પૂજું તમને આજ પ્રભાતે, ધૂપ દીપ ને હારે,
રંગભર્યા ગંગાને ઘાટે, સાંઈનાથ, સવારે ... પૂજું તમને
અંતરમાં છે ઉમંગ ભારે, વ્હાલ વહે છે સહસ્ત્રધારે;
નસનસમાં છે જીવન જાદુ, છોડું સૂર સિતારે ... પૂજું તમને
ભાવતણાં મધુરા પુષ્પો છે, ગૂંથુ અંતર તારે;
કંઠમહીં તે દઉં ચઢાવી, શોભા સુંદર ધારે ... પૂજું તમને
નથી પ્રવીણ પૂજામાં કોઇ, તોપણ દિલડુ વારે;
'પાગલ' પ્રાણ કૃપાને તલસે, આશ અન્ય ના મારે ... પૂજું તમને
- શ્રી યોગેશ્વરજી