Tue, Jan 19, 2021

સત્સંગની આવશ્યકતા

આધ્યાત્મિક વિકાસના મંગલમય માર્ગ પર સફળતાપૂર્વક સફર કરીને સિદ્ધિની પ્રાપ્તિ કરવાની ઈચ્છાવાળા સાધકે સંગની પસંદગીમાં ખૂબ જ ધ્યાન આપવું પડશે. સાધકે જ નહિ પરંતુ બીજા સામાન્ય માણસે સંગ પ્રત્યે જરા પણ ગાફેલ નથી રહેવાનું. સાધનાના માર્ગમાં આશાસ્પદ રીતે આગળ વધેલા કેટલાય સારા સાધકો સંગની પસંદગીમાં ગાફેલ રહેતાં સંગદોષના શિકાર બની ગયા છે, વિવેકભ્રષ્ટ બન્યા છે ને બરબાદ થયા છે. મહામહેનતે એકઠી કરેલી પોતાના આધ્યાત્મિક જીવનની મૂડીને એમણે એકાએક અને અનુકંપા ઉત્પન્ન થાય એવી રીતે ખોઈ નાખી છે. પોતાના મૂળ નિશ્ચિત કરેલા સાધનામાર્ગને મૂકીને અથવા તો ઉચ્ચ જીવનના આદર્શોને તિલાંજલિ આપીને એ કોઈક ભળતે જ માર્ગે વળી ગયા છે કે પથભ્રાંત બન્યા છે. તો એથી ઊલટું, ઉત્તમ પ્રકારના જીવનવિકાસમાં મદદરૂપ થનારા સંગની પસંદગી કરીને અને એના સંગનો લાભ ઉઠાવીને બીજા કેટલાય સાધકોએ પોતાના દોષો દૂર કર્યા છે, પોતાની જીવનદ્રષ્ટિને વધારે ને વધારે સ્પષ્ટ ને ઉત્તમ કરી છે તથા પોતાની અંદર નવા પ્રકાશ ને નવી પ્રેરણાની સામગ્રી ભરી છે. સંગમાં એવા બંને પ્રકારના સારા ને નરસા ભાગ ભજવવાની શક્તિ છે અને સાધકે એના નરસા ભાગનો ત્યાગ કરીને એના સારા ભાગનો સ્વીકાર કરવાની કળામાં કુશળ થતાં શીખવાનું છે.

આપણી ભાષામાં સંગના સંબંધમાં ત્રણ જુદાજુદા શબ્દો પ્રચલિત છે. સત્સંગ, કુસંગ અને અસંગ. એમાંથી જેમણે આત્મોન્નતિને માર્ગે આગળ વધવું હોય તેમણે સત્સંગનો વધારે ને વધારે રસ કેળવવો જોઈએ ને કુસંગથી કાયમને માટે દૂર રહેવું જોઈએ. અધ્યાત્મમાર્ગમાં જેમને બિલકુલ રસ ન હોય પરંતુ દુન્યવી વિષયોમાં જ રસ લાગતો હોય એવા વ્યસની, દુર્ગુણી, ન્યાયનીતિને નેવે મૂકીને ચાલનારા તેમ જ ધર્મ અને ઈશ્વરની સાથે છૂટાછેડા લઈને જીવનારા મનુષ્યોનો સંગ કુસંગ કહેવાય છે. એવાં પુસ્તકો ને સ્થળોનો સંપર્ક પણ કુસંગની જ ગરજ સારે છે. એથી એમનો સંસર્ગ સદાને માટે ટાળવો જોઈએ. એવાં ચિત્રો તથા દ્રશ્યોથી પણ દૂર રહેવું જોઈએ. એથી ઊલટું; ચિત્રો, દ્રશ્યો, પુસ્તકો, સ્થળો કે મનુષ્યોનો જે સંગ અંતરમાં સુષુપ્ત રીતે રહેલી કે અંકુરિત થયેલી શુભ વૃત્તિઓ અને ભાવનાઓને પોષતો હોય; ધર્મ, નીતિ ને ન્યાયપરાયણ કરતો હોય; સર્વ પ્રકારનાં વ્યસનો ને દુર્ગુણોમાંથી મુક્ત કરીને સાચા અર્થમાં પૂર્ણ કે આદર્શ માનવ બનવાની પ્રેરણા પૂરી પાડતો હોય તેમ જ ઈશ્વરવિમુખ નહિ પરંતુ ઈશ્વરાભિમુખ કરતો હોય તે સંગને સત્સંગ કહી શકાય. એવો સત્સંગ મહામોંઘા મંત્રરૂપ અથવા તો અમૂલખ આશીર્વાદરૂપ ઠરે છે અને એટલા માટે જ હંમેશાં આવકારદાયક છે. કુસંગ બહારથી આકર્ષક છે અને એના તરફ મન પ્રમાણમાં બહુ વહેલું વળે છે. છતાં એની ભયંકર હાનિકારકતાનો વિચાર કરીને એમાંથી મનને પાછું વાળીને સત્સંગમાં જ પરોવવું જોઈએ. સત્સંગનો સ્વાદ લાગતાં પહેલાં તો જરા વાર લાગશે પરંતુ પછીથી એનો એવો તો રસ લાગશે કે વાત નહિ. સત્સંગ જીવનમાં એવી રીતે તાણા ને વાણાની પેઠે વણાઈ જશે ને જીવનને ઉત્તમ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે.

સત્સંગનો તાત્વિક અર્થ શો છે ? પરમાત્માનો પરિચય કરાવે કે તે પરમાત્માની પાસે પહોંચાડે તે સત્સંગ. એટલે સર્વ પ્રકારના સત્સંગનું છેવટનું ધ્યેય એ જ હોવું જોઈએ. એ દ્રષ્ટિથી જોતાં પરમાત્માનો પરિચય સાધી ચૂકેલા કે સાધવાનો પ્રયાસ કરનારા સત્પુરૂષના સમાગમ જેવો સુંદર, સાર્થ ને શક્તિવાળો સત્સંગ બીજો એકે નથી. જીવનની કાયાપલટ કરવામાં એવો સત્સંગ ભારે અકસીર પુરવાર થાય છે. પરંતુ એવો સર્વોત્તમ સત્સંગ ન મળે ત્યારે પણ કાંઈ બેસી ન રહેવાય. એ સંજોગોમાં સહેલાઈથી મળી રહેતા સારામાં સારા સત્સંગોનો લાભ લેવો જોઈએ. મહર્ષિ વ્યાસ ને કૃષ્ણ આજે નથી. પરંતુ ભાગવત તથા ગીતા દ્વારા મહર્ષિ વ્યાસ અને કૃષ્ણનો, રામચરિતમાનસ દ્વારા તુલસીદાસનો, બાઈબલ દ્વારા ઈશુનો, અવસ્તા દ્વારા જરથુષ્ટનો અને શંકરાચાર્ય ને બીજા મહાપુરૂષોનો સમાગમ પણ એ જ રીતે કરી શકાય છે.

સત્સંગ ન મળે તો કુસંગ તો ન જ કરવો, પણ અસંગ એટલે સંગ વગરના અથવા એકલા રહેવું. એથી વધારે લાભ થશે. સમય તથા શક્તિ બચી જશે. આગળ વધતાં લાંબે વખતે એક એવી અવસ્થા આવશે જ્યારે બહારના સત્સંગની ઈચ્છા જ નહિ રહે. એ ભૂમિકાએ પહોંચ્યા પછી સાધક અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તે પ્રકારના વાતાવરણમાં રહીને પોતાની આત્મસંપત્તિને સાચવી શકશે. પોતાના મનને ઈશ્વરાભિમુખ રાખી શકશે ને ઉત્તમ જીવનના આદર્શ તરફ સ્વાભાવિક રીતે જ પ્રયાણ કરશે. પછી પોતાને પોતાનો સંગ જ પૂરતો થઈ પડશે. પરંતુ એવી ભૂમિકા તો ભાગ્યે જ ને કોઈકને પ્રાપ્ત થશે. બીજા બધાએ તો પોતાની સલામતિ માટે, સંસ્કારોની સુરક્ષા તથા સુદ્રઢતા માટે, પ્રેરણા ને પથદર્શન માટે, જરૂરી જ્ઞાનની પ્રાપ્તિ માટે, અને એ રીતે સમસ્ત જીવનના આમૂલ પરિવર્તન તેમ જ આધ્યાત્મિક ઘડતર માટે બહારના સત્સંગનો આધાર લેવો જ પડશે. એમને માટે એ આશીર્વાદરૂપ ઠરશે.

સાથેસાથે એવો સત્સંગ જડ કે યાંત્રિક ન થાય અથવા તો ઘરેડરૂપ ન બની જાય એનું પણ ધ્યાન રાખવું પડશે. સત્સંગ માત્ર કરવાને ખાતર કરવો અને એમાંથી જીવનને વિશુદ્ધ કરીને આગળ વધવાની શક્તિ ન મેળવવી એવું ન હોવું જોઈએ. એવી પરિસ્થિતિ જ્યાંત્યાં દેખાય છે. તમે નથી જોતાં કે માણસો નિયમિત કથાવાર્તા ને પ્રવચનમાં જાય છે, ગીતા-ભાગવત વાંચે છે, દેવમંદિર જાય છે, ભજન ગાય છે, પૂજાપાઠ કરે છે, તીર્થોમાં ફરે છે ને સંતસમાગમ કરે છે તોપણ બાવાજીની તુંબડી જેવા જ રહે છે ? મતલબ કે એમનો સ્વભાવ નથી સુધરતો. એમનામાં રહેલા કામ, ક્રોધ, મદ તથા મોહ નથી મટતા. પેલી બાવાજીની તુંબડીની પેઠે કટુ જ રહે છે ને મધુમય નથી બનતા. જે સત્સંગ એ કરે છે એનો આત્મા એમના જીવનમાં નથી ઊતરતો. એની અસરથી એ અલિપ્ત રહે છે. એક રીતે જોતાં એ સત્સંગપ્રૂફ બની ગયા હોય છે. સત્સંગના પ્રભાવથી એમના વ્યાવહારિક જીવનમાં, એમની રીતભાત કે ટેવોમાં, એમના વિચારોમાં, એમનાં કર્મોમાં અને એમના વ્યક્તિત્વમાં કોઈ નોંધપાત્ર સુધારો નથી થતો. એવો સુધારો કરવાની તીવ્ર ઈચ્છા કે પ્રેરણા પણ એમનામાં નથી પ્રગટતી. સત્સંગ કરવો જોઈએ એટલા માટે એ કરે છે. એ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં શંકા નથી. પરંતુ એટલી જ પ્રવૃત્તિ એમના જીવનવિકાસને માટે પર્યાપ્ત નહિ થાય એ પણ એમણે સમજી લેવાનું છે. એથી આગળ વધીને ને પ્રવૃત્તિની મદદથી જીવનની નિર્મળ, ઉત્તમ અને ઈશ્વરપરાયણ બનાવવાની સાધના પણ એમણે કરવી જોઈએ અને જીવનને સાચા અર્થમાં જીવન બનાવવું જોઈએ. બહારનો સત્સંગ ત્યારે જ સાર્થક થઈ શકશે. જીવનની વિશુદ્ધિ કોઈ એકાદ-બે દિવસ, મહિના કે વરસોનો ખેલ નથી. એ તો વરસોના પરિશ્રમ અને એકધારા પરિશ્રમનો પરિપાક છે. છતાં પણ એ માટેના પ્રયત્નો જે પ્રામાણિકપણે પ્રારંભ કરશે તે વહેલોમોડો જીવનની ઉત્તમતાનો આનંદ અવશ્ય મેળવી શકશે એમાં સંદેહ નથી.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

God, grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can, and the wisdom to know the difference.
- Dr. Reinhold Niebuhr

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.