Tue, Jan 19, 2021

સંતો - પરમાત્માના પ્રતિનિધિ

એ દિવસે મહર્ષિ સૌને દર્શન આપતા હતા અથવા સૌ કોઈને માટે સુલભ હતા ત્યારે મેં એમનું નજદીકથી નિરીક્ષણ કર્યું. પોતાના શિષ્યમંડળ અને આશ્રમવાસીઓથી વીંટળાઈને એ સવારથી બપોર સુધી અને બપોર પછી સાડા ત્રણ વાગ્યાથી માંડીને સાંજ સુધી મંદિરના હોલમાં અથવા લાઈબ્રેરીની ઓસરીમાં બેસી રહ્યા. એ ઘણું ઓછું બોલ્યા અને કોઈની સાથે એમણે વાર્તાલાપ કર્યો હોય એવા અવસર તો અતિ વિરલ આવ્યા.

એમનું મુખમંડળ અસાધારણ પ્રેરણા, અપાર્થિવ શાંતિ તથા શક્તિ, અનંત અનુકંપા અને જ્ઞાનગરિમાથી ભરેલું. એમની તેજસ્વી આંખ ઉપસ્થિત માનવોના મસ્તકની ઉપર અનંતને અવલોકતી હોય એવી લાગતી. એ કોઈ ખાસ વ્યક્તિ પર પોતાની દૃષ્ટિને કેન્દ્રિત નહોતી કરતી તો પણ પ્રત્યેક માનવના અંતરના અંતરતમમાં ઉતરતી હોય એવું અનુભવાતું. એ આંખને અવલોકતાંવેંત જ એવી લાગણી થતી. મહર્ષિની પાસે હોઈએ ત્યારે આપણી દૃષ્ટિને એમની આંખમાં અવગાહન કરાવ્યા સિવાય રહી શકાતું જ નહીં. એ એમની આગળ એકઠા થયેલા વૈવિધ્યપૂર્ણ દર્શનાર્થીઓ પર મૌનને સાચવવા છતાં શાસન કરતા. અસંખ્ય માનવોની ઊર્મિઓના કેન્દ્રીકરણના માધ્યમ બનતા.

એમની સંનિધિમાં વિચારોના પ્રવાહોમાં પરિવર્તન આવતું. આપણી આંતર-ચેતનાના ક્ષેત્રમાં નવા વિચારોનો પ્રવેશ થતો. એમની દ્વારા પ્રવાહિત થતી નખશીખ નિર્મળતા અને નીરવતાથી ભરપૂર વાતાવરણમાં આપણને આપણા વિચારોને અને અભિપ્રાયોને ચકાસવાની ફરજ પડતી. તો પણ એવી પ્રવૃતિ આપોઆપ, કોઈ પણ પ્રકારના પ્રયત્ન સિવાય થયા કરતી. એ ઉપરથી લાદવામાં નહોતી આવતી પરંતુ આત્મચેતનાનો વિકાસ સધાતાં સ્વાભાવિક રીતે જ થયા કરતી. એ અંતરંગ પ્રક્રિયાના પરિણામે અસાધારણ સુખનો અનુભવ થતો. એ મનની નિષ્ક્રિયતા નહોતી. દુન્યવી દુર્વિચારોમાંથી મનને મુક્ત, પવિત્ર અને એકાગ્ર કરવાની સુદીર્ઘ સમયની સાધના પછી પોતાના જન્મજાત સ્વભાવ જેવી એ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. મહર્ષિની સુખદ સંનિધિમાં સ્વાનુભવની એ પ્રક્રિયા સ્વતંત્ર અને નૈસર્ગિક રીતે થયા કરતી. એને માટે કોઈ પ્રકારનો નિરર્થક પરિશ્રમ નહોતો કરવો પડતો.

એકાદ ક્ષણને માટે મારા ધ્યાનમાંથી જાગીને મેં મહર્ષિ તરફ જોવા માંડ્યું. મને ખબર હતી કે બીજી જ પળે એમાં મારો પ્રવેશ થશે અને હું આત્માની અલૌકિક દુનિયામાં અવગાહન કરી શકીશ. મહર્ષિ પોતાના મસ્તકને ખભા તરફ થોડુંક નમાવીને દ્રષ્ટિને દૂર દૂર અચળ અને કેન્દ્રિત કરીને બેઠેલા. ઈલેક્ટ્રિક લાઈટોને સળગાવવામાં આવી અને સાંજના છ વાગે જેમને હોલ છોડવાનો હોય તે મહિલાઓ બહાર નીકળી. હોલમાં એ સમય દરમિયાન પ્રતિદિન મહર્ષિની શાંત, અદૃષ્ટ, ગહન આત્મિક આરાધના અથવા સાધનામાં સંમિલિત થનારા એકાદ ડઝન જેટલા સાધકો બેસી રહ્યા.

મને એકાએક સમજાયું કે માનવસ્વરૂપમાં મહર્ષિની માનવજાતિની સેવાના આ અંતિમ મહિના છે. એમના કેટલાક ભકતો કોઈક ચમત્કારની અપેક્ષા રાખતા હતા તો પણ વર્તમાન શરીરમાં એમનું જીવન વિશેષ નથી એવું લાગ્યા વિના ના રહ્યું. મેં સાંભળ્યું કે એમને એક બીજું ઓપરેશન કરવાનું છે. વ્યક્તિગત રીતે કહું તો મારે કોઈ ચમત્કારની પ્રતીક્ષા નહોતી કરવાની. એમની દ્વારા પ્રકટનારો કે પ્રતિબિંબિત બનનારો પ્રકાશ મનને મુગ્ધ બનાવતો અને અંતરને આલોકિત કરતો. એ હવે વધારે સ્પષ્ટ રીતે જોઈ શકાતો અને સત્યની વિશેષ સમીપ દેખાતો.

જગતના અસ્તિત્વની પાછળ કાર્ય કરનારી ને જગતને માટે નિશ્ચિત નિયમોને બનાવનારી પરમાત્માની પરમ સનાતન સત્તા પોતાની ઈચ્છા વિરુદ્ધ કાંઈ પણ કરે એવી અપેક્ષા તો ના જ રાખી શકાય. મહર્ષિના શરીરના અંત માટે અસાધ્ય વ્યાધિએ નિમિત્ત બનવાનું હોય, ઈશ્વરની ઈચ્છા પણ એવી જ હોય, તો એને કોણ અને કેવી રીતે રોકી શકે ? એને રોકવાનું કાર્ય અશક્ય હતું. એટલે મને કોઈ જાતના ચમત્કારની આશા નહોતી રહી. પરંતુ મને એક વાતનો દૃઢ વિશ્વાસ હતો કે મહર્ષિનું અવસાન કદી પણ નથી થઈ શકવાનું. મારે માટે મહર્ષિ કદી પણ છૂટા નહોતા પડવાના. અમે એમની આજુબાજુ એકઠા થયેલા અને પૃથ્વી પર એમની દ્વારા રેલાતા પ્રકાશના સાક્ષી બનવાના સૌભાગ્યથી સંપન્ન બનેલા એ ઘટના કાંઈ ચોક્ક્સ પ્રયોજન વિનાની નહોતી.

મારી ઉપર અનંત સુખસાગરનું એક શક્તિશાળી તરંગ આવ્યું. એણે મને વીંટી વળીને વિચાર, સંવેદન, શોક, મૃત્યુ તેમ જ પરિવર્તનની પેલી પાર પહોંચાડી દીધો. સમય શાંત થયો. કેવળ સનાતન સત્તા જ શેષ રહી. પ્રકાશનું એ તરંગ મારા પર ક્યાં સુધી શાસન કરતું રહ્યું તેની ખબર  ના પડી. છેવટે મને મહર્ષિ તરફ જોવાનું મન થયું. આંખને ખોલ્યા વિના જ હું જોઈ અથવા જાણી શક્યો કે એમની અનિમેષ દૃષ્ટિ મારા પર મંડાયેલી છે.

મારા આત્મિક અનુભવની એ ગુરુકુંચી હતી.

 - © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.