસીપાસ થયા સિવાય કર્તવ્યની કેડી પર ઉત્તરોત્તર આગળ અને આગળ વધવું જોઈએ.
- શ્રી યોગેશ્વરજી

મહોત્સવ

ભગવાનનો પ્રેમરસ જેણે ચાખ્યો છે, આત્માના અલૌકિક આનંદને જેણે અનુભવ્યો છે, તેને અનાત્મ પદાર્થોના આકર્ષણો કદિકાળ આકર્ષિત કરી શકતા નથી. એ તો આત્માની દુનિયામાં જ સદા અવગાહન કર્યા કરે છે, એને શોક કે મોહ સતાવી શકતા નથી, ભયની ભૂતાવળો એને લાગતી નથી. એનું જીવન સર્વપ્રકારે નિર્મળ અને નિર્મમ બની જાય છે. એ જીવનની અંદર આનંદનો મહોત્સવ કરતો થઈ જાય છે.
- શ્રી યોગેશ્વરજી

મુક્તિ

સ્વાર્થ એ બંધ છે, ને નિ:સ્વાર્થતા એ મુક્તિ છે. દ્વેષ એ બંધ છે, ને પ્રેમ એ મુક્તિ છે. વિલાસ એ બંધ છે, ને સંયમ એ મુક્તિ છે. દ્વેષદર્શન એ બંધ છે, ને એકદર્શન-અભેદદર્શન એ મુક્તિ છે. બહારના પદાર્થો પાછળ સુખશાંતિ માટે પડવું એ બંધ છે ને અંદર જ તેનો પ્રવાહ પ્રાપ્ત કરવો એ મુક્તિ છે. દેહનો અધ્યાસ એ બંધ છે, ને આત્મતત્વની અનુભૂતિ એ મુક્તિ છે. કામ, ક્રોધ ને લોભ એ બંધ છે, ને નિ:સંકલ્પતા, નિર્લેપતા ને ક્ષમા તથા દયા એ મુક્તિ છે. આ અનુસાર આપણે જીવન બનાવીએ તો મુક્તિ એ આવતા ભવની વાત નહિ પણ આ જન્મની સત્ય પ્રતીતિ થઈ જાય છે.
- શ્રી યોગેશ્વરજી

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok