Tuesday, September 29, 2020

આત્મનિરીક્ષણ

પ્રવાસી પ્રવાસ શાને માટે શરૂ કર્યો છે તે ભૂલી જાય તો પોતાના પ્રવાસને ભાગ્યે જ સફળ કરી શકે. પ્રવાસ ક્યાં પહોંચવા માટે છે તેનું સ્મરણ તેને સદાય રહેવું જોઈએ. એનું સ્મરણ ન રહે તો તે અધવચ્ચે અટકી જાય અથવા આડમાર્ગે વળી જાય એવો સંભવ રહે છે. પ્રવાસના પ્રયોજનનું કે ગંતવ્યસ્થાનનું સતત સ્મરણ એની શક્તિ તથા સાધન-સામગ્રીનો સમ્યક્ રીતે સદુપયોગ કરવામાં મદદરૂપ બને છે. પોતાના ગંતવ્યસ્થાન સુધી ન પહોંચે ત્યાં સુધી એ પ્રવાસની પૂર્ણાહુતિ નથી સમજતો અને કુશળતાપૂર્વક અનુકૂળતા કે પ્રતિકૂળતામાંથી પસાર થતો આગળ વધે છે. આત્મવિકાસની અણમોલ સાધનાનું પણ એવું જ સમજી લેવાનું છે. સાધકે એ સુંદર સુખકારક શાંતિપ્રદાયક સાધનાપ્રવાસ શા માટે શરૂ કર્યો છે, એનું પ્રયોજન શું છે અથવા એ દ્વારા શું મેળવવાનું છે તે બરાબર યાદ રાખવું જોઈએ.

સાધનાનું પ્રયોજન ભુલાઈ જાય તો સાધના બીજે ભળતે માર્ગે ચડી જાય અથવા અધવચ્ચે જ અટકી જાય. એવું પણ બને કે સાધકની બુદ્ધિ બગડી જાય અને એને લીધે સાધક બીજી ભળતી વસ્તુઓને સાધનાનું ધ્યેય સમજીને સંપાદન કરે અથવા ઉપાસે. સામાન્ય અથવા અસામાન્ય સિદ્ધિસંપ્રાપ્તિને જ સાધનાનું સારસર્વસ્વ સમજી બેસે. એને લીધે એની શક્તિ તથા સાધના-સામગ્રી પણ બીજી તરફ વળી જાય. સાધક જો જાગૃતિપૂર્વક સાધના ન કરતો હોય તો અનુકૂળ તથા પ્રતિકૂળ બંને પ્રકારની પરિસ્થિતિઓની અસર નીચે આવી જાય છે. અનુકૂળ પરિસ્થિતિથી કોઈ વાર અહંકારી કે પ્રમાદી બને છે ને પ્રતિકૂળ પરિસ્થિતિથી નિરાશ, નાસીપાસ તથા ભયભીત. પ્રવાસની સફળ પૂર્ણાહુતિ કરવાનું કાર્ય એને માટે છેક જ કઠિન બની જાય છે. જ્યાં સુધી સાધનાત્મક પ્રયોજનની પૂર્તિ ન થાય ત્યાં સુધી સાધકે સાધનાપ્રવાસ ચાલુ જ રાખવો જોઈએ. અહર્નિશ યાદ રાખવું જોઈએ કે એ પ્રવાસ શાને માટે છે, એ દ્વારા શું સાધવાનું છે, કેવી રીતે સાધવાનું છે, કેટલા પ્રમાણમાં સધાયું છે કે નથી સધાયું, કેમ નથી સધાયું, અને જે કાંઈ સધાયું છે તે પોતાના સાધનાપ્રવાસને અનુરૂપ છે કે નહિ. એવી આત્મજાગૃતિ કે ધ્યેયસ્મૃતિ સદા શ્રેયસ્કર ઠરે છે.

આત્મવિકાસની અભિરૂચિવાળા સાધકે અહંતામાંથી મુક્તિ મેળવીને નમ્રાતિનમ્ર બનવાની કોશિશ કરવી જોઈએ. આરંભમાં એવી કોશિશ કરવી પડશે તોપણ પાછળથી એની આવશ્યકતા નહિ રહે. સાધકને માટે નમ્રતા કે સરળતા સહજ થશે. સાધનામાં અવનવા અનુભવ થતાં કે વિલક્ષણ વિભૂતિ અથવા જ્ઞાન સાંપડતાં અહંકાર પેદા થવાનો સંભવ રહેતો હોય છે. એવા સ્થૂળ, સૂક્ષ્મ, સામાન્ય કે અસામાન્ય અહંકારના શિકાર ન બનાય તે માટે સાધકે ક્ષણેક્ષણે જાગ્રત રહેવું જોઈએ.

અહંકાર અજ્ઞાનને લીધે જ પેદા થાય છે. જેની અંદર અણિશુદ્ધ આત્મજ્ઞાન હોય છે એ અહંકારી નથી બની શકતો. છતાં જ્યારે પણ અહંકારનો ભાવ પેદા થાય કે પ્રબળ બને ત્યારે સાધકે પ્રાર્થનાનો આધાર લેવો. પરમાત્માની પ્રાર્થનામાં અસાધારણ શક્તિ છે. એનો આધાર અહંકાર જેવા દુર્ગુણોને દૂર કરવામાં મદદરૂપ બને છે. એ ઉપરાંત, અહંકારમાં અટવાવાનો અવસર આવે ત્યારે બીજા લોકોત્તર મહાન  પ્રાતઃસ્મરણીય સાધકો, સિદ્ધો કે સંતોનું સ્મરણ કરવું અને વિચારવું કે એમણે સાધનાના કેવાં સર્વોત્તમ શિખરો સર કર્યા છે ! એમની આગળ આપણો હિસાબ તો કશો જ નથી. આપણા સાધનાની ને સિદ્ધિની કશી જ વિસાત નથી. આપણે તો હજુ ખૂબખૂબ આગળ વધવાનું છે. સાધનાનાં અનેકવિધ અસાધારણ ઉચ્ચોચ્ચ ગુરૂશિખરો પર પહોંચવાનું છે. એટલે આપણો અહંકાર નકામો છે. આપણે નમ્રાતિનમ્ર બનીને અહર્નિશ આગળ વધવું જોઈએ. એવી રીતે વિચારવાથી અહંકારને ઓગાળવામાં ને શાંત કરવામાં મદદ મળે છે. જ્ઞાનનો, તપનો, સાધનાનો, સિદ્ધિનો, પદનો, પ્રતિષ્ઠાનો, આશ્રમનો - કશાનો અહંકાર નથી ટકી શક્તો.

પ્રમાદ સાધકનો શત્રુ છે. જે પ્રમાદી હોય છે તે સારી પેઠે સુવ્યવસ્થિત રીતે સાધના નથી કરી શકતો. એટલે સાધકે પ્રમાદનો પરિત્યાગ કરવો જ રહ્યો. જે એક જ જન્મમાં અને એ પણ બનતી વહેલી તકે આત્મવિકાસની સુંદર સાધનાનો આધાર લઈને આગળ વધવાની આકાંક્ષા રાખે છે તે પોતાના પ્રમાદનો પરિત્યાગ કરીને, સઘળી શક્તિઓને એકઠી કરીને, પ્રતિપળે સર્વસ્થળે ને સઘળા સંજોગોમાં ચીવટપૂર્વક કામે લાગે તે જરૂરી છે. એણે જીવનના રૂપમાં મળેલા અમૂલખ સ્વર્ણસમયનો સદુપયોગ કરીને બને તેટલા આગળ વધવાનું ધ્યાન રાખવું જોઈએ. એ સ્વર્ણ સમયને કોઈ કારણે બરબાદ ન બનવા દેવો જોઈએ.

આત્મનિરીક્ષણનું સ્થાન સાધકના જીવનમાં ખૂબ જ મહત્વનું છે. જેણે આગળ વધવું છે એણે આત્મનિરીક્ષણ કરવું જ રહ્યું. આત્મનિરીક્ષણની ટેવ પાડવાથી પોતાની ત્રુટિઓને પકડી અને દોષોને સુધારી શકાય છે. આત્મનિરીક્ષણ કરનારે પોતાની જાતનું નિરીક્ષણ કરીને બેસી નથી રહેવાનું; પરંતુ જીવનની વિશુદ્ધિ માટે પ્રયત્નો આદરવાના છે. ત્યારે જ આત્મનિરીક્ષણ સંપૂર્ણ, સફળ અથવા સાર્થક બને છે.

આત્મનિરીક્ષણ દ્વારા સાધક પોતાની જાતનું સમુચિત અવલોકન અથવા મૂલ્યાંકન કરી શકે છે અને પરિણામે મિથ્યા ભાવો કે ખ્યાલોને ત્યાગીને નમ્ર બને છે. એની શક્તિનો એને ખ્યાલ આવતાં એનો સદુપયોગ કરી શકે છે. બીજા એને માટે ગમે તે માનતા હોય તોપણ એ પોતાને સારી પેઠે ઓળખે છે અથવા પોતાની વાસ્તવિકતાને સમજી શકે છે. વાસ્તવિકતાનું એવું દર્શન એને કાયમને માટે આગળ વધારે છે.

સાધકનું અંતર મહત્વાકાંક્ષાથી ઊછળવું જોઈએ. પોતે અપનાવેલી કે આરંભેલી સાધનાના માર્ગમાં વધારે ને વધારે પ્રમાણમાં આગળ વધીને સંસિદ્ધિના સર્વોત્તમ શિખર પર પહોંચવાની એની તમન્ના હોવી જોઈએ. એને એવું લાગવું જોઈએ કે હું દિનપ્રતિદિન આગળ વધીને પ્રથમ કક્ષાની પ્રાપ્તિ કરીશ. પોતાના આદર્શોને ઊંચા રાખીને ઉત્સાહપૂર્વક ઉત્તરોત્તર આગળ વધનારો સાધક એ આદર્શોની પ્રાપ્તિ અવશ્ય કરી લે છે ને જીવનને ધારેલો આકાર આપી શકે છે. એને માટે કશું અશક્ય નથી રહેતું. એની ઉપર ઈશ્વરની કૃપા વરસી રહે છે. જેના મનમાં ઉત્તમ પ્રકારની મહત્વકાંક્ષા નથી તે કશું જ નોંધપાત્ર નથી કરી શકતો. સંસારમાં થયેલા સર્વોત્તમ પ્રકારના સંતોના જીવનપ્રસંગોનો સમુચિત વિચાર કરીને અને એમાંથી પ્રેરણા મેળવીને પોતાના જીવનને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવો પ્રયત્ન સદા કલ્યાણકારક થઈ પડે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok