Text Size

Inspirational Quotes

મુક્તિદાતા પ્રેમ

પ્રેમ કોઈ રીતે બંધનકારક થતો જ નથી. જે બાંધે છે એટલે કે ગુલામની જેમ પરવશ કરી પોતાની સત્તા ચલાવે છે તે પ્રેમ નથી. તે તો મોહ છે. પ્રેમ તો હંમેશાં મુક્તિદાતા છે, બંધનથી ઉન્મુકત કરનાર છે.

મૃગચર્મ

કુદરતને ખોળે નિર્દોષ રીતે ખેલનારા હરણોને મારીને તેમનાં ચર્મોને ઉતારી તેવા આસન પર બેસી જપ-તપ કરવાં કોઈ સાધક કે સિધ્ધને શોભે નહીં. નિર્દોષ પ્રાણીઓના લોહીથી ખરડાયેલાં આસન આપણે શા માટે વાપરવા જોઈએ? સાધના માટે મૃગચર્મ કે વ્યાઘ્રચર્મ, અરે! કોઈપણ આસન અનિવાર્ય નથી. સાધના માટે તો નિરોગી શરીર અને સાત્વિક મન જ અનિવાર્ય છે. કેટલાં કહે છે કે તેમાંથી magnetism મળે છે, પણ મોટામાં મોટું magnetism તો આત્મામાં છે. તમે પોતે જ શક્તિનાં ભંડાર છો, પ્રસન્નતાના Power House છો. ચામડાંઓમાંથી magnetism ને ક્યાં શોધો છો?
- શ્રી યોગેશ્વરજી

યોગ

યોગ એ એક પ્રકારનું અન્વેષણ કે સંશોધન છે. મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? હું કેવળ બહારથી દેખાય છે તેટલું શરીર જ છું ? રક્તવાહિનીઓ, ફેફસાં, આંતરડા, પાંસળીઓ અને હાડકાંઓનો બનેલો માળો જ છું? આ બધું તો જડ છે. હું તો જડ નથી, ચિન્મય છું. તો પછી ખરેખર હું કોણ છું? જેને લીધે હું જડ આંખ દ્વારા જોઈ રહ્યો છું, જડ વાણી દ્વારા બોલી રહ્યો છું, શરીર જડ હોવા છતાં હલનચલન કરી રહ્યો છું - એ જે ચેતન તત્વ છે તેને ઓળખવું તે જ યોગનું લક્ષ્ય છે.
- શ્રી યોગેશ્વરજી

યોગ સાથેનો ભોગ

ગીતાના બધા જ અધ્યાયના શિર્ષકોની પાછળ યોગ શબ્દ પ્રયોજીને એવું બતાવવામાં આવ્યું કે જીવનનું લક્ષ્ય ભોગ નહીં પણ યોગ છે. તે જ ઉત્તમ પ્રકારનો ભોગી બની શકે જે ઉત્તમ યોગી હોય. યોગ વગરનો ભોગ રોગને નિમંત્રે છે જ્યારે યોગ સાથેનો ભોગ મોક્ષને નિમંત્રે છે કારણ એ ભોગ કેવળ શરીર કે ઈન્દ્રિયોનો ભોગ હોતો નથી પણ આત્માનો ભોગ હોય છે.
- શ્રી યોગેશ્વરજી

વેર અને પ્રેમ

વેર વિષ છે અને પ્રેમ પિયૂષ. સાધકે અને પ્રત્યેક માનવે વિષનું નહીં પરંતુ પિયૂષનું જ સેવન કરવું જોઇએ.
- શ્રી યોગેશ્વરજી

વૈરાગ્ય

વૈરાગ્ય શરીરની અવસ્થા નથી પરંતુ મનની ભૂમિકા છે. જંગલમાં રહી એકાંતિક સાધના કરનાર માનવ કરતાં વ્યવહારમાં રહેનાર માનવને વૈરાગ્યની વધારે આવશ્યકતા છે. અસંગ રહેવા વસ્તીથી દુર જવાની જરૂર નથી પરંતુ સંગને મનમાંથી કાઢવાની જરૂર છે.

વ્યક્તિગત સુધાર

વ્યક્તિગત સુધારનું કાર્ય સમષ્ટિગત સુધારને માટે અનિવાર્યરૂપેણ આવશ્યક છે. ફૂલ બગીચામાં ખીલે તેનો અર્થ એ નથી કે તે પોતે જ ફોરમથી સંપન્ન બને. ફૂલ જે ઉપવનમાં ખીલે તેને પણ પોતાની સૌરભથી સંપન્ન બનાવે છે. તે જ રીતે માનવ પોતાનો આત્મસુધાર કરે, માનવતાથી સંપન્ન બનવાનો સાચા અર્થમાં પ્રયત્ન કરે તો સમાજરૂપી ઉદ્યાનને પણ સૌરભના પ્રાપ્તિ થવાની જ છે.
- શ્રી યોગેશ્વરજી

શાંતિ

જ્યાં સુધી આત્માનો સંયમ સાધવામાં ન આવે, જ્યાં સુધી આત્મામાં સ્થિતિ કરવામાં ન આવે, જ્યાં સુધી આત્માનો અનુભવ પોતાની અંદર અને સમસ્ત જગતમાં કરવામાં ન આવે ત્યાં સુધી શરીરનો ગમે તેવો સંયમ હોય, મન અને ઈન્દ્રિયોનો ગમે તેવો નિગ્રહ હોય તોપણ તે માનવને સફળ કરી શકતો નથી, શાંતિ આપી શકતો નથી. હા, કદાચ સિધ્ધિ આપે પણ શાંતિ નહીં આપે.
- શ્રી યોગેશ્વરજી

શાંતિની શોધ

શાંતિ કેવળ ભૌતિક ઉત્કર્ષથી મળે તેવી નથી. શાંતિ કેવળ સૌંદર્ય કે યૌવનથી પ્રાપ્ત થાય તેવી નથી. તે કેવળ પદ, પ્રતિષ્ઠા કે અધિકારથી પ્રાપ્ત થાય તેવી પણ નથી. શાંતિ તો પોતાની અંદર જે આત્મા છે તેની તરફ અભિમુખ થવાથી ધીરેધીરે અનુભવી શકાય તેવી છે. જ્યાં સુધી મનને પોતાની અંદરની દુનિયામાં નહીં ઉતારીશું ત્યાં સુધી સનાતન શાંતિ નહીં સાંપડે.
- શ્રી યોગેશ્વરજી

શાંતિનો રાજમાર્ગ

અનાત્મ પદાર્થોનું સેવન માનવને છેવટે અશાંત જ બનાવે છે. એ પદાર્થો પ્રાપ્ત થાય તો પણ અને ન પ્રાપ્ત થાય તો પણ. અનાત્મ પદાર્થોને પામ્યા પછી પણ તેને પામવાની ભૂખ કદી મટતી નથી. એથી વિષયોની મોહિનીમાંથી મુક્ત થવું એ જ શાંતિનો એકમાત્ર રાજમાર્ગ છે.
- શ્રી યોગેશ્વરજી

સત્કર્મોનું અનુષ્ઠાન

જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી આપણે સત્કર્મોનું અનુષ્ઠાન કદિ ન છોડવું જોઈએ. નામજપ, એકાંતસેવન કે ધ્યાનાદિ જેવા ઉત્તમ કર્મો તો ચાલુ જ રાખવા જોઈએ. જે વેપાર કરતાં આપણને બરકત દેખાઈ, તે વેપાર તો આપણે ચાલુ જ રાખવો જોઈએ.
- શ્રી યોગેશ્વરજી

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok