આશિષ આપો સંત, આજે આશિષ આપો સંત !
વરસો કૃપા નિરંતર નેહે અક્ષય તેમ અનંત;
દ્રષ્ટિ સમક્ષ પ્રસન્ન પ્રકટ હો, લાજે લાખ અનંગ. .... આજે.
દેવસિદ્ધ છે સમર્થ કૈં યે, યોગી તેમ મહંત;
તમારી બરાબર ના કોઈ, સર્વેશ્વર ભગવંત ! .... આજે.
અનન્ય ગુણ ને રૂપ તમારું, રાય ભજે ને રંક;
સમતાના સ્વામી છો સાચે, અનાદિ તેમ અખંડ. .... આજે.
વિશ્વમહીં વ્યાપક છો તેથી પોકારું, બલવંત !
'પાગલ’ આશીર્વાદ દઈ દો, શાંતિ છવાય અનંત. .... આજે.
- શ્રી યોગેશ્વરજી